• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

ચીન સાથે સારા સંબંધોમાં સાવધાની જાળવવી અનિવાર્ય

આધુનિક  વિશ્વમાં રાજદ્વારી દોસ્તી અને દુશ્મનીના સમીકરણો સતત બદલતા રહ્યા છે. ભારતને ગાઢ મિત્ર ગણાવતા અમેરિકાએ તેનાં વલણમાં અચાનક ફેરફાર કરતાં દોસ્તીના નવા સમીકરણોના સંકેત મળવા શરૂ થઈ ગયા છે. ભારતની સામે હંમેશાં યેનકેન પ્રકારે નકારાત્મકતા બતાવવામાં હંમેશાં તત્પર રહેતાં ચીનના વલણમાં આવી રહેલો ફેરફાર આ નવા સમીકરણોની સાબિતી આપી જાય છે. ભારત બદલતા જતા સંબંધોના પડકારને પહોંચી વળવા માટે સક્ષમ હોવાની સાબિતી ચીની વિદેશમંત્રીની નવી દિલ્હીની મુલકાત પરથી આખી દુનિયાને મળી છે. સાથોસાથ ભારત હવે રાજદ્વારી રીતે કોઈપણ દબાણને વશ થાય તેમ ન હોવાની પ્રતીતિ પણ દુનિયાને થવા લાગી છે.

ચીની વિદેશમંત્રી વાંગ યીએ તેમની નવી દિલ્હીની મુલકાત દરમ્યાન ભારત સાથેના સંબંધોને નવો ઓપ આપવાની તૈયારી બતાવી છે.  સાથોસાથ ભારત માટે ચાવીરૂપ ખનિજ અને અન્ય વસ્તુઓની નિકાસ કરવા સામે ચીનમાં લદાયેલી મનાઈને દૂર કરવાનો નિર્ણય પણ તેમણે જાહેર કર્યો છે.  જો કે ભારત ચીનના સંદર્ભમાં સાવચેતી સાથે આગળ વધવાની નીતિને વળગી રહ્યંy છે અને તાઈવાનના સંદર્ભમાં પોતાનાં વલણને યથાવત્ રાખવાનો ઈરાદો જાહેર કર્યો છે.

અમેરિકાએ અચાનક લાદેલા અન્યાયી અને એકપક્ષીય ટેરિફના પડકારને પહોંચી વળવા ભારતે વિકલ્પો પર વિચાર શરૂ કર્યો છે. આ સંદર્ભમાં રશિયા સાથેના ઐતિહાસિક ગાઢ સંબંધોને જાળવી રાખાવમાં અમેરિકાનાં દબાણને વશ ન થવાની સ્પષ્ટ નીતિની સાથોસાથ ચીન સાથેના સબંધોને સુધારવાની શક્યતાઓ પર ભારત સક્રિય બન્યો છે.

ચીનને પણ ભારત સાથેના સંબંધોને સુધારવાની ઉત્કંઠા છે, પણ આ માટે સરહદ પરની તંગદિલી ઘટાડવા પર તેણે સક્રિય થવાની જરૂરત છે. આ જ કારણ છે કે ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે તેમના ચીની  સમકક્ષને સ્પષ્ટ રીતે કહી દીધું કે, સંબંધોમાં સુધારો જરૂરી છે, પણ તે માટે પહેલાં સરહદે તંગદિલી ઘટવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ચીની વિદેશમંત્રીએ પણ કહ્યંy કે, બન્ને દેશોના સંબંધોમાં સહયોગ ફરી વધે તે માટે સકારાત્મક સંકેત મળી રહ્યા છે. જો કે, નોંધવા જેવી બાબત એ પણ છે કે, ચીની વિદેશમંત્રીએ નવી દિલ્હીમાં મિત્રતાના સંકેત આપીને પાકિસ્તાનની વાટ લીધી હતી.  સ્પષ્ટ છે કે, પાકિસ્તાન અમેરિકાની પાંખમાં જઈ રહ્યંy હોવાનાં સમીકરણોએ ચીનને પણ દોડતું કર્યું છે. ચીન પાકિસ્તાનમાં તેના લાંબાગાળાના  વેપારી અને વ્યૂહાત્મક હિતોને જાળવવા મથશે એ વાત નક્કી છે.  આવામાં ભારત સાથે મિત્રતા વધારવાનો બીજિંગનો ઈરાદો કેટલો પ્રામાણિક છે એ તો નજીકના ભવિષ્યમાં સામે આવી જશે.

જો કે, અમેરિકા હોય કે ચીન ભારતે પોતાની રાજદ્વારી સૂઝબૂઝ સાથે સંબંધોની મર્યાદાને જાળવવા પર સતત જાગૃત રહેવું પડશે. અમેરિકાના અણધાર્યા વલણથી મિત્રતા પણ સ્વાર્થની હોવાનો કડવો અનુભવ ભારતને થઈ ચૂક્યો છે  ત્યારે ચીન તો વિશ્વાસઘાત માટે કુખ્યાત છે.  આવામાં ભારતે છાશના દાઝ્યા દૂધને ફૂકીને પીવાની જરૂરત છે.