• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

એશિયા કપ અને પ્રશ્નો

પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા પછી ભારતે તેના નઠારા પાડોશી સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા છે. એવામાં અખાતમાં એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાનાં આયોજને ચર્ચા જગાવી છે. ભારતે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં 15 ખેલાડીઓનું એલાન કરી દીધું છે. સ્પર્ધા યુએઈમાં રમાવાની છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે અને સામાન્ય સંજોગોમાં કાર્યક્રમ પ્રમાણે બંને ટીમ ફાઇનલ સુધી પહોંચે તો ત્રણવાર તેમની ટક્કર થઈ શકે.

ચોખલિયા વિચારકો રમત અને રાજનીતિને ભિન્ન દૃષ્ટિએ જોવાની સલાહ આપતા હોય છે. અલબત્ત, આ લખાય છે ત્યારે ભારત સરકારના રમતગમત મંત્રાલયે ખેલનીતિનો પુનરોચ્ચાર કરતાં કહ્યું છે કે, પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી હજુ પણ પ્રતિબંધિત છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં ભારતની ટીમ પાકિસ્તાન સામે રમી શકશે.

અહીં એ નોંધનીય છે કે, ભારતમાં બિહારના રાજીગીર ખાતે 29મી અૉગસ્ટથી રમાનારી એશિયા કપ હોકી સ્પર્ધામાંથી પાકિસ્તાને નામ પાછું  લઈ લીધું છે. આ સ્પર્ધાનું મહત્ત્વ એ છે કે, એશિયા કપ વિજેતા ટીમ વિશ્વકપ માટે ક્વોલિફાય થાય છે. હોકી વિશ્વકપ 2026માં બેલ્જિયમ અને નેધરલૅન્ડમાં રમાશે. પાકિસ્તાન હોકી સંઘે ખેલાડીઓની સલામતીનું કારણ દઈને ટીમને ભારતના પ્રવાસે નહીં મોકલવાનું એલાન કર્યું છે. ચૅમ્પિયન્સ ટ્રૉફી વન-ડે ટુર્નામેન્ટ માટે ભારત સરકારે તેની ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવાની ના કહી દેતાં પાક ધૂંધવાઈ ઊઠÎું હતું. ભારતના ભાગની મૅચો દુબઈમાં રમાઈ હતી અને ટીમ ઇન્ડિયા ચૅમ્પિયન બની હતી.

પાકિસ્તાન સાથે રમતના મામલે ભારત સરકાર અને ક્રિકેટ બોર્ડનું વલણ સ્પષ્ટ થયા પછી રાજકીય મોરચે આ મુદ્દે બયાનબાજી શરૂ થઈ છે. કૉંગ્રેસ સાંસદ મણિક્કમ ટેગોરે બીસીસીઆઈની ટીકા કરતાં કહ્યું છે કે, અૉપરેશન સિંદૂર કાર્યવાહી અને યુદ્ધને હજુ સમય વીત્યો નથી. પહેલગામ હત્યાકાંડના ઘાવ તાજા છે, ત્યારે પાક સાથે ક્રિકેટ મૅચ રમવાનું સ્વપ્ને પણ ન વિચારવું જોઈએ.

પાક સાથે રમવાનો ઉગ્ર વિરોધ કરનારા કહે છે કે, બહિષ્કાર તો થવો જ જોઈએ. ભારત-પાકિસ્તાન સામે રમવા ન ઊતરે એ સંજોગોમાં લીગ તબક્કે પૉઇન્ટ ગુમાવવા પડી શકે અને આગળના નોકઆઉટ તબક્કે આવા સંજોગો ઊભા થાય તો સ્પર્ધા છોડવી પડી શકે. ગયા મહિને વર્લ્ડ ચૅમ્પિયનશિપ અૉફ લિજેન્ડસમાં ભારતના સિનિયર ક્રિકેટરોએ પાક સામે રમવાનો ઇનકાર કરી દીધો ને સેમિફાઇનલ ન રમતાં પાક રમ્યા વિના જ ફાઇનલમાં પ્રવેશી ગયું હતું. દેશમાં આ પગલાંની પ્રશંસા થઈ હતી. આખરે રાષ્ટ્રભાવના અને સ્વાભિમાનથી બીજું કંઈ જ મહત્ત્વનું નથી.