• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

બ્રાન્ડ ઠાકરેને પાલિકા ચૂંટણી પહેલાં ઝટકો?

લિટમસ ટેસ્ટ કે બીએમસી ચૂંટણીના ગ્રાન્ડ રિહર્સલમાં ઠાકરે બ્રાન્ડને ઝટકો લાગ્યો છે. બેસ્ટના કર્મચારીઓની કે-અૉપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં પરાજયને પગલે અહીં પચીસ વર્ષના શિવસેનાના દબદબાનો અંત આવ્યો છે. ઠાકરે બંધુઓ ઉદ્ધવ અને રાજ સાથે મળીને પહેલીવાર કોઈ ચૂંટણી લડ્યા હોવા છતાં 21માંથી એકપણ બેઠક જીતી શક્યા નથી. પશ્ચિમ મહારાષ્ટ્રની સહકારી બૅન્ક, પતપેઢીઓ, સાકર કારખાનાં અને દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીઓના રાજકીય કનેક્શન અને પક્ષોના વર્ચસની કસોટીના તાણાવાણા જાણીતા છે.

દર ચાર વર્ષે યોજાતી બેસ્ટ ઍમ્પ્લોઈઝ કો-અૉપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી પર આ વખતે સૌની નજર હતી, કેમ કે સાથે આવ્યા પછી ઠાકરે બંધુઓની આ પહેલી કસોટી હતી, જેમાં તેઓ પૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. ભારે વરસાદ વચ્ચે પંદર હજાર મતદારમાંથી 82 ટકાએ મતદાન કર્યું, પણ 21 બેઠકોમાંથી ઠાકરે બંધુઓની ઉત્કર્ષ પૅનલનો એકેય ઉમેદવાર જીત્યો નથી. તો, ભારતીય જનતા પાર્ટીના મુંબઈના નેતા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ પ્રસાદ લાડ તથા પ્રવીણ દરેકરની શ્રમિક ઉત્કર્ષ સભાની સહકાર સમૃદ્ધ પૅનલના સાતે-સાત ઉમેદવાર જીત્યા અને કામગાર નેતા શશાંક રાવનો બાકીની 14 બેઠકો પર વિજય થયો. છેલ્લાં કેટલાંય વર્ષોથી બેસ્ટ ઉપક્રમમાં શિવસેનાના સુહાસ સામંતનું વર્ચસ હતું. ભાજપ-િશવસેનાના વિરોધી કામગાર નેતા શરદ રાવના પુત્ર શશાંક રાવે પણ ગયા વર્ષે જનતા દળ (યુ)ના મહારાષ્ટ્ર એકમનું અધ્યક્ષ પદ છોડી ભાજપનો છેડો પકડ્યો હતો. ઠાકરે બંધુઓએ કે બંને પક્ષના પદાધિકારીઓએ આ ચૂંટણીમાં સક્રિય સહભાગ લીધો નહોતો, આ પણ એક બાબત છે જે દેખાડે છે કે બંને વચ્ચે સમન્વયનો અભાવ છે.

1941માં 782 સભ્યો સાથે શરૂ થયેલી બેસ્ટની આ ક્રેડિટ સોસાયટીમાં એક સમયે ત્રીસ હજારથી વધુ સભ્યો હતા. જોકે, છેલ્લાં થોડાં વર્ષોથી બેસ્ટની સ્થિતિ કંગાળ હોવાને કારણે કર્મચારીઓની સંખ્યા ઘટતાં સોસાયટીની સભ્ય સંખ્યા પણ લગભગ અડધી થઈ ગઈ છે. આમ છતાં, સોસાયટી પાસે રૂા. 800 કરોડની આસપાસ મૂડી છે. મુખ્ય વાત એ કે, છેલ્લા લગભગ અઢી દાયકાથી શિવસેનાનું અહીં એકહથ્થુ વર્ચસ હતું. એક કાળે ટ્રેડ યુનિયન અને કર્મચારી સંઘ તથા અન્ય સંસ્થાઓ રાજકીય પક્ષો માટે જનાધાર અને કાર્યકર્તાઓ ઊભા કરવાના મંચ હતા. ભાષાના મુદ્દે બે દાયકા બાદ એકસાથે આવેલા ઉદ્ધવ-રાજ માટે આ પરાજય ચિંતાની બાબત એ કારણથી પણ છે કે, અહીંના મતદારોમાં મરાઠીભાષીઓજ મહત્તમ હતા. વળી, શિવસેના પ્રત્યે ઢળતા મતદારોને ઠાકરે બંધુઓ સાથે આવી રહ્યા છે, એવી અપીલ કરી ભાવનાત્મક મુદ્દાને આગળ કરવામાં પણ શિવસેના-મનસે નિષ્ફળ રહ્યા છે.

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે, આ તો માત્ર ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હતી અને સ્થાનીય સ્તરે લડાઈ હતી, આથી એનાં પરિણામોને બહુ મહત્ત્વ આપવાનો કે બીએમસી ચૂંટણીનાં સમીકરણ બાબતે નિષ્કર્ષ કાઢવાનો કોઈ અર્થ નથી. તો, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે, આ ચૂંટણીને રાજકીય વળ આપવાની કોઈ જરૂર નહોતી, પણ આ લોકોએ જ મોટા દાવા કર્યા હતા કે, ઠાકરે બ્રાન્ડ જીતશે, પણ થયું છે સાવ ઊંધું લોકોએ તેમને નકારી કાઢ્યા છે. પચીસ વર્ષના અન્યાયનો અંત આવ્યો છે અને ઠાકરે બ્રાન્ડ ધોવાઈ ગઈ છે.