રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામવાને હજી વાર છે, પણ એ પહેલા જ બૉમ્બે અને મુંબઈના વિવાદનો ભડકો થયો છે. વિજ્ઞાન અને તંત્રજ્ઞાન ખાતાના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંઘે આઇઆઇટી બૉમ્બે ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી કે, ભગવાનનો પાડ કે આઇઆઇટી બૉમ્બેએ હજી પોતાનું નામ જાળવી રાખ્યું છે, તેનું નામ બદલીને મુંબઈ નથી કરાયું. આ નિવેદનને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સર્વેસર્વા રાજ ઠાકરેએ ટિપ્પણી કરી છે કે, આ સરકારની માનસિકતા છે. મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના ષડયંત્રને મરાઠી નેતાઓએ સફળ થવા દીધો નહીં. આ વાતની કળવાશ તેમના પેટમાં અનેક દાયકાઓથી હતી અને હવે તે બહાર આવી રહી છે. આ સાથે જ તેમણે મહારાષ્ટ્રવાસીઓને આંખ ઉઘાડવાની અપીલ કરી છે, આ સાથે જ ચંડીગઢને પંજાબ પાસેથી ખૂંચવી લેવાના કેન્દ્રના પ્રયાસ સામે તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને કરેલા વિરોધને કારણે અત્યારે તો આ પ્રસ્તાવ હંગામી ધોરણે પાછો ખેંચી લેવાયો છે. મરાઠી માણૂસ, મરાઠી અસ્મિતા અને મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું કાવતરું આ મુદ્દા મનસે અને શિવસેના (ઉબાઠા)ને ચૂંટણીઓ ટાંકણે બરાબર યાદ આવે છે. આ વખતે ભાજપના કેન્દ્રીય પ્રધાને સામે ચાલીને તેમને આ મુદ્દો આપ્યો છે. આના પગલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર આઇઆઇટી બૉમ્બેનું આઇઆઇટી મુંબઈ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના શિક્ષણપ્રધાનને પત્ર લખશે.
મુંબઈને ગુજરાતમાં
ભેળવવાના પ્રયાસને અમે નહીં સાંખી લઈએ, એવો હુંકાર મહારાષ્ટ્રમાંથી ઊઠે ત્યારે સમજી
લેવું કે ચૂંટણીઓ નજીકમાં છે. આમ તો આ વિવાદ પાયાવિહોણો અને નિરર્થક છે, કેમ કે બૉમ્બેનું
નામ બધી જ જગ્યાએ મુંબઈ કરવામાં ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકનું યોગદાન સૌથી મોટું
છે. જોકે, રાજકારણમાં બધું સિફતપૂર્વક ભૂલી જવાની અને ભુલાવી દેવાની આવડત મોટી મૂડી
ગણાતી હોય અને મુદ્દાઓ પોતાને માફક આવે એ રીતે મારી મચડીને રજૂ કરવામાં ફાવટ ધરાવતા
મહારાષ્ટ્રના નેતાઓ મરાઠી માણૂસને દર વખતે ડરાવે છે કે, આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી
અલગ કરવાનો મનસૂબો ધરાવે છે. રાજ્યોની ભાષાવાર રચના વખતે બૉમ્બે મહારાષ્ટ્રમાં રહેશે
કે ગુજરાતનો હિસ્સો બનશે એ મુદ્દે તકરાર થયા બાદ 1956થી 1960 વચ્ચે સંયુક્ત મહારાષ્ટ્ર
ચળવળને પગલે મુંબઈ મહારાષ્ટ્રમાં રહ્યું. જોકે, નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યાર
પછી અને ખાસ તો સંયુક્ત શિવસેનાએ ભાજપ સાથે યુતિ તોડી કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે
નોખો ચોકો રચી સરકાર બનાવી એ પછી મુંબઈનો મુદ્દો વારંવાર ઉપાડવામાં આવે છે. પિતરાઈ
ઉદ્ધવ અને રાજ ઠાકરે પાસે અન્ય કોઈ મુદ્દા નથી એટલે ફરીવાર બૉમ્બે અને મુંબઈના વિવાદને
હવા આપી ભડકો કરવા માગે છે.