ભારતની વધતી જતી વસ્તી અને ધાર્મિકતામાં તહેવારો દરમિયાન અનિવાર્ય એવી સલામતીની સાવચેતી તરફ સેવાતા દુર્લક્ષના દિવસોદિવસ માઠાં પરિણામ સામે આવતાં રહ્યાં છે. કોલકાતાના દુર્ગાપૂજા મંડપ અને ગ્વાલિયરના મંદિરની નજીક બનેલા બે ગમખ્વાર બનાવોએ વધુ એક વખત આવી ઉજવણીના સંદર્ભમાં લેવાના થતાં સલામતીનાં પગલાં અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે. આ બન્ને બનાવોએ અકસ્માત રોકવાના નક્કર પગલાં ક્યારે લેવાશે એવો સવાલ ખડો કર્યો છે.
કોલકાતાના ચોરબગાન વિસ્તારમાં દુર્ગાપૂજાના પંડાલમાં ધક્કામુક્કી થતાં 19 શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં અને 2પ ઘવાયા હતા. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓએ મંડપમાં પ્રવેશ કરવા ધસારો કરતાં સાંકડા માર્ગને લીધે ધક્કામુક્કી થઈ હતી, તો ગ્વાલિયરમાં શીતલા માતા મંદિરની પાસે દર્શન માટે લોકોની લાઈન પર બેકાબૂ ટ્રક ધસી જતાં 1પ જણનાં મોત થયાં હતાં અને બીજા 26 ઘવાયા હતા. આ બન્ને બનાવોમાં તહેવારોની ભીડમાં સલામતીનાં આગોતરાં આયોજનનો અભાવ એકસમાન કડી બની રહ્યોઁ છે. કોલકાતામાં ભીડની ક્ષમતા, આવનજાવનના માર્ગો અને વરસાદની સ્થિતિમાં ધસારા અંગે સલામતીનાં પગલાં પર ધ્યાન અપાવું જોઈતું હતું. ગ્વાલિયરમાં આવા ભીડવાળા માર્ગ પર ભારે વાહન કઈ રીતે ઘૂસી ગયું તેની તપાસ થવી જોઈએ. આવાં વાહનોના પ્રવેશને રોકવા માટે પોલીસ કે આયોજકો વચ્ચે કોઈ વ્યવસ્થા ગોઠવવાની ચર્ચા થવી જોઈતી હતી. ભારતની આ કમનસીબી છે કે, આવા તહેવારોના સમયમાં અકસ્માતોના બનાવ બનતા રહે છે. જુલાઈ, 2024માં હાથરસમાં સત્સંગ બાદ ધક્કામુક્કી થતાં 121 જણનો ભોગ લેવાયો હતો.
જાન્યુઆરી, 2022માં વૈષ્ણોદેવી
મંદિરમાં આવી જ રીતે 12 દર્શનાર્થીનાં મોત થયાં હતાં. તે પહેલાં 2013માં મધ્યપ્રદેશના
રતનગઢમાં 11પ શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં. દર વર્ષે નાના કે મોટા અકસ્માત બનતા રહે
છે. તે સમયે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાય છે અને સલામતીનાં ધોરણો નક્કી થાય છે,
પણ સમયની સાથે બધું વિસરાઈ જાય છે અને પાછું રાબેતા મુજબ રામભરોસે થઈ જાય છે.
આમ તો આવા સાર્વજનિક
આયોજન માટે સલામતીનાં ધોરણો નક્કી હોવા જોઈએ. આવવા અને જવા માટેના અલગ માર્ગો, સ્પષ્ટ
જાહેરાતની વ્યવસ્થા, તાલીમબદ્ધ સલામતીકર્મીઓ, પ્રાથમિક સારવાર અને એમ્બ્યુલન્સની સુવિધા
ઉપરાંત વરસાદ કે વીજળી જવાના સંજોગોમાં ખાસ વ્યવસ્થા ઉપરાંત પૂરતાં પ્રમાણમાં સીસીટીવી
કૅમેરા માટેના નિયમોની અનિવાર્યતા રહે છે. ક્યાંક આ નિયમો છે તો તેના અમલ માટે કોઈ
ચોક્કસ માળખું નથી હોતું.