• સોમવાર, 04 માર્ચ, 2024

સોનાની તેજી અટકી ચાંદીમાં જળવાતા ભાવ 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 28 : સોનાના ભાવ છ મહિનાની ટોચ પર પહોંચ્યા પછી મક્કમ થઇ ગયા હતા. ન્યૂયોર્કમાં મંગળવારે સાંજે 2014 ડોલરના મથાળે સોનું રનીંગ હતુ અને ચાંદીનો ભાવ 24.63 ડોલર હતો. અમેરિકાની ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની સાઇકલ પૂરી કરવામાં આવશે અને નવા વર્ષના મધ્યભાગ પૂર્વે વ્યાજદરમાં એકાદ કાપ આવી જશે તેવી ધારણાએ સોનામાં નવેસરથી તેજી થઇ છે અને ભાવ 2 હજાર ડોલરના સ્તરને વટાવી ગયા છે. છેલ્લે 16 મે 2023માં સોનાનો ભાવ હાલના સ્તરે પહોંચ્યો હતો. 

અમેરિકી ડોલર નબળો પડ્યો છે અને બોન્ડના યીલ્ડ પણ ઘટી ગયા છે એટલે સોનાની ખરીદી ટ્રેડરો અને ફંડોને સસ્તી જણાય છે. પાછલા ઓગસ્ટ મહિના કરતા પણ નીચી સપાટીએ ડોલર ઇન્ડેક્સ પહોંચી ગયો છે. ટ્રેઝરી યીલ્ડ બે મહિનાની નીચલી સપાટીએ છે. 

અમેરિકામાં ફુગાવો હળવો પડી રહ્યો હોવાના સંકેતો મળ્યા છે. એ જોતા ફેડ હવે વ્યાજદર વધારો નહીં કરીને અપેક્ષા કરતા ઝડપથી કાપ મૂકવાની વિચારણા શરૂ કરે એવી શક્યતા છે. ગુરુવારે અમેરિકાના પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચરના આંકડાઓ જાહેર થવાના છે. એ ફુગાવા માટે મહત્વના બનશે. ફુગાવો ધીરે ધીરે હવે નબળો પડી રહ્યો છે એવું તો સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. વિષ્લેષકો કહે છેકે, જો સોનાનો ભાવ 2000 ડોલરના મથાળાની ઉપર રહી શકે તો 2045 ડોલર સુધી તેજી આવી શકે છે. 1990 સપોર્ટ લેવલ છે, જે તૂટી જાય તો ફરીથી 1960 ડોલરનું જોખમ રહેશે. 

બીજી તરફ સૌથી મોટાં વપરાશકાર ચીનમાં વાયા હોંગકોંગ થતી સોનાની ખરીદી સતત બીજા મહિને ઓક્ટોબરમાં ઘટી ગઇ છે. ત્યાં માગમાં ઘટાડો થયો હોવાનો સંકેત તેના પરથી મળે છે.રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધતાવાળા સોનાનો ભાવ રૂ.62500ના મથાળે મક્કમ હતો. મુંબઇમાં રૂ. 476 વધીને રૂ. 61913 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 300 ઘટતા રૂ. 73700 અને મુંબઇમાં રૂ. 1843 વધીને રૂ. 74889 રહી હતી.