માસિકધર્મ સાથે યુગોથી સંકળાયેલી અનેક ગેરમાન્યતાઓ દૂર થઈ છે છતાં આજે પણ આ બાબતને સૂગની દૃષ્ટિએ જોવાય છે. નોકરી કરતી મહિલાઓ માટે પૅઇડ મૅન્સ્ટ્રુઅલ લીવ અંગેના નિયમો ઘડવા માટેનો આદેશ સર્વોચ્ચ અદાલત આપે એવી એક અરજીની સુનાવણી દરમિયાન આ બાબતમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સ્ત્રીઓ માટે માસિકધર્મ દરમિયાન ફરજિયાત રજાનો નિયમ કે કાયદો ઘડાશે તો કોઈ તેમને નોકરી પર રાખવા તૈયાર નહીં થાય અને આનાથી તેમની રોજગારની તકો પર અવળી અસર થશે. જાગરૂકતા લાવવી અને લોકોને આ બાબત પ્રત્યે સંવેદનશીલ બનાવવા એ એક વાત છે, પણ જે ક્ષણે તમે આ દિવસોમાં રજા આપવાનો કાયદો લઈ આવશો, કોઈ તેમને નોકરી પર રાખવા તૈયાર નહીં થાય. ચીફ જસ્ટિસે કડવી વાસ્તવિકતા તરફ ધ્યાન દોરતાં કરેલી આ ટિપ્પણી વિચારવા પ્રેરે એવી છે. સર્વોચ્ચ અદાલતની ટિપ્પણને નારીવાદી સંગઠનોએ વખોડી કાઢતાં કહ્યું છે કે માસિકધર્મ દરમિયાન રજા એ કોઈ છૂટ કે સવલત નથી, પણ કામ કરવાની એકસમાન માનવીય પરિસ્થિતિ આપવાનું પગલું છે. મહિલા-કર્મચારીઓના હક્કોની માગથી તેમની કારકિર્દીને નુકસાન થશે એવી પિતૃવાદી દલીલોની જરૂર નથી. તેમને જરૂર છે મજબૂત શ્રમ સંરક્ષણ કાયદાઓની તથા તેના અમલીકરણ અને સમાનતા તથા કાર્યસ્થળે તેમના સ્વાસ્થ્ય સંબંધી બાબતો તથા ગરિમાની સ્વીકૃતિની.
આ મામલામાં અદાલતનું
ધ્યાન ખેંચતાં વરિષ્ઠ ઍડ્વોકેટ એમ. આર. શમશાદે કહ્યું કે 2013માં કેરળ સરકારે રાજ્ય
સરકાર દ્વારા સંચાલિત તમામ યુનિવર્સિટીઝમાં મૅન્સ્ટ્રુઅલ લીવ મંજૂર કરી હતી, આ સાથે
તેમણે ખાનગી કંપનીઓનો દાખલો આપતાં કહ્યું કે અનેક જગ્યાએ આ પ્રકારની છૂટ આપવામાં આવે
છે. જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું કે આ પગલાં સ્વૈચ્છિક છે, પણ જે ક્ષણે આ બાબત કાયદા
દ્વારા ફરજિયાત છે એવું કહેવામાં આવશે, એ પછી કોઈ તેમને નોકરી નહીં આપે. તેમણે ભાર
આપતાં કહ્યું કે ન્યાયતંત્ર કે સરકારી નોકરીઓમાં પણ કોઈ મહિલાઓને નહીં લે, તેઓ કહેશે
તમે ઘરે જ બેસો. ગત જાન્યુઆરી મહિનામાં જ દેશની સર્વોચ્ચ અદાલતે માસિકધર્મ સંબંધિત
સ્વાસ્થ્યને કન્યાઓના જીવવાના, ગરિમાના, સ્વાસ્થ્ય અને શિક્ષણના અધિકારનો અવિભાજ્ય
અંગ ગણાવતો શકવર્તી ચુકાદો આપ્યો હતો. વિશ્વના અનેક દેશોમાં માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓને
રજા આપવાની જોગવાઈ છે. જાપાનમાં છેક 1947 અને ઇન્ડોનેશિયામાં 1948થી આ રજા આપવામાં
આવે છે તથા સાઉથ કોરિયા, ઝામ્બિયા, તાઇવાન, વિયેતનામ અને સ્પેનમાં આ રજા અપાય છે. કાયદા
અને નિયમો અલગ-અલગ છે. અનેક અભ્યાસો દ્વારા સિદ્ધ થયું છે કે માસિકધર્મના દિવસો દરમિયાન
પચાસથી નેવું ટકા જેટલી સ્ત્રીઓને અત્યાધિક પીડા, ભારે રક્તસ્રાવ તથા થાક સહન કરવાનાં
આવે છે. આથી, આ દિવસોમાં તેમને આરામ મળે એ આવશ્યક છે, પણ ચીફ જસ્ટિસનો મુદ્દો પણ મહત્ત્વનો
છે. એવો કોઈપણ કાયદો જે સ્ત્રીઓને રોજગારથી દૂર કરે, એ વિશે બધાં પાસાં ચકાસ્યાં વિના
આગળ વધી શકાય નહીં.