• મંગળવાર, 30 જૂન, 2026

રાહદારીઓ માટે ફૂટપાથ અધિકાર

ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશમાં સંખ્યાબંધ સમસ્યાઓ સામે આવતી રહે છે. માર્ગો પર વાહનો અને રાહદારીઓની વધી જતી ભીડને લીધે ઊભા થયેલા પડકારોમાં હવે સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરી છે. માર્ગો પર પગપાળા જનારા રાહદારીઓ માટે ફૂટપાથની સુવિધાના અભાવમાં અદાલતે આવકારદાયક વલણ લેતા કહ્યું છે કે, ફૂટપાથ પર પગપાળા જનારાનો પ્રથમ અધિકાર છે. સાથોસાથ સર્વોચ્ચ અદાલતે આ અધિકારને મૌલિક અધિકાર ગણાવીને જણાવ્યું છે કે, માર્ગો પર વાહનોની અવરજવર કરતાં પણ વધુ મહત્ત્વની બાબત ફૂટપાથ પર અંતરાય વગર આવવા-જવા મળે તે છે.  

પગપાળા જતા-આવતા લોકોની માટે ચિંતા વ્યક્ત કરવાની  સાથોસાથ અદાલતે આ સમસ્યાના સંદર્ભમાં સરકારોને યાદ અપાવ્યું છે કે, આ અધિકાર એવો છે, જેનો અમલ થઈ શકે તેમ છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ફૂટપાથો પર ગેરકાયદે કબજો છે. પગપાળા અવરજવર માટેની આ ફૂટપાથો કેટલીક જગ્યાએ દબાણને લીધે અદૃશ્ય બની ગઈ છે. સરવાળે રાહદારીઓની હાલત કફોડી બની છે અને તેમની સલામતી સામે જોખમ ઊભું થયું છે.  

વાસ્તવિક્તા એ છે કે, આપણા દેશમાં ફૂટપાથ માટેનાં કોઈ નિયત ધોરણો નથી. સાથોસાથ તેની જાળવણી અને દબાણમુક્ત રાખવાની કોઈ કડક વ્યવસ્થા નથી. ફૂટપાથો પર વાહનો પાર્ક થાય છે અથવા લારીધારકોનો કબજો હોય છે. પરિણામે રાહદારીઓને માર્ગો પર ચાલવાની ફરજ પડે છે, જેને લીધે અકસ્માતોનું જોખમ વધી જાય છે. આવા અકસ્માતોમાં દર વર્ષે હજારો લોકોના જીવ જાય છે.  

સર્વોચ્ચ અદાલતે મોટર અકસ્માતનાં વળતરના એક કેસમાં ફૂટપાથને લગતો ચુકાદો આપ્યો છે. આ કેસમાં પાંચ વર્ષના બાળકનું માર્ગ અકસ્માતમાં મોત એટલા માટે થયું હતું કે, તે જે માર્ગ પર પગપાળા જઈ રહ્યું હતું ત્યાં ચાલવા માટે કોઈ ફૂટપાથ ઉપલબ્ધ ન હતી. બાળકનાં મોતનાં વળતરને લગતા આ કેસમાં અદાલતે રાહદારીઓના આ અધિકારની ગંભીર નોંધ લેતાં દેશઆખામાં માર્ગ સલામતીના નવા પરિમાણની ચર્ચા છેડાઈ છે.  

વક્રતા એ છે કે, મજબૂત લોકશાહી અને વહીવટ તંત્ર ધરાવતા દેશમાં નાની-નાની બાબતોમાં ન્યાયતંત્રમાં દરમ્યાનગીરી કરવી પડે છે. માર્ગો પર ફૂટપાથનો મુદ્દો આમ તો સામાન્ય હકીકત છે, પણ તેના તરફ દુર્લક્ષ સેવાતાં સર્જાતા જોખમી અકસ્માતો આ મુદ્દાને ખાસ બનાવે છે. અદાલતે આ મુદ્દાની જે રીતે નોંધ લઈને ફૂટપાથોને માર્ગ પર પગપાળા જનારાનો અધિકાર ગણાવીને કોઈ નક્કર પરિણામની આશા જગાવી છે. આવનારા દિવસોમાં સરકારી તંત્રો અને ખાસ કરીને પોલીસ દ્વારા દેશભરમાં ફૂટપાથોને દબાણમુક્ત કરીને રાહદારીઓ માટે સલામત વ્યવસ્થા ઊભી કરવાનાં અસરકારક પગલાં લેવાશે એવી અપેક્ષા રાખવી રહી.