વરસાદની આગાહી દરરોજ થઈ રહી છે, વરસાદ અપેક્ષા અનુસાર આવતો નથી. મુંબઈમાં બુધવારે ગણતરીના કલાકોમાં જૂન મહિનાની સરેરાશનો પચાસ ટકા વરસાદ થયો, પણ દેશના અન્ય ભાગોમાં હજી વરસાદની પ્રતીક્ષામાં છે. હવે એ સ્પષ્ટ છે કે આ સ્થિતિ `અલ નિનો'ની અસરને કારણે છે. નબળું ચોમાસું આર્થિક-સામાજિક સ્થિતિ અને દેશના ભવિષ્ય ઉપર વિપરીત અસર પાડશે તે નક્કી છે.
2026-27ના વર્ષમાં અલ
નિનોની અસર રહેશે. અત્યારે તે અસરની સંભાવના 80 ટકા છે અને નવેમ્બર સુધીમાં 90 ટકા
થશે. વૈશ્વિક સ્તરે આ સંદર્ભે સંશોધન કરી રહેલા વિજ્ઞાની સંસ્થાનોનો અભિપ્રાય એવો છે
કે 1950 પછી આટલી તીવ્રતા સાથે અલ નિનો પહેલીવાર આકાર લઈ રહ્યું છે. આની ઉપેક્ષા ભારે
પડી શકે છે. માત્ર વાતાવરણની આ આગાહી કે અનુમાન નથી, ખાદ્ય સુરક્ષા, અધિક રોજગારી,
મોંઘવારી અને આર્થિક વિકાસદર ઉપર ઝળૂંબી રહેલા જોખમની આ ઘંટડી છે.
આપણી વર્તમાન કે અગાઉની
કેન્દ્ર સરકારે, વિવિધ રાજ્યોની સરકારે જળસ્રોતો, જળ સંચયના અનેક પ્રકલ્પો, ઉપાયો કર્યા
છે, તેનો ઈનકાર કરી શકાય નહીં. ગુજરાતમાં જ આકાર પામેલી-સાકાર થયેલી `સૌની' યોજના તેનું
વિશિષ્ટ ઉદાહરણ છે પરંતુ ફક્ત સ્રોત હોવાથી- સંગ્રહ સ્થાન હોવાથી શું થશે? આખરે પાણી
આવવું જરૂરી છે અને ભારતમાં કૃષિ માટે, પીવા માટે જળ સ્રોતો ભરાવા જરૂરી છે તેમાં
70 ટકા જથ્થો વરસાદી પાણીથી જ આવે છે. અત્યારે જ વરસાદમાં 92 ટકાની ઘટ છે.
જળ સ્રોતમાં ઘટાડો, કૃષિ
ઉત્પાદન ઓછું. આ બધું તો થશે જ સાથે ગરમીનું પ્રમાણ વધશે તો શ્રમિકોની ઉત્પાદકતાથી
લઈને અન્ય સમસ્યા પણ થશે. અત્યાર સુધીના અપૂરતા વરસાદને લીધે ખરીફ પાકની વાવણી પણ થવી
જોઈએ એટલી - એવી થઈ નથી. છેલ્લી સ્થિતિ એવી છે કે, દેશમાં 315 જિલ્લા સંભવિત રૂપથી
દુષ્કાળથી અસરગ્રસ્ત થશે. 111 જિલ્લા અત્યંત સંવેદનશીલ છે. કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજ
સિંહ ચૌહાણે દુષ્કાળ સંદર્ભે બેઠક યોજી છે.
દુષ્કાળની શક્યતા માત્ર ખેડૂતની સમસ્યા નથી. અનાજ મોંઘું થશે તેને લીધે અન્ય વર્ગના લોકોના ખિસ્સા ઉપર પણ ભારણ વધવાનું છે. મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો છે. પાણીકાપ લાગુ છે. હવે જો વરસાદ ખેંચાયો કે ધારણા મુજબ ન વરસ્યો તો સ્થિતિ કફોડી થશે.