પહેલા ભાવિ ડૉક્ટરો અને હવે વર્તમાન શિક્ષકોની પરીક્ષા પેપર ફૂટવાને કારણે ટીચર્સ એલિઝિબિલિટી ટેસ્ટ (ટેટ) પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઍક્ઝામિનેશન કાઉન્સિલ (એમએસઈસી) દ્વારા લેવાતી આ પરીક્ષાના ચોવીસ કલાક પહેલાં પેપર લીક થયાની વાત સામે આવતા પરીક્ષા મોકૂફ રખાઈ. છ લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આ વખતે ટેટ આપનારા ઉમેદવારોની સંખ્યા આટલી મોટી હોવાનું કારણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો, જે મુજબ શાળાઓમાં પહેલેથી જ કામ કરી રહેલા શિક્ષકો માટે પણ આ પરીક્ષા આપવી જરૂરી કરી હતી. અદાલતના આદેશ મુજબ, જેમની સર્વિસના પાંચથી વધુ વર્ષ બાકી હોય એવા શિક્ષકોએ સપ્ટેમ્બર, 2027 સુધી ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, અન્યથા તેમને ફરજિયાત નિવૃત્તિ અપાશે. દેખીતી રીતે જ આ કારણસર પણ આ વખતે પેપરની માગ વધુ હતી અને મહારાષ્ટ્રની ટેટ પરીક્ષા અઘરી ગણાય છે, કેમ કે તેમાં પાસ થવાની ટકાવારી પાંચથી સાત ટકા જેટલી રહી છે. પેપર લીક પછી રાજ્ય લોકસેવા આયોગે પરીક્ષા પદ્ધતિમાં કેટલાક ફેરફાર તથા પ્રક્રિયામાં સુધારા કરવાની કરેલી જાહેરાત આવકારદાયક છે. જોકે, હવે ફેરપરીક્ષા થશે અને અૉગસ્ટ પહેલાં તેનો મેળ પડે એમ નથી, આથી અનેક શિક્ષકોની ચિંતા વધી છે. ભૂતકાળમાં ટેટ પરીક્ષાઓનાં પરિણામોમાં ઘાલમેલના આક્ષેપો એકથી વધુ વાર થયા છે, પણ પેપર લીકની આ પ્રથમ ઘટના છે.
રાજ્ય પરીક્ષા આયોગે
એન્જિનિયારિંગ ઍડ્મિશન માટેની દેશવ્યાપી જેઈઈ તથા રેલવેની ભરતી પરીક્ષાઓની જેમ ટેટ
પરીક્ષા પણ કૉમ્પ્યુટરાઈઝ્ડ લેવાની જાહેરાત કરી છે. આ રીતે અૉનલાઈન પરીક્ષાને કારણે
એક તો પેપર લીકની શક્યતા ઓછી થઈ જશે અને બીજું કૉમ્પ્યુટરાઈઝ્ડ પેપર ચાકિંગને કારણે
તેમાં ઘાલમેલ કે ગોલમાલનો પણ છેદ ઊડી જશે તથા પારદર્શક રીતે થયેલી ચકાસણી બાદ પરિણામ
ઝડપથી જાહેર થઈ શકશે. આ સાથે જ પરીક્ષાના 21 દિવસની અંદર પરિણામ જાહેર કરવાનો લેવાયેલો
નિર્ણય પણ ઉચિત છે. શિક્ષકો લાંબા સમયથી માગ કરી રહ્યા છે કે, આ પરીક્ષા વર્ષમાં એકથી
વધુ વાર લેવી જોઈએ, એ માગ માન્ય રહી છે અને વર્ષમાં બે વાર લેવાનું શરૂ થયું છે. પહેલાથી
આઠમા ધોરણના વર્ગોમાં શિક્ષક તરીકે નિમણૂક માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
2013માં મહારાષ્ટ્રએ રાજ્ય કક્ષાએ આ પરીક્ષા શરૂ કરી હતી. આ પરીક્ષામાં બે પેપર હોય
છે. પહેલાથી પાંચમા ધોરણમાં ભણાવવા ઇચ્છતા હોય એવા શિક્ષકોએ પેપર વન અને છઠ્ઠાથી આઠમા
ધોરણના શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે બંને પેપરમાં પાસ થવાનું હોય છે. સુધારા અમલમાં
આવે અને પેપર લીક ન થાય એવી પ્રાર્થના વિદ્યાર્થીઓની જેમ શિક્ષકો પણ કરતા થઈ ગયા છે.