• ગુરુવાર, 16 જુલાઈ, 2026

હોનારત માટે જવાબદાર અધિકારીઓને દંડ કેમ નહીં ?

સર્વોચ્ચ અદાલતે વિવિધ પ્રશાસનને એક વેધક સવાલ કર્યો છે કે ક્યાંય પણ દુર્ઘટના બને તો બીલ્ડર્સ સામે પગલાં લેવાય છે પણ જવાબદાર અધિકારીઓઁ કેમ છટકી જાય છે? આ પ્રશ્ન અનેક સંદર્ભે અગત્યનો છે. કોર્ટે મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે કોઈપણ તંત્રની બેદરકારી હોય, કોઈ કૌભાંડ હોય નાના કર્મચારીને સજા થાય કે પછી વેપારી, બીલ્ડર્સ, કોઈ વ્યવસાયી ઉપર કાયદાનો કોરડો વીંઝાય, પરંતુ કાયદાનો અમલ કરાવવાની જેમની જવાબદારી છે તે અધિકારીઓ સામે પગલાં લેવાયાં હોવાનો દાખલો બેસતો નથી અને જો એવું થાય તો પણ તે ટૂંકા ગાળા માટેના સસ્પેન્શનથી વધારે કંઈ હોતું નથી.

બીલ્ડર હોય કે હૉટલમાલિક કે કોચિંગ ક્લાસના માલિક તેમની સામે આકરાં પગલાં ભરાવાં જોઈએ, પરંતુ જે કાયદાનો તેમણે ભંગ કર્યો છે તેનો અમલ કરાવવાની જવાબદારી જે અધિકારીની હતી તેમની સામે શું? આ સવાલ અગત્યનો છે. 

લખનઊમાં હમણાં અગ્નિ દુર્ઘટના થઈ એવું સુરતમાં થયું હતું. અમદાવાદમાં હૉસ્પિટલ સળગી હતી, વડોદરામાં બૉટિંગના સ્થળે અકસ્માત થયો. પ્રશાસને પગલાં લીધાં છે, પરંતુ `લાઇસન્સિંગ અૉથોરિટી' જે મંજૂરી આપે, `પ્રમાણપત્ર' આપે તે અધિકારીનું શું? કોઈ મહાનગરપાલિકા હોય તો ટાઉન પ્લાનિંગ શાખાની જવાબદારી બાંધકામના કાયદાનું પાલન કરાવવાની છે, ફાયર બ્રિગેડની જવાબદારી અગ્નિશમનના કાયદાનું પાલન કરાવવાની છે. સંબંધિત અધિકારીને સજા કેમ થાય નહીં?

આ બાબત ખાસ તો વિવિધ વિસ્તારના ડિમોલિશન વખતે અગત્યની છે. કોઈ વિસ્તારમાં અનધિકૃત બાંધકામ કે વસાહત તોડવા તંત્ર જેસીબી સહિતનાં સાધન-સરંજામ સાથે પહોંચી જાય છે. સરકારી જમીન ઉપર અતિક્રમણ હોય તો તે દૂર થવું જરૂરી છે, પરંતુ સેંકડો મકાન બની જાય ત્યાં સુધી કેમ ધ્યાન જાય નહીં? સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરીને કહ્યું છે કે આ અનધિકૃત બાંધકામ તથા સુરક્ષા નિયમોની અવગણના અધિકારીઓની સાઠગાંઠ વગર શક્ય જ નથી.