• ગુરુવાર, 16 જુલાઈ, 2026

રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં બેચેની કે બગાવત?

મહારાષ્ટ્રના રાજકારણમાં મૂળ શિવસેનામાં ભંગાણ પડયા પછી `આંચકા' ચાલુ રહ્યા છે! તાજેતરમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ગંભીર હલચલ થઈ રહી હોવાના અહેવાલ આવી રહ્યા છે. સ્થાપક પ્રમુખ - શરદ પવાર એનડીએમાં જશે કે પછી ભાજપની મહાયુતિમાં જોડાશે - તેની અટકળો છે અને અફવા બજાર જોરમાં છે પણ મહારાષ્ટ્રના રાજકારણની સ્થિતિ `ભર્યા નાળિયેર' જેવી છે! શરદ પવાર `મૌન' છે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં અઢંગ ખેલાડી - ચાણક્ય છે. એમના મૌન પાછળ પણ રાજકીય વ્યૂહ અને ગણતરી હોય છે!

શરદ પવારના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ જૂથમાં અનિશ્ચિત વાતાવરણ હોવાથી ઘણાં નેતાઓ ચિંતિત છે એવું નિવેદન પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કર્યા પછી અજિત પવાર - જૂથના કાર્યવાહક પ્રમુખ પ્રફુલભાઈ પટેલે પણ ટાપસી પુરાવી હતી કે શરદ પવાર જૂથમાં બેચેની ઘણી છે - આ વિષયની ચર્ચા ચાલતી હતી ત્યાં અચાનક સુનેત્રા અજિત પવાર સામે વિરોધ - બગાવતની શરૂઆત થઈ છે. અજિતદાદા પવારનું બારામતીમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા પછી સિનિયર નેતા પ્રફુલભાઈ પટેલે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ - (અજિતદાદા ગ્રુપ)ના કાર્યવાહક પ્રમુખની જવાબદારી સંભાળી અને તે પછી સુનેત્રા પવાર મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન બન્યાં અને એમના પુત્ર પાર્થને રાજ્યસભાની બેઠક મળી ત્યારથી એમના પક્ષમાં ઉચાટ શરૂ થયો છે. અન્ય નેતાઓની ફરિયાદ છે કે પક્ષની કાર્યવાહીમાં પાર્થ હાવિ થઈ ગયા છે - એમના જ હુકમ ચાલે છે અને તે છતાં જનતામાં એમનો કોઈ પ્રભાવ નથી - ચૂંટણીમાં ફાયદો થવાની આશા નથી.

મહારાષ્ટ્ર સરકારમાં સુનેત્રા નાયબ મુખ્ય પ્રધાન હોવા છતાં એમને અજિતદાદાનો વારસો મળ્યો નથી, નાણાં ખાતું મળ્યું નહીં હોવાથી પક્ષના નેતાઓએ એમના વિસ્તારોના કામ માટે ભાજપ પાસે જવું પડે છે એવી ફરિયાદ - બળાપો કાઢી રહ્યા છે!

આમ શરદ પવાર ઉપરથી હવે સૌનું ધ્યાન અજિતદાદાની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ઉપર કેન્દ્રિત થયું છે. અલબત્ત, આ `ધડાકો' હવે થયો છે પણ અંદરખાને હિલ-ચાલ ક્યારની શરૂ થઈ હતી. પક્ષના પૂર્વ રાષ્ટ્રીય સચિવ સચ્ચિદાનંદ સિંહે સુનેત્રાને કાનૂની નોટિસ મોકલી છે જેમાં જણાવાયું છે કે અજિતદાદાના અવસાન પછી કાર્યવાહક પ્રમુખ પ્રફુલ પટેલ જ્યાં સુધી પક્ષના બંધારણ મુજબ ચૂંટણી થાય અને નવા પ્રમુખ ચૂંટાય નહીં ત્યાં સુધી, પદ ઉપર રહેશે એવી જોગવાઈ હતી અને સોળમી ફેબ્રુઆરીએ પક્ષનું સુધારેલું બંધારણ ચૂંટણી પંચને સુપ્રત કરવામાં આવ્યું હતું. આમ છતાં પક્ષના નિમાયેલા સચિવ બ્રિજ મોહન શ્રીવાસ્તવે એક ઠરાવથી 18મી ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી અને નવા પ્રમુખની વરણી માટે સંમેલન બોલાવીને સુનેત્રાને પ્રમુખ બનાવી દીધાં.

સુનેત્રા પવાર, પ્રફુલ પટેલ અને શ્રીવાસ્તવ - ત્રણે નેતાઓને કાનૂની નોટિસ ગઈ છે અને પંદર દિવસમાં ખુલાસો નહીં મળે તો ચૂંટણી પંચ અને અદાલતમાં કેસ દાખલ કરવામાં આવશે એમ જણાવાયું છે.

પ્રફુલભાઈ પટેલ પણ સ્વીકારે છે કે પક્ષમાં ગડબડ છે અને સુધારા જરૂરી છે.

હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની યાદવાસ્થળી કઈ દિશામાં ચાલશે તે જોવાનું છે!