સિંધુ જળના અભાવે તરફડી રહેલું પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓ કરાવવા-કરવામાંથી બહાર નથી નીકળી રહ્યું, પરંતુ તેના માટે હવે ઘરઆંગણે જ વિકટ સ્થિતિ ઊભી થઈ છે. ભારતના પડખામાં આવેલા બલૂચિસ્તાને પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરીને પાકિસ્તાનને સીધો પડકાર ફેંક્યો છે. એક ઝટકો આપ્યો છે, ફટકો માર્યો છે. દેશની આંતરરાષ્ટ્રીય માન્યતા વગેરે બાબતો એક તરફ છે, પરંતુ તેના આંતરરાષ્ટ્રીય પડઘા તો બહુ મોટા પડી રહ્યા છે. કબજાગ્રસ્ત કાશ્મીર પ્રત્યે પાકિસ્તાનનું વલણ જગજાહેર છે. બલોચ સમુદાય ઉપર પણ દમન ગુજારવામાં તેણે કશું બાકી રાખ્યું નથી, હવે પોતાના જ ભૂખંડની પ્રજાએ આ સ્થિતિ ઊભી કરી છે.
પાકિસ્તાની સેના બલૂચિસ્તાનમાં
અૉપરેશન શબાનના નામે સશસ્ત્ર કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાની પોલીસ ચોકીઓ, સૈનિકો
ઉપર થયેલા હુમલાના જવાબમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. એમ કહીએ કે પાકિસ્તાન આ વખતે પોતાની
જ ભૂમિ માટે રઘવાયું બન્યું છે. સોશિયલ મીડિયા ઉપર વાયરલ એક પત્રમાં બલૂચિસ્તાને કહ્યું
છે કે પ્રાંતનો 85 ટકા વિસ્તાર હવે અમારા કબજામાં છે, અમે રિપબ્લિક અૉફ બલૂચિસ્તાન
છીએ. સેના અને બલૂચ પ્રજા વચ્ચેની અથડામણ, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ
સૂત્રોચ્ચાર સહિતની ઘટનાઓ સતત બનતી રહે છે તેની વચ્ચે આ મોટું આંતરિક સંકટ ઊભું થયું
છે. અલબત્ત, સ્વતંત્ર દેશના આ દાવાને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ માન્યતા હજી સુધી નથી
મળી.
જોકે, પાકિસ્તાન માટે
તો આ વિસ્તાર એટલા માટે સંવેદનશીલ અને અગત્યનો છે કે ચીન સાથેની આર્થિક ગતિવિધિ માટે
તે જોડતી કડી છે, કેન્દ્ર છે. પોતે કાયમ આતંકવાદી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતું પાકિસ્તાન
બલૂચિસ્તાનમાં કંઈ પણ થાય ત્યારે ભારતને તેના માટે જવાબદાર ઠેરવીને પોતાની આંતરિક નિષ્ફળતા,
રાજકીય અસ્થિરતા છુપાવવા પ્રયાસ કરતું રહે છે, આ વખતે પણ એવું થયું છે. જોકે, ભારતના
વિદેશ મંત્રાલયે તમામ આક્ષેપ ફગાવીને કહ્યું છે કે પાકિસ્તાને પોતાને ત્યાં થતાં માનવ
અધિકારના ઉલ્લંઘન અને દમન ઉપર ધ્યાન આપવું જોઈએ. જોકે, પાકિસ્તાનની કાગારોળથી ભારતની
છબિને કોઈ ફરક પડતો નથી. પાકિસ્તાન આમ પણ અનેક સમસ્યાથી ઘેરાયેલું છે તેમાં આ તો સૌથી
ગંભીર મુદ્દો ઉપસ્થિત થયો છે.
ભારત માટે ચિંતા એક જ
બાબતની છે, અપમાનજનક સ્થિતિમાં મુકાયેલું પાકિસ્તાન ફરી સરહદ ઉપર કોઈ અટકચાળો કરી શકે
છે. ઘૂસણખોરી કે કોઈ છમકલું ન થાય તે માટે સતર્ક રહેવું પડશે. ચાબહાર બંદરની સુરક્ષા
સામે પણ સંભવિત જોખમ છે તે જોવું પડે. ભારત પાકિસ્તાનના આ આંતરિક મામલામાં સત્તાવાર
રીતે તો હસ્તક્ષેપથી દૂર જ રહે છે. પાકિસ્તાન તો ગંભીર આક્ષેપ કરે છે, પરંતુ જગત જાણે
છે કે પાકિસ્તાનના આક્ષેપમાં વજૂદ ન હોય. હવે પછીના સમયમાં પીઓકે અને બલૂચિસ્તાન બન્ને
ભારત માટે વ્યૂહાત્મક રીતે સૌથી અગત્યના રહેશે તે નક્કી.