ગણેશોત્સવની ઉજવણીમાં માટીની મૂર્તિઓનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે, મન કી બાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માટીમાંથી બનાવેલી મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરી છે. હજી એકાદ મહિના પહેલાં આ જ ઉદ્બોધનમાં વડા પ્રધાને હાકલ કરી હતી કે, પ્લાસ્ટર અૉફ પૅરિસ (પીઓપી) કે વિદેશમાં બનતી (ચાઈનીઝ બનાવટની) મૂર્તિઓ લાવતા નહીં દેશ કી મીટ્ટીમાંથી બનાવેલી પ્રતિમાઓની સ્થાપના કરો. આમ તો સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે છેક 2020માં પીઓપીની બનેલી મૂર્તિઓ પર પ્રતિબંધ લાદ્યો હતો, પણ એક યા બીજા કારણસર તેના અમલીકરણનું મુહૂર્ત આવતું નથી. એક કાળે માત્ર મુંબઈમાં જ ગણપતિની વિશાળકાય મૂર્તિઓની સ્થાપના થતી, પણ હવે તો દેશનાં અનેક મોટાં શહેરો તથા નાના કસબાઓમાં પણ મોટી મૂર્તિઓ બનાવવાની હોડ લાગી છે. અદાલતો મૂર્તિકારો અને સત્તાધીશોને પીઓપીનો વિકલ્પ શોધવાની તાકીદ કરી રહી છે. કુદરતી જળસ્રોતમાં પીઓપીની મૂર્તિ વિસર્જન કરવાથી પર્યાવરણ તથા જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે એ સર્વવિદિત હોવા છતાં રાજકારણ તથા અર્થકારણને પગલે મહારાષ્ટ્રમાં પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકાતો નથી. એકલા મુંબઈમાં જ બારેક હજાર સાર્વજનિક ગણેશોત્સવ મંડળો છે, જે છ ફૂટથી ઊંચી મૂર્તિઓની સ્થાપના કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2016ના અૉગસ્ટ મહિનામાં ગણેશચતુર્થી પૂર્વે પહેલીવાર પીઓપીની મૂર્તિઓની સ્થાપના ન કરવાની અપીલ કરી હતી અને એક દાયકા પછી ફરી તેમને આ જ અપીલ દોહરાવવી પડી છે.
ગણેશોત્સવને દોઢ મહિનાથી ઓછો સમય બાકી હોવા છતાં આ વખતે પણ બૉમ્બે હાઈ કોર્ટમાં
સુનાવણી ચાલી રહી છે કે, પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધની અમલબજાવણી કરવી કે નહીં. રાજ્ય
સરકારે આ વખતે પણ એ જ દલીલ કરી છે કે, સમય બહુ ઓછો છે અને આ પ્રતિબંધ પર અમલ કરી શકાય
એમ નથી. ગયા વર્ષે એવું નક્કી કરાયું હતું કે, છ ફૂટથી નાની પીઓપીની મૂર્તિઓનું જ વિસર્જન
સમુદ્ર, નદી કે સરોવરમાં કરવું. જોકે, એ કામચલાઉ ઉકેલ હતો, આ વર્ષે પણ તેમાં ફેરફાર
થાય એવી શક્યતા ઓછી છે. ઉચ્ચ અદાલતે તો સોમવારની સુનાવણીમાં રાજ્ય સરકારને સવાલ કર્યો
હતો કે, વડા પ્રધાનના અને તમારા વલણમાં વિસંગતિ કેમ છે? લોકોને ઈશ્વરમાં શ્રદ્ધા છે
એ સારી વાત છે, પણ તેમને એ પણ શીખવવું જોઈએ કે પ્રકૃતિને માન આપવું એટલું જ જરૂરી છે,
એવી અદાલતની ટિપ્પણી કાને ધરાશે એવી આશા રાખીએ.