કેરલમમાં કૉંગ્રેસ સામે અગ્નિપરીક્ષાની ક્ષણ છે. ગત એપ્રિલમાં ડાબેરી પિનરાઈ વિજયનને હરાવી કૉંગ્રેસે કેરલમમાં જોરદાર રાજકીય કમબૅક કર્યું, ચૂંટણી પ્રચારમાં ડાબેરીઓ અને કૉંગ્રેસ સામસામા પ્રહાર કરી એકબીજાને ભાજપની બી ટીમ તરીકે ચીતરી હતી. રાહુલ ગાંધીએ પ્રચારમાં જોરશોરથી કહ્યું હતું કે, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પક્ષ અને ભાજપ વચ્ચે પરદા પાછળ સાઠગાંઠ છે. તો, વિજયને પણ શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે, રાજ્યમાં કૉંગ્રેસ ભાજપની મદદ કરે છે. ચૂંટણી પતી ગઈ, કૉંગ્રેસના નેતૃત્વવાળી મોરચા સરકાર આવી છતાં આ પ્રહાર-આક્ષેપોનો દોર શમ્યો નથી. હવે ઍન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો એક પત્ર કેરલમની કૉંગ્રેસ સરકારને મળ્યો છે, જે મુજબ વિજયનના મુખ્ય પ્રધાન કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારની માલિકીની કંપની કોચિન મિનરલ ઍન્ડ રૂટાઈલ લિમિટેડમાંથી તેમની પુત્રી વીણા તથા જમાઈ અને પૂર્વ પ્રધાન મોહમ્મદ રઈસે કોઈપણ પ્રકારની સેવા ન આપવા છતાં 3.28 કરોડ રૂપિયા ખટાવવાના આરોપની તપાસ ઈડીએ કરી છે. હવે રાજ્ય સરકારને ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધવાની વિનંતી કરવામાં આવી છે. સતીષનના વડપણ હેઠળની કૉંગ્રેસ સરકાર વીણા સામે ગુનો નોંધે છે, તો ડાબેરીઓ ચગાવશે કે, કૉંગ્રેસ-ભાજપ એક છે. ઈડીએ સૂચવેલાં પગલાં નથી લેવાતા તો કૉંગ્રેસ ભ્રષ્ટાચારીઓને છાવરે છે એવો સંદેશ જશે. ડાબેરીઓ અને કૉંગ્રેસ કેટલાંક રાજ્યોમાં સાથે ચૂંટણી લડે છે, તો અન્યત્ર સામસામે હોય છે, આવામાં કૉંગ્રેસની કસોટી થશે એવું લાગે છે.
દેખીતી
રીતે જ પિનરાઈ વિજયને દીકરી-જમાઈ સામેના આરોપો પાયાવિહોણા હોવાનું કહી ઉડાડી મૂક્યા છે, પણ ઈડી તથા આવકવેરા ખાતાએ તપાસ કરી ગુનાની નોંધ કરી વીણાની પૂછપરછ પણ કરી હતી. ઈડી રાજ્યમાં કોઈના પર પણ ગુનો દાખલ કરવાનો આદેશ આપી શકતી નથી. તેઓ રાજ્યના પોલીસ વડાને ભલામણ કે સૂચન કરી શકે છે. આવો જ પત્ર કેરલમના પોલીસ વડાને લખી ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અનુસાર ગુનો નોંધવા સૂચવ્યું છે. મુખ્ય પ્રધાન સતીષને કહ્યું છે કે, આ પત્ર પર અભ્યાસ કર્યા બાદ પગલાં લેવામાં આવશે. જોકે, કૉંગ્રેસના વિધાનસભ્યોની માગ એવી છે કે, વિજયન અને તેમનાં દીકરી-જમાઈ સામે ગુનો દાખલ થવો જોઈએ. કૉંગ્રેસ માટે આ પરિસ્થિતિ માત્ર કેરલમ પૂરતી મર્યાદિત નથી, પણ 2029ની લોકસભા ચૂંટણીઓમાં રાહુલ ગાંધીને વડા પ્રધાન તરીકે આગળ કરવાના કૉંગ્રેસના પ્રયાસોને પણ આનાથી આંચકો લાગી શકે એમ છે. માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય સચિવ એમ. એ. બેબી નિવેદન આપી ચૂક્યા છે કે, રાહુલ ગાંધીની વડા પ્રધાન પદ માટેની ઉમેદવારી અંગે નિર્ણય સામાન્ય ચૂંટણીઓનાં પરિણામ બાદ લેવાવો જોઈએ. અત્યારથી આ નિર્ણય જાહેર કરવો યોગ્ય નહીં ગણાય. તામિલનાડુમાં કૉંગ્રેસે જોસેફ વિજયને મુખ્ય પ્રધાન પદે ટેકો આપ્યો તેના કારણે ડીએમકે સાથેના સંબંધોમાં તાણ સર્જાઈ છે. અન્ય રાજ્યોમાં પણ કૉંગ્રેસે ઇન્ડિ મોરચાના સાથી પક્ષોને એક યા બીજા સમયે દુભાવ્યા છે. વળી, જેન ઝી આંદોલનોમાં ડાબેરી પક્ષોની વિદ્યાર્થી પાંખો સક્રિય હતી. અત્યારનો મિજાજ અને માહોલ જોતાં કૉંગ્રેસ ડાબેરીઓને વધુ છંછેડે છે કે તેમને નિકટ રાખવાના પ્રયાસ થાય છે, એમાં કેરલમમાં થનારી હિલચાલ મહત્ત્વની સાબિત થશે.