• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

`બ્રિક્સ' સંમેલન : કેવો બનશે `સેતુ'?

વૈશ્વિક રાજનીતિનો એક અગત્યનો અધ્યાય ભારતના આંગણે શરૂ થઈ રહ્યો છે. બ્રિક્સ શિખર સંમેલનમાં મહાસત્તા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન ભારત આવ્યા. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મહત્ત્વની બેઠકો કરી જેનાથી બન્ને દેશોના પથ પર આશાનો ઉજાસ દેખાયો છે. શનિવારે આર્થિક મહાસત્તા ગણાતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવી રહ્યા છે. વિશ્વ વ્યવસ્થાનો એક નવો દૃષ્ટિકોણ અને ભારત-ચીનનું વિશેષ સમીકરણ રચાશે. 7 વર્ષના અંતરાલ પછી જિનપિંગ આવી રહ્યા છે તેથી મુલાકાતનું મહત્ત્વ સ્વાભાવિક રીતે વધારે છે. વ્યૂહાત્મક રીતે પણ બ્રિક્સ સંમેલન ઘણું અગત્યનું નીવડે તેવા વૈશ્વિક રાજકીય સંજોગો આકાર લઈ ચૂક્યા છે

પશ્ચિમી દેશો એટલે કે જી-7ના પ્રભાવ સામે વિકાસશીલ ગણાતા ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બ્રિક્સ બની શકે તેમ છે. અમેરિકન ડૉલર પર નિર્ભરતા ઓછી કરીને બ્રિક્સ પેમેન્ટ સિસ્ટમ પર ચર્ચા થવાની શક્યતા છે. ડી-ડૉલરાઈઝેશનની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારોમાં અગત્યની નીવડશે. લદાખ, ગલવાન ઘટના પછીના સંબંધો સીમા પર શાંતિ સ્થાપના સહિતના મુદ્દા ભારત-ચીનના દ્વિપક્ષીય સંબંધોનું ગણિત સ્પષ્ટ થશે. બેઠકો ફક્ત ડિપ્લોમસી, ફોટોસેશન બની રહે તે ખાસ જોવાનું રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ફાઈટર જેટ એસયુ-57ના ટેક્નૉલૉજી ટ્રાન્સફર, ઊર્જા અને અણુઊર્જા, દુર્લભ ખનીજોના સંશોધન અને પુરવઠા સાંકળ માટે ભાગીદારીની ચર્ચા પણ તેમની સાથે થઈ છે

ભારતનું પોતાનું વર્ચસ્વ અલબત્ત ઘણું છે, પરંતુ બન્ને દેશો સાથે થયેલી ચર્ચા કે થતા કરાર જો ફળીભૂત થાય તો આર્થિક વિકાસના રાજમાર્ગ પર દેશની ગતિ વધવાની સંભાવના પૂરેપૂરી છે. સરહદ પર સ્થિરતા, ઉત્પાદન ક્ષેત્રને વેગ, ઊર્જા અને સંરક્ષણ, ક્રૂડ અૉઈલની કિંમતો સહિતની બાબતો ભારત માટે સધિયારા રૂપ બનશે. અમેરિકાની સામે ટક્કર લઈ રહેલા બે વૈશ્વિક નેતાઓ શી જિનપિંગ અને પુતિન ભારત સાથે ભારતમાં એક મંચ પર આવી રહ્યા છે તેનો સ્પષ્ટ સંકેત તો છે કે, કોઈપણ જૂથમાં બંધાયા વગર, વિશ્વના મોટા દેશોથી માંડીને વિકાસશીલ રાષ્ટ્રો સાથે ભારતના સંબંધો છે અને ગ્લોબલ સાઉથ તથા વૈશ્વિક અર્થતંત્રમાં ભારત સંગીન ભૂમિકા અદા કરી રહ્યું છે