• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ઉલ્લેખનીય અઢી દાયકો

રાજનીતિના માધ્યમથી દેશ માટે કામ કરવાનું નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યાને 25 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. આ અઢી દાયકાની અવધિમાં અનેક પરિપ્રેક્ષ્ય, વિવિધ દૃષ્ટિકોણથી મૂલ્યાંકન થઈ રહ્યું છે. અલબત્ત, આ વર્ષે આ અવસરની ઉજવણીને થોડી ઝાંખપ લાગી છે. દેશમાં ચાલી રહેલાં આંદોલનોની આંધી વચ્ચે આ 25મું વર્ષ થોડું ધૂંધળું દેખાઈ રહ્યું છે. જોકે, 25 વર્ષનો હિસાબ એક કે બે આંદોલનના ઉધાર પાસાથી કરવો જોઈએ નહીં અને 25 વર્ષની સિદ્ધિઓને કારણે આંદોલનોની અવગણના પણ રાજકીય ઇતિહાસ લખનારાઓ કરશે નહીં તેવું આજે કહી શકાય. કોઈપણ શાસનકાળ અને શાસકનું મૂલ્યાંકન વિવિધ સ્તરે થાય, પરંતુ અહીં એક વાત નિશ્ચિત છે કે, ગુજરાતને ભારતના ઇતિહાસમાં આ 25 વર્ષ ઉલ્લેખનીય તો રહેશે જ.

1995માં ગુજરાતમાં ભાજપે પૂર્ણ બહુમત સાથે સરકારની રચના કરી ત્યારથી તેની ઊર્ધ્વગતિ રહી છે. પક્ષમાં આંતરિક અસ્થિરતા અનેક વખત જોવા મળી, પરંતુ રાજકીય રીતે ભાજપ સતત મજબૂત બન્યો. 2001ના અૉક્ટોબર માસમાં ગુજરાતની સત્તા નરેન્દ્રભાઈ મોદીના હાથમાં આવી. એ વર્ષની શરૂઆતમાં ગુજરાતને ધ્રુજાવી જનારા ભીષણ ધરતીકંપ પછી રાજ્ય બેઠું થઈ રહ્યું હતું ત્યાં જ કોમી દાવાનળે ગુજરાતને દઝાડયું. અનેક દૃષ્ટિએ પ્રશ્નો ઘણા હતા, પરંતુ 2001થી 2014નાં વર્ષમાં ગુજરાતમાં મોદી અવધિ ગણાયા. ઉદ્યોગ, પ્રવાસન સહિતનાં ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર નામના મેળવી. ગુજરાત મોડેલ શબ્દ દેશભરમાં વહેતો થયો. વાઈબ્રન્ટ ગુજરાત કે પછી સરદાર સાહેબની પ્રતિમા જેવા પ્રકલ્પો સહિતનાં અનેક સીમાચિહ્નો બનતાં રહ્યાં સમાંતરે નરેન્દ્રભાઈની આલોચના પણ થતી રહી. 

2014માં તેઓ દેશના વડા પ્રધાન બન્યા. રાષ્ટ્રીય ફલકના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની નોંધ લેવાતી થઈ. વિશેષત: આતંકવાદ સામેની લડાઈને તેમણે વૈશ્વિક સ્તરે ભારતનો એજન્ડા બનાવી. દેશમાં કલમ 370ની નાબૂદી પણ તેમના શાસનનો નોંધપાત્ર નિર્ણય રહ્યો, સામે યુસીસી જેવા મુદ્દા વિવાદોમાં રહ્યા. મોદી સરકારની આર્થિક નીતિ વિશે પણ ભિન્ન મતો સતત વ્યક્ત થતા રહ્યા છે. આતંકવાદી હુમલા આ 12 વર્ષ દરમિયાન પણ થયા સામે ઉરીથી લઈને સિંદૂર સુધી જવાબો પણ અપાયા. નરેન્દ્રભાઈના પ્રશંસકો કરોડોમાં છે તો આલોચકો પણ હજારો છે અને આ બન્નેની વચ્ચે તેમની આ યાત્રા ચાલુ રહી છે. સૌરાષ્ટ્ર માટેની સૌની યોજના જેવી યોજના હોય કે પછી દેશના અંતરીક્ષ ક્ષેત્રની પ્રગતિ હોય. આ 25 વર્ષ નિર્ણાયક રહ્યાં. 

જાહેર જીવનમાં નરેન્દ્રભાઈ તે પહેલાં પણ હતા. આરએસએસના પ્રચારક, ભાજપના સંગઠનના હોદ્દેદાર રહ્યા હતા. આ અઢી દાયકા તેઓ શાસકમાં રહ્યા છે. આજે જ્યારે આ અઢી દાયકાનો સમય વીત્યો છે તે વેળાએ પણ કસોટીકાળ તો છે જ દિલ્હીમાં બે માસ પહેલાં યુવાનો પરીક્ષા સંદર્ભે આંદોલન કરી રહ્યા હતા. આજે ફિલ્મ અભિનેતાઓ, બૌદ્ધિકો અને મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ ચૂંટણી પંચની કાર્યવાહી સામે જંગે ચડયા છે. આ લડાઈ કદાચ ભાજપની ધારણાથી વધારે મોટી થઈ ગઈ છે. વડા પ્રધાન અને સરકાર પોતાનો અત્યાર સુધીનો પરિશ્રમ અને પ્રયાસોનું પરિણામ ભવિષ્યમાં પણ મેળવી શકે તે માટે કોઈપણ પ્રકારના વિવાદને શક્ય તેટલો વહેલો ઉકેલી નાખવો બધા માટે હિતાવહ છે.