• બુધવાર, 22 મે, 2024

મણિપુરમાં ફરી હિંસા : ધારાસભ્યના ઘરને આગ ચંપાઈ  

ઈમ્ફાલ, તા. 5 : દેશના ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા હથિયારો ફેંકી દેવાની અપીલ બાદ મણિપુરમાં ફરી હિંસાની આગ ભભૂકી ઊઠી છે. કાકચિંગ જિલ્લાનાં સેરો ગામમાં કેટલાક લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય રંજિતસિંહનાં ઘર સહિત 100 ઘરમાં આગ ચાંપી હતી. 

સુરક્ષાદળોએ સોમવારે 790 હથિયાર તેમજ 10,648 વિસ્ફોટક કબજે કર્યા હતા. આ હથિયારો ત્રીજી મેનાં ભડકેલાં રમખાણો વખતે પોલીસ મથકોમાંથી લૂંટાયા હતાં. રાજ્યમાં ત્રીજી મેથી શરૂ થયેલી હિંસાની આગની લપેટમાં આવતાં અત્યાર સુધી 98 લોકોનાં મોત થઇ ચૂકયાં છે.

હિંસાથી 11થી વધુ જિલ્લા પ્રભાવિત થયા છે, 310 લોકો ઘાયલ થયા છે, તો 37 હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં લઇ જવા પડયા છે. હિંસક ટોળાંએ અનેક ઘરો સળગાવ્યાં હતાં, જેમાં ધારાસભ્ય સિંહ અને તેમના પરિવારનો બચાવ થઇ શકયો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આગ લાગ્યા બાદ લોકોને ઘરોમાંથી સુરક્ષિત ઉગારી લેવાયા હતા. વિફરેલાં ટોળાંએ ગ્રામીણ વિસ્તારોમાં તૈનાત સીમા સુરક્ષા દળના જવાનો પર પણ ગોળીબાર કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક