• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

દિલ્હી વિધાનસભા : કેજરીવાલને સત્તા મળશે?

રાજધાની નવી દિલ્હીની વિધાનસભા માટેનો ચૂંટણી પ્રચાર સોમવારે સાંજે શાંત થઈ ગયો છે. હવે બુધવારે લગભગ દોઢ કરોડ કરતાં વધુ મતદાતાઓ બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનિક મતદાન યંત્રનું બટન દાબશે. `આપ', ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેના આ ત્રિકોણી જંગમાં કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગને જે 12 લાખ રૂપિયાની ઇન્કમ ટૅક્સ સગવડ મળી છે તે દિલ્હીમાં `ગેમચેન્જર' ઠરશે એવી અપેક્ષા અને ભાવનાથી ભાજપનું મનોબળ વધ્યું છે.

દિલ્હીના રાજકારણમાં કાયમ મહત્ત્વની ભૂમિકા બજાવતો મધ્યમ વર્ગ રાજકીય દૃષ્ટિએ જાગૃત માનવામાં આવે છે. અઢી કરોડની વસ્તી ધરાવતા દિલ્હીમાં લગભગ 15 લાખ ઇન્કમ ટૅક્સ ભરનારા છે. કેન્દ્રના બજેટમાં પચાસ ટકા લોકોને ટૅક્સની ઇન્કમ ટૅક્સમાંથી મુક્તિ મળશે એવો ભાજપનો દાવો છે. દિલ્હીમાં ઓછામાં ઓછા 23થી 25 લાખ લોકોને સીધો ફાયદો થશે. આ વર્ગ અણ્ણા હજારેના આંદોલનમાં `આપ' સાથે સતત સંકળાયેલો રહ્યો છે, પણ આ વખતે તેનો મોટો વર્ગ આપના નેતા અને અરવિંદ કેજરીવાલથી નારાજ-નિરાશ છે.

કેન્દ્રમાં ભાજપની પાસે ત્રીજી વખત સરકાર આવી છે પરંતુ દિલ્હી રાજ્યની સત્તાથી 26 વર્ષનો વનવાસ દૂર કરવા માટે આ વખતે ભાજપે પ્રયાસોની પરાકાષ્ઠા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી,  ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત બીજા ઘણાં નેતાઓની ફોજ પ્રચારમાં લાગી છે. `આપ'ને ભારે પડકાર આપવા માટે ભાજપે પણ વીજળી, સ્કોલરશિપ, સ્વચ્છ પાણી, યમુનાની સફાઈની સાથે મહિલાઓને દર મહિને નાણાકીય સહાય આપવા જેવી `મોદી ગૅરન્ટી' આપી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કર્મચારીઓને લોભાવવા માટે આઠમા વેતન પંચની ઘોષણા કરી છે. `આપ'ના અનેક નેતાઓ રાજીનામાં આપીને ભાજપમાં જોડાતાં દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. 

નવી ઘોષણાની સાથે ભાજપ સત્તામાં આવે તો `આપ' સરકારની યોજનાઓ બંધ કરી દેશે એવો મુદ્દો કેજરીવાલનો છે, પણ પ્રચારના આખરી દૌરમાં તેની પાસે આઠમા વેતન પંચ અને 12 લાખ રૂપિયાની આવક પર ઝીરો ઇન્કમ ટૅક્સ કરવાની બજેટની દરખાસ્તનો કોઈ જવાબ નથી. અરવિંદ કેજરીવાલના ભાજપ પરના સીધા હુમલાઓએ ચૂંટણીને રોચક બનાવી દીધી છે.

રાહુલ ગાંધી પછી હવે પ્રિયંકા ગાંધીએ કેજરીવાલ પર આકરો હુમલો કરતાં કહ્યું છે કે `આપ'એ દિલ્હીમાં ફક્ત જુઠાણાં અને ભ્રષ્ટાચારની સરકાર ચલાવી છે. જુઠાણાંનો નકાબ ઓઢીને કેજરીવાલે દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. શીલા દીક્ષિતને અપમાનિત કર્યાં છે. હવે દિલ્હીના લોકો ન તો સ્વચ્છ હવામાં શ્વાસ લઈ રહ્યા છે, ન તો દિલ્હીના રસ્તા બરાબર છે. કેજરીવાલે ફક્ત પોતાના પ્રચાર પર રકમ ખર્ચ કરી છે. સમાજવાદી પક્ષના અખિલેશ `આપ' માટે પ્રચાર કરી રહ્યા છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનના બીજા મુખ્ય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા છે. જેનો સ્પષ્ટ સંદેશ જનતામાં જઈ રહ્યો છે કે કેજરીવાલ તકવાદી છે અને પોતાના સ્વાર્થ માટે `ઇન્ડિ' ગઠબંધનમાંથી બહાર પડી ચૂંટણી લડી રહ્યા છે.

હાલ `આપ'ની સ્થિતિ વેરવિખેર પક્ષ જેવી છે. ચૂંટણીમાં કૉંગ્રેસ જેટલી શક્તિ લગાડશે તે `આપ'ના વિરોધમાં અને ભાજપની તરફેણમાં જાય તે નક્કી છે. કેજરીવાલે યમુનાના જળમાં ભાજપે વિષ ભેળવ્યાનો આક્ષેપ અને દિલ્હીના રહેવાસીઓને `અમે' બચાવ્યાનો દાવો કરે છે! આ છેલ્લું શત્ર એમણે વાપર્યું છે અને `ભાજપ'ની દાદાગીરીની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. મતદાન દિવસ નજીક આવતા હવે `આપ', કૉંગ્રેસ, ભાજપ એમ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હવે જનતાની અદાલતમાં છે ત્યારે આઠમી ફેબ્રુઆરીએ ચુકાદો કેવો આવે છે તે જોવાનું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ