સામાન્ય રીતે વિરોધ પક્ષોના અકારણ આરોપોનો ભોગ બનતા રહેલા દેશના ચૂંટણી પંચે બિહારની ચૂંટણીની તૈયારીના સંદર્ભમાં મતદારયાદી તાકીદે સુધારવા 2પ દિવસની વિશેષ ઝુંબેશની જાહેરાત કરીને ભારે રાજકીય વિવાદ જગાવ્યો છે. ચૂંટણી પંચનાં આ પગલાંથી બિહારમાં વિધાનસભાની આગામી ચૂંટણીનો એજન્ડા ધરમૂળમાંથી ફેરફાર થઈ જશે. સુધારેલી મતદારયાદીમાં નામોના સમાવેશ અને બાદબાકીથી સંખ્યાબંધ મતદારો પર અસર પડશે. વિપક્ષે આરોપ મૂક્યો છે કે, આ કાર્યવાહી પાછળ સમાજના નબળા વર્ગ અને લઘુમતી સમાજના મતદારોને મતદાનથી વંચિત રાખવાનો કારસો રચાયો છે.
ચૂંટણી પંચે બિહાર
વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના અગાઉ રાજ્યની મતદારયાદીનું સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન
શરૂ કર્યું છે. આ કામગીરી 2પમી જુલાઈ સુધી આટોપી લેવા પંચે કમર કસી છે. આમ 2પ દિવસની
અંદર રાજ્યની આખી મતદારયાદીને બદલી નખાશે. સ્વાભાવિક રીતે આ પગલાંએ વિપક્ષો અને મતદારોમાં
ભારે ખળભળાટ જગાવ્યો છે. ખાસ તો પંચના ઇરાદા સામેની શંકા વધુ તીવ્ર બની રહી છે.
બિહારના લગભગ
સાત કરોડ 89 લાખ મતદારની આ યાદી માત્ર 2પ દિવસમાં આખી સુધારી નાખવા પંચ દિવસ-રાત એક
કરશે. આ સમયગાળા દરમિયાન તમામ મતદારોનાં ફૉર્મ અને દસ્તાવેજ જમા કરાશે અને તેની ચકાસણી
પણ કરી લેવાશે. આ કાર્યવાહી બાદ પહેલી સપ્ટેમ્બરે નવી સુધારેલી મતદારયાદી જાહેર કરાશે,
પણ આ કાર્યવાહીને લગતા સવાલો ઊભા થવા લાગ્યા છે. ખાસ તો જરૂરી દસ્તાવેજોની અનિવાર્ય
યાદી જાહેર કરાઈ છે, તેને લીધે સંખ્યાબંધ મતદારોનાં નામ યાદીમાંથી કમી થઈ જાય તેમ છે.
સાથોસાથ રાજ્યની બહાર વ્યવસાય અર્થે ગયેલા બિહારના નાગરિકોની સંખ્યા લગભગ ત્રણ કરોડ
જેટલી થાય છે. તેઓ મતદારયાદી માટેનાં ફૉર્મ અને તેના દસ્તાવેજ એકઠા કરીને આટલા ટૂંકા
ગાળામાં કઈ રીતે જમા કરાવશે એ એક મોટો સવાલ છે.