• રવિવાર, 12 ઑક્ટોબર, 2025

જીવનરક્ષક દવાઓ જ્યારે ભક્ષક બને છે

મધ્યપ્રદેશમાં અચાનક ફૂટેલું નકલી દવા પ્રકરણ આખા દેશ માટે ચિંતાજનક છે. જેને પ્રાણરક્ષક કહેવામાં આવે છે, દરદીઓને જેના ઉપર જડીબુટ્ટી જેટલો ભરોસો હોય તે દવા જ નકલી નીકળે અને જો માનવજીવન ઉપર તેનાથી જોખમ ઉત્પન્ન થતું હોય તો બીજે ભરોસો ક્યાં કરવો તેવો સવાલ થાય તે સહજ છે. આ બાબત એટલા માટે અત્યંત ગંભીર, ચોંકાવનારી છે કે કફ સિરપ પીવાને લીધે બે બાળકોનાં મૃત્યુ થયાં છે. કુલ 11 બાળકનાં મૃત્યુ એમપીમાં થયાં, 4 બાળકોને રાજસ્થાનમાં સિરપે મૃત્યુના દ્વારે પહોંચાડયાં છે. 76 દવા નકલી હોવાના અહેવાલને હવે પ્રશાસન અને સરકારે ગંભીરતાથી લેવો જ જોઈએ. 

કોરોના સમયે અૉક્સિજન અને પછી વેક્સિનમાં જે કામ થયું તે આપણે ગાઈ-વગાડીને જગતને જણાવ્યું હતું. હવે આપણે ત્યાં જ નકલી દવાને લીધે નાગરિકોના જીવન ઉપર જોખમ ખડું થયું છે. છેલ્લા 8 માસમાં મધ્યપ્રદેશમાં બનેલી 76 દવા નકલી નીકળી છે. કોઈ મોટા રોગની દવા હોય તો તે લેનાર દરદીની સંખ્યા મર્યાદિત હોય, પરંતુ આ નકલી દવાની યાદીમાં તો તાવ-શરદીમાં અપાતી પેરાસિટામોલ પણ છે, આંખનાં ટીપાં કે મલમ છે અને શરીરમાં પાણી ઘટે કે સુગર ઘટે ત્યારે અપાતું ઓઆરએસ તથા કૅલ્શિયમ-વિટામિનની પણ દવા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ અૉર્ગેનાઈઝેશનનો આ અહેવાલ છે. જાન્યુઆરીથી અૉગસ્ટ 2025 વચ્ચે આ સંસ્થાને 2 ટકા ફાર્મા કંપનીઓની 6 ટકા દવાને નકલી ગણાવાઈ છે. આ સંખ્યા નાની નથી, પરંતુ એક પણ દવા તો શું, એકાદ ટીકડી કે ઈન્જેક્શન પણ નકલી નીકળે તો દરદીના જીવન ઉપર જોખમ આવી પડે. 

નિયમ તો એવો છે કે કોઈ દવા જીવલેણ નીકળે તો 72 કલાકમાં તે બજારમાંથી પરત ખેંચાઈ જવી જોઈએ, પરંતુ એવું થતું નથી. ઘણી વાર તો દવાનાં સૅમ્પલ લીધાં પછી તેની ચકાસણીના રિપોર્ટ માટે એક-એક સપ્તાહ રાહ જોવી પડે છે, તેટલા સમયમાં તો કેટલા બધા લોકોએ તે દવાનું સેવન કરી લીધું હોઈ શકે. કફ સિરપ જેવી સામાન્ય દવા પણ જો ઘાતક કે નકલી નીકળે તો તે બાબત અત્યંત ગંભીર કહી શકાય. 

કેન્દ્ર કે સંબંધિત રાજ્ય સરકારે આ મુદ્દે અત્યંત કડક વલણ અપનાવવું જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, તબીબી ક્ષેત્રનાં અન્ય સંસ્થાનોએ જાહેર કરેલી માર્ગદર્શિકાનો અમલ દવા બનાવતાં નાનામાં નાના યુનિટમાં થાય તે અનિવાર્ય બનાવવું જોઈએ. દવા બનાવતી કંપની તમામ નિયમનું પાલન કરે, મેડિકલ સ્ટોરમાં પણ ચુસ્ત રીતે કાયદા-નિયમનું પાલન થાય તે જોવું જરૂરી છે. છેલ્લા 8 મહિનામાં બનેલી દવાઓ, તે બનાવતી કંપનીઓ સામે પગલાં લેવાથી કામ પૂર્ણ નહીં થાય. આ સમગ્ર બાબતનું અત્યંત આકરું અૉડિટ થવું જોઈએ અને ભવિષ્યમાં નાની સરખી પણ ક્ષતિ ન રહે તેવી વ્યવસ્થા તથા તેનો અમલ થવો જરૂરી છે. દવાનું શુદ્ધીકરણ પણ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની રીતે થવું જોઈએ.