• રવિવાર, 12 ઑક્ટોબર, 2025

નોંધપાત્ર કાળખંડ

નરેન્દ્ર મોદી યુવાવસ્થાથી સમાજ જીવન કે જાહેર જીવનમાં હતા, પરંતુ બંધારણીય રીતે ચૂંટાયેલી વ્યક્તિ તરીકે તેમની અને તેમના નેતૃત્વની યાત્રાને 24 વર્ષ થયાં છે. હજી આ કાર્યકાળને ઐતિહાસિક તો કહી ન શકાય, કારણ કે નરેન્દ્ર મોદી દેશનો વર્તમાન છે, પરંતુ આ 24 વર્ષની નોંધ ઇતિહાસ ચોક્કસ લેશે તેમાં ભિન્ન મત નથી. ગુજરાત કે ભારતના રાજકીય ઇતિહાસનું ક્રમબદ્ધ, કડીબદ્ધ આલેખન કોઈ શરૂ કરે તો નરેન્દ્ર મોદીના નામ વગર થઈ શકે, પરંતુ 2001થી 2025 સુધી જ્યારે તે પહોંચે ત્યારે આ નામ વગર પૂર્ણ થાય નહીં. ગુજરાત અને ભારત માટે આ 24 વર્ષ નોંધપાત્ર કાળખંડ છે. જનજીવન અને રાજનીતિ બંનેમાં પરિવર્તન થયાં જેનાં પરિણામો લાંબા ગાળા સુધી જોવા મળશે. 

2001ની 7મી અૉક્ટોબરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાનપદનું ઉત્તરદાયિત્વ સંભાળ્યું હતું. ગુજરાતનો તેમનો આરંભકાળ ચર્ચાસ્પદ કેટલેક અંશે વિવાદાસ્પદ રહ્યો. બચ્ચનની કવિતા અગ્નિપથને જાણે અનુસરતા હોય તેમ તેઓ આગળ વધ્યા. તેમના ટીકાકારોની સંખ્યા આજે પણ ઓછી નથી, પરંતુ મુખ્ય પ્રધાન તરીકે અને વડા પ્રધાન તરીકે પ્રજાનો અપાર પ્રેમ પણ તેઓ પામ્યા છે તેના એક નહીં, અનેક દૃષ્ટાંત આ અઢી દાયકામાં દુનિયાએ જોયાં છે જેની ચર્ચા અહીં લંબાણ સર્જશે. અગાઉના મુખ્ય પ્રધાનો, અગાઉના વડા પ્રધાનો સાથે તેમની સરખામણી પણ થતી આવી છે અને તે લોકશાહીમાં સહજ છે. ગુજરાત અને દેશે આ 24 વર્ષમાં કેટલીક ચિરકાલીન અસર છોડે તેવી ઘટના, તેવા નિર્ણયો, તેવાં કાર્યો જોયાં છે. દેશ વિકાસના પથ પર છે. 

મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ, તબીબી વિજ્ઞાનનું શિક્ષણ અને તાલીમ વિશિષ્ટ રીતે વિકસ્યાં. વાંચે ગુજરાત જેવા પ્રકલ્પો નવું વાતાવરણ સર્જવામાં નિમિત્ત બન્યા. ખાદીને પ્રોત્સાહન આપવામાં અને ક્રાંતિવીરોનાં સ્મારક બનાવવામાં પણ નરેન્દ્ર મોદી અલગ તરી આવ્યા. પ્રવાસન ક્ષેત્રે ગુજરાતનું કચ્છ હોય કે ગીર કે બધું જ નકશા ઉપર ઘાટા અક્ષરે ઉપસી આવ્યું. સૌરાષ્ટ્રને જળ સમસ્યામાંથી મુક્તિ અપાવનારી સૌની યોજનાને ભૂલી શકાય નહીં. કૌશલ્યા સ્કીલ યુનિવર્સિટી કે પછી વાઈબ્રન્ટ સમિટ સહિતની બાબતોને કોઈ ધારે તો સિદ્ધિ ગણી શકે. 

માત્ર રાજકીય બાબતો જ આ સમયમાં બની છે એવું નથી. હિન્દુ જાગરણ, હિન્દુત્વ માટેની રાજકીય ઈચ્છાશક્તિના પ્રમાણ પણ જોવા મળ્યા. જેની ઊભય પક્ષે ખાસી ચર્ચા પણ ચાલી. જોકે, વૈશ્વિક સ્તરે વડા પ્રધાનની છબી ઉપર આંચ નથી આવી. આયુષ્માન ભારત, આત્મનિર્ભર ભારત જેવા સંકલ્પો છેલ્લાં 11 વર્ષમાં દેશભરમાં ગુંજ્યા છે. પર્વતીય ક્ષેત્રોમાં માર્ગ નિર્માણ, ઊંચાઈવાળા સેતુઓ સહિતની માળખાકીય સુવિધાઓ દેશે જોઈ. અગાઉની સરકારે જાહેર કરેલી યોજનાઓ પણ પૂર્ણ કરવાનો યશ નરેન્દ્રભાઈને મળ્યો. 

કાશ્મીરમાં અમલી કલમ 370 બંધારણમાંથી રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમનાં આ 25 વર્ષના-11 વર્ષના શાસનકાળની સૌથી ઉલ્લેખનીય ઘટના છે. નોટબંધી, જીએસટી, કૃષિ સુધારા જેવા નિર્ણયો વિવાદમાં પણ રહ્યા. આલોચકોએ તેમાં પોતાની ભૂમિકા પણ ભજવી. દેશ તો યુગોથી જ અને 1947થી સ્વતંત્ર છે. તેના વિકાસમાં સૌ કોઈએ યથાશક્તિ, યથામતિ યોગદાન આપ્યું છે, પરંતુ મોદીનો શાસનકાળ અનેક રીતે નોંધપાત્ર છે અને નોંધપાત્ર એ છે કે 24 વર્ષ પછી અને 11 વર્ષ પછી પણ તે શાસન ચાલી જ રહ્યું છે.