અૉગસ્ટ-સપ્ટેમ્બરની અતિવૃષ્ટિને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધીના સૌથી મોટા રૂા. 31,628 કરોડના રાહત પૅકેજની જાહેરાત કરી છે. રાજ્યના 29 જિલ્લામાંના 273 તાલુકાઓમાંના આશરે 60 લાખથી વધુ ખેડૂતોનાં બૅન્ક ખાતાંમાં મદદની રકમ આગામી દિવસોમાં જમા કરવાનો નિર્ણય રાજ્યની કૅબિનેટે લીધો છે. રાજ્યની કુલ 68.7 લાખ હેક્ટર જમીન પરના ખરીફ પાકને ભારે વરસાદ અને પૂરને કારણે નુકસાન થયાનો અંદાજ છે. પંજાબ, કર્ણાટક અને તામિલનાડુના ખેડૂતો માટે જાહેર કરાયેલાં રાહત પૅકેજ કરતાં આ પૅકેજ મોટું હોવા છતાં વિરોધી પક્ષોએ તેને પ્રતીક મદદ ગણાવી છે, તેમની માગ છે કે ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા પચાસ હજારની મદદ સરકારે આપવી જોઈએ. છેલ્લા એકાદ મહિનાથી આ રાજકીય પક્ષો રાજ્યમાં લીલા દુકાળની જાહેરાત કરવાની માગણી પણ કરી રહ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકાર સતત કહી રહી છે કે લીલો દુકાળ જાહેર કરવા માટેનાં જે માપદંડ-ધોરણો છે, એવી પરિસ્થિતિ નથી. મહાયુતિ સરકારે કેન્દ્રની મદદની રાહ ન જોતાં આ પૅકેજ જાહેર કર્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુંબઈ મુલાકાતે હોવાથી, આગામી સમયમાં કેન્દ્ર પાસેથી પણ ખેડૂતો માટે મદદ મળે એવી શક્યતા છે.
રાજ્યમાં આશરે
1.4 કરોડ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકની વાવણી કરાઈ હતી. અતિવૃષ્ટિને કારણે આમાંથી
68.7 લાખ હેક્ટર જેટલા વાવણી વિસ્તારનો પાક નષ્ટ પામ્યો છે. સરકારે નેશનલ ડિઝાસ્ટર
રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)નાં ધોરણો મુજબે રૂા. 6175 કરોડ જેવી રકમ પાકના નુકસાન પેટે
આપવા માટે ફાળવી છે, આમાંથી વરસાદી પાક માટે હેક્ટર દીઠ રૂા. 8500, સિંચાઈ પાક માટે
હેક્ટર દીઠ રૂા. 17,000 અને બારમાસી પાક માટે હેક્ટર દીઠ રૂા. 22,500 પ્રમાણે મદદની
જોગવાઈ કરી છે. આ ઉપરાંત, હેક્ટર દીઠ દસ હજાર રૂપિયાની વધારાની મદદ પણ સરકાર પૂરી પાડશે
જેથી ખેડૂતો આગામી રવી મોસમ માટે બિયારણ ખરીદી શકે. 45 લાખ જેટલા ખેડૂતો જેમણે પાક
વીમો લીધો છે, તેમને આનાથી પણ વધુ રકમ વળતર પેટે મળશે. સરકારે ખેડૂતો માટે લોનમાફીની
જાહેરાત કરી નથી, પણ ફડણવીસે ખેડૂતોની મદદ અમારી પ્રાથમિકતા છે, એવું આશ્વાસન આપ્યું
છે. વિરોધી પક્ષોએ હવે લોનમાફીને મુદ્દો બનાવ્યો છે અને આ મદદ પૅકેજને ચણા-મમરા અથવા
પ્રતીકાત્મક ગણાવ્યું છે. સરકારે આ પૅકેજમાં માત્ર પાકના નુકસાનને જ નહીં, પણ પૂરને
કારણે જે ખેતરની માટી ધોવાઈ ગઈ હોય, કૂવાઓને નુકસાન થયું હોય તથા પડી ગયેલાં કાચાં-પાકાં
મકાન, ઢોરોને રાખવાની જગ્યાનું નુકસાન તથા દૂધાળાં પ્રાણીઓ માટે પણ વળતરની જાહેરાત
કરી છે. કેટલાક નિયમો અને ધોરણો હળવાં કરી ખેડૂતોને વધુમાં વધુ મદદનો સરકારનો આશય છે.
જોકે, વિરોધી પક્ષોનું કહેવું છે કે હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની મદદ કરવી જોઈતી
હતી અને જેમનાં ખેતરોની માટી ધોવાઈ ગઈ છે, તેમને હેક્ટર દીઠ પાંચ લાખ રૂપિયાની મદદની
માગ કરી છે. આ સાથે જ તેમણે એવો સવાલ પણ ઉપાડયો છે કે સરકાર રાહત માટેની આ રકમ ક્યાંથી
લાવવાની છે? આના જવાબમાં ફડણવીસે જણાવ્યું હતું કે અમારે કેટલાક ખર્ચ પર કાપ મૂકવો
પડશે, કેમ કે ખેડૂતોની પડખે ઊભા રહેવું એ સરકારની પ્રાથમિકતા છે.