• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

મરાઠા અનામત અને કૉંગ્રેસનો વિરોધ

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતના પ્રશ્ને હજુ વિવાદ શમ્યા નથી. પંચાયત ચૂંટણીમાં આ રાજકીય વિવાદ વધુ વકરે એવી શક્યતા છે. મરાઠા અનામત માટે આંદોલનકાર જરાંગે પાટીલે આક્ષેપ કર્યો છે કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના કૉંગ્રેસી નેતાઓને સૂચના આપી હતી કે મરાઠા આરક્ષણનો વિરોધ કરો અને અન્ય પછાત જાતિઓ - ઓબીસીને સમર્થન આપો. જરાંગે પાટીલે કૉંગ્રેસને સ્પષ્ટ ચેતવણી - હકીકતમાં ધમકી જ આપી છે કે જો કૉંગ્રેસ મરાઠા આરક્ષણનો વિરોધ કરવાનું ચાલુ રાખશે તો રાજ્યમાં મરાઠા સમાજ કૉંગ્રેસને બરાબર પાઠ ભણાવશે અને રાજ્યભરમાં કૉંગ્રેસને સરપંચની એક પણ બેઠક નહીં મળે. હવે કૉંગ્રેસની નેતાગીરીએ સુધરવું પડશે નહીં તો રાજકીય પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે!

જરાંગે પાટીલે મરાઠા સમાજને પણ રાજકીય પક્ષો સાથે અંતર રાખવાની સલાહ આપી છે. જે પક્ષો મરાઠા સમાજને સમર્થન આપવા તૈયાર હોય નહીં - એમની સાથે મૈત્રી સંબંધનો પ્રશ્ન જ નથી. જરાંગે પાટીલે રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સ્થાનિક ચૂંટણીમાં અમને સમર્થન નહીં આપનારા પક્ષોને મરાઠા મત નહીં મળે.

દરમિયાન મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ આપવાના રાજ્ય સરકારના નિર્ણય ઉપર સ્ટે અૉર્ડર આપવાનો ઇનકાર બૉમ્બે હાઈ કોર્ટે કર્યો છે. મહારાષ્ટ્ર માલી સમાજ મહાસંઘે રાજ્ય સરકારના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો છે. મરાઠા - કુણબીઓને ઓબીસી સર્ટિફિકેટ આપવાની શરૂઆત થાય તો પછી મરાઠા સમાજની અન્ય જાતિઓને પણ આ લાભ આપવાની માગણી ઊઠશે. તેથી રાજ્ય સરકારના નિર્ણય અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. મરાઠાઓને પાછલા બારણેથી ઓબીસી લાભ આપવાની પેરવી હોવાનો આક્ષેપ છે. અત્યારે મરાઠવાડાના કુણબીઓને ઓબીસી ગણવાનો પ્રબંધ છે તેથી અન્ય જાતિઓ પણ આરક્ષણમાં ભાગ પડાવશે એવી શક્યતા હોવાથી મનાઈ હુકમની અરજી થઈ છે. બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું છે કે અરજદાર પક્ષનો કેસ પૂરો સાંભળ્યા પછી કાનૂની પાસાં તપાસીને ચુકાદો અપાશે પણ તાત્કાલિક મનાઈ હુકમ આપી શકાય નહીં. હવે આવતા મહિને આ કેસની સુનાવણી શરૂ થશે.