લોકલ ટ્રેન મુંબઈગરાની જીવનરેખા ગણાય છે, પણ હવે જમીનની નીચે ચાલતી મેટ્રો-3 ઍક્વાલાઈનના રૂપમાં મુંબઈને નવી લાઈફલાઈન મળી છે. કફ પરેડ અને આરે જેવીએલઆર વચ્ચે 33.5 કિ.મી.ની આ મેટ્રો સેવા 30 શૈક્ષણિક સંસ્થાઓ, 13 હૉસ્પિટલો અને 14 ધર્મસ્થળો ઉપરાંત નરિમાન પૉઈન્ટ, કફ પરેડ, ફૉર્ટ, લોઅર પરેલ, બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ તથા એમઆઈડીસી-િસપ્ઝ જેવાં છ મુખ્ય બિઝનેસ અને રોજગાર કેન્દ્રોને પણ જોડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મૂકેલી આ મેટ્રો લાઈનનો ઉપયોગ દરરોજ આશરે લાખ મુંબઈગરા કરશે એવી અપેક્ષા છે. પરાંના રેલવે નેટવર્ક સાથે જોડાયેલા નથી એવા વિસ્તારોને સાંકળતી આ નવી લાઈન દ્વારા એક કલાકમાં આરેથી કફ પરેડ પહોંચી શકાશે. મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઈન પરનાં કુલ 27માંથી 26 સ્ટેશનો ભૂમિગત છે. અન્ય મેટ્રો લાઈન, મોનોરેલ, સબર્બન લોકલ ટ્રેન તથા મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટને જોડતી આ મેટ્રો મુંબઈમાં ટ્રાફિક, ધસારો અને ભીડ ઓછી કરવા વરદાનરૂપ સાબિત થવાની આશા રખાય છે.
2004માં કોલાબા અને બાન્દ્રાને જોડતી વીસ કિ.મી. લાંબી મેટ્રો
લાઈનની જાહેરાત મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ના માસ્ટર
પ્લાનના એક ભાગ તરીકે કરાઈ હતી. આ આખી યોજના અંતર્ગત શહેરમાં કુલ 146 કિ.મી.ના મેટ્રો
ટ્રેક, જેમાંથી 31 કિ.મી. અંડરગ્રાઉન્ડ હશે, એવો અંદાજ હતો. 2011માં આ લાઈનને કોલાબાથી
સિપ્ઝ સુધી લંબાવવાની યોજનાને અંતિમ રૂપ અપાયું. 2016માં મેટ્રો લાઈનનાં બાંધકામના
કૉન્ટ્રાક્ટ અપાયા. જોકે, આ રૂટના બાંધકામ દરમિયાન પર્યાવરણવાદીઓ અને ચળવળકારોના વિરોધ
તથા અદાલતોમાં કરાયેલી જનહિતની અરજીઓના કારણે વિલંબ થયો હતો. જોકે, બૉમ્બે હાઈ કોર્ટ
તથા દેશની સર્વોચ્ચ અદાલતે આ મેટ્રો પ્રોજેક્ટના મહત્ત્વને અધોરેખિત કરતા આ અરજીઓને
કાઢી નાખી હતી. કુલ ત્રીસ હજાર કરોડના ખર્ચે બનેલી આ મેટ્રો લાઈન માટે એમએમઆરસીએલ,
પેડેકો, એમએમઆરડીએ, સીઆરસીઈ તથા જેઆઈસીએ જેવાં પાંચ મોટાં જૂથોએ ભંડોળ પૂરું પાડ્યું
હતું. માત્ર જમીનની નીચે નહીં, પણ મીઠી નદીની નીચેથી પણ આ રૂટ પસાર થાય છે. આ પહેલાં
કોલકાતામાં હુગલી નદી નીચેથી પસાર થતી કોલકાતા મેટ્રો ગ્રીન લાઈન એકમાત્ર મેટ્રો હતી,
જે નદીની નીચે ટનલમાંથી પસાર થતી. આ પ્રોજેક્ટના પહેલા તબક્કાનું લોકાર્પણ ચોથી અૉક્ટોબર,
2024માં વડા પ્રધાન મોદીએ કર્યું હતું.
મહારાષ્ટ્રના વિરોધી પક્ષોએ જાણે કે સરકારનાં દરેક પગલાંનો
વિરોધ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તેમ મેટ્રો લાઈનના ઉદ્ઘાટનનો વિરોધ કરતા નવી મુંબઈમાંના
ઍરપોર્ટ અને મેટ્રો લાઈનના કાર્યક્રમથી દૂર રહ્યા હતા. જોકે, આ પક્ષો એ ભૂલી જાય છે
કે, મેટ્રોના કૉચ મેક ઈન ઇન્ડિયા પહેલ અંતર્ગત ભારતમાં જ ઉત્પાદિત થયા છે. જોકે, ગત
જુલાઈ મહિનામાં વરસાદ પછી કેટલાંક મેટ્રો સ્ટેશનોમાં પાણી ધસી આવ્યું હતું તથા ઉદ્ઘાટન
પૂર્વે પણ કામ બાકી હોવા જેવી ફરિયાદો સામે આવી હતી.
મુંબઈગરા માટે આ મેટ્રો પ્રવાસ સુખદાયક રહેવાની સાથે સહુલિયતભર્યો
બની રહે એ માટે મુંબઈ વન ઍપ પણ લૉન્ચ કરાઈ છે. આ ઍપમાં મુંબઈનાં ઉપનગરીય રેલવે નેટવર્ક
સહિત 11 સાર્વજનિક પરિવહન સેવાની ટિકિટો કઢાવી શકાશે, જેમાં મુંબઈ મેટ્રો 2એ, મેટ્રો
3, મેટ્રો 1 તથા મોનોરેલ, નવી મુંબઈ મેટ્રો, લોકલ ટ્રેન, બેસ્ટની બસો ઉપરાંત થાણે,
કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ તથા મીરા-ભાયંદર પાલિકા સંચાલિત બસ પરિવહન સેવાને પણ તેની
સાથે જોડવામાં આવી છે. લાઈન થ્રીનો 15 ટકા ટ્રાફિક સબર્બન રેલવેમાંથી આવવાનો હોવાથી
આ નેટવર્ક પરની તાણમાં ઘટાડો થશે. દર પાંચ મિનિટે આ લાઈન પર મેટ્રો દોડશે, આથી આઠ કૉચની
દરેક મેટ્રો કાર હોવા છતાં ધસારાને પહોંચી વળવા તે સક્ષમ હશે. માળખાકીય સુવિધાઓમાં
અદ્યતન વિશિષ્ટતાઓ, ટિકાટિંગ સિસ્ટમમાં અદ્યતન કનેક્ટિવિટી તથા સલામતી અને કામગીરી
બાબતે રખાયેલી પૂર્ણ તકેદારીને કારણે આ મેટ્રો મુંબઈના ભાવિનું એક સીમાચિહ્ન સાબિત
થશે, એમાં શંકા નથી.