• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

રાહુલ ગાંધી જવાબ આપે : દેશની માફી માગશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં વિકસિત ભારતની છડી પોકારી છે. અદ્યતન વિમાનમથક અને મુંબઈકર માટે આવાગમન સરળ બનાવતી યોજનાના શુભારંભ સાથે એમણે વિરોધીઓ દ્વારા થતી ટીકાનો સણસણતો જવાબ આપ્યો છે. પહલગામમાં આતંકી હુમલો અને હત્યાકાંડ પછી અૉપરેશન સિંદૂરની ટીકા કરીને સફળતા અંગે શંકા વ્યક્ત કરનારા રાહુલ ગાંધીએ ભારતના વડા પ્રધાન કમજોર - નબળા છે - અમેરિકાના દબાણથી યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપનો જવાબ આપવાનો મોકો મોદીને મુંબઈમાં મળ્યો. વર્ષ 2008માં મુંબઈ ઉપર આતંકી આક્રમણ થયું તે પછી પાકિસ્તાન ઉપર હુમલો કરવા ભારતીય સેના તૈયાર હતી પણ કૉંગ્રેસી સરકારે વિદેશી (અમેરિકા)ના દબાણથી ભારતીય સેનાને મંજૂરી આપી નહીં - કૉંગ્રેસી સરકાર કમજોર હતી કે નહીં? વિદેશી દબાણ સામે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ ઝૂકી ગયા કે કૉંગ્રેસનાં સર્વોચ્ચ નેતા શ્રીમતી સોનિયા ગાંધીએ ‘જી હજૂર’ કહ્યું? મોદીએ હવે પડકાર કર્યો છે - કૉંગ્રેસ - અર્થાત્ રાહુલ ગાંધી - જવાબ આપે - દેશ જાણવા માગે છે. - વોટચોરીના ગાણાં ગાતા, રાગ આલાપતા રાહુલ ગાંધી જવાબ આપશે? પી. ચિદમ્બરમ તત્કાલીન ગૃહપ્રધાન હતા - એમણે જાહેરમાં કૉંગ્રેસ સરકારનો દેશહિત વિરોધ ભાંડો ફોડÎો છે અને આ બાબત અત્યાર સુધી મૌનવ્રતધારી રાહુલ ગાંધી હવે રાષ્ટ્રની માફી માગે - આપણી સેના અને સરકારને કમજોર કહેનારા રાહુલ ગાંધી હવે દેશને મોઢું બતાવશે? ખોલશે?

 

રાહુલના પેટમાં તેલ કેમ રેડાયું છે? 

રાહુલ ગાંધીએ ભારતનું અર્થતંત્ર મૃતઃપ્રાત - ડેડ છે - એવું નિવેદન કરીને જાણે વાઘ માર્યો હોય તેમ છાતી ફૂલાવી રહ્યા છે. ટ્રમ્પને પેટમાં દુઃખે તેથી માથું કૂટી રહ્યા છે અને બ્રિટનના વડા પ્રધાન 125 ઉદ્યોગપતિઓના કાફલા સાથે ભારત પધાર્યા છે તે જોઈને રાહુલ ગાંધીના પેટમાં તેલ રેડાયું છે! ટ્રમ્પને ટાંકીને ભારતનું અર્થતંત્ર ડેડ હોવાનું કહે છે - બ્રિટનના ઉદ્યોગપતિઓને ભડકાવી રહ્યા છે - પણ ઉદ્યોગપતિઓ બાળકબુદ્ધિના નથી - અર્થતંત્ર નહીં પણ રાહુલ ગાંધીની અભિલાષા - આશા ‘ડેડ’ હોય એમ લાગે છે! કમસે કમ ભારતની ધરતી ઉપરથી તો આવી ભાષા - કે આશા વ્યક્ત કરવી નહીં - એવી સલાહ એમનાં પૂજ્ય માતુશ્રી પણ નહીં આપતાં હોય?

વિકસિત ભારતનો માર્ગ મુંબઈથી શરૂ થાય છે. વિકસિત હિંદનો દ્વાર મુંબઈમાં છેઃ બ્રિટિશ વડા પ્રધાન પહેલી વખત પધાર્યા છે પણ ઘણા ઉદ્યોગપતિઓએ જૂના અને નવા મુંબઈની જાહોજલાલી જોઈને સરખાવી હશે. હજુ હાલમાં જ શિવસેના (બાળાસાહેબ)ના ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં કહ્યું કે મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં વોટ આપવા પહેલાં વિચાર કરજો - મુંબઈ અદાણીને વેચાઈ જાય નહીં! હવે નવી મુંબઈનું ઍરપોર્ટ અને મુંબઈના વિકાસ માટેની યોજનાઓ જોઈને એમને લાગતું હશે કે અદાણીએ મુંબઈ લઈ લીધું - જીતી લીધું છે!

મહારાષ્ટ્રનો વિકાસ અને હિત ઇચ્છતા તમામ રાજકીય ખેરખાંઓ અંબાણી - અદાણીનો વિરોધ કરવાને બદલે ભારતના આર્થિક પાટનગર મુંબઈના વિકાસ માટે ગૌરવ અનુભવે તે જરૂરી છે.

મુંબઈ-મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાતમાં ખેંચાતા હોવાની હૈયાવરાળ બંધ કરીને મુંબઈ-મહારાષ્ટ્રના વિકાસનું હિત હૈયે અને હોઠે હોવું જોઈએ.