મુંબઈગરાને શિસ્તબદ્ધ બનાવવા, અસ્વચ્છતા ફેલાવનારાઓને નિયંત્રિત કરવા તથા મહેસૂલમાં વૃદ્ધિ થાય એવા ત્રિવિધ આશયે મુંબઈ મહાનગરપાલિકાએ વિવિધ ઉલ્લંઘનો માટેના દંડમાં વધારાનો દંડો ઉગામ્યો છે. તાત્કાલિક ધોરણે અમલમાં આવે એ રીતે નવા બાય લૉઝને બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ મંજૂરી આપી છે. અત્યાર સુધી વર્ષ 2006માં અમલમાં આવેલા બાય લૉઝ મુજબ દંડ વસૂલવામાં આવતો હતો. મુંબઈમાં વધી રહેલી ગંદકી તથા રસ્તા પર વિવિધ પ્રકારની અસ્વચ્છતામાં થયેલો વધારો જોતાં આ પગલું સમયોચિત છે. આમ તો ઘણા વખતથી આ બાય લૉઝમાં સુધારા કરાયા હતા અને લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ બાદ તેની અમલ બજાવણી થવાની હતી, પણ અકળ કારણોસર આવું થઈ શક્યું નહોતું.
રસ્તા પર થૂંકનાર પાસેથી પાલિકા અત્યાર
સુધી દંડ પેટે રૂા. 200 વસૂલતી હતી, આમાં વધારો કરી આ રકમ અઢીસો રૂપિયા કરાઈ છે, તો
જાહેર રસ્તા પર કે બગીચામાં કચરો ફેંકનારાને લાગુ કરાતા દંડનો આંકડો 200થી સીધો જ પાંચસો
રૂપિયા કરી દેવાયો છે. જાહેરમાં લઘુશંકા અને શૌચ કરનારાઓને પણ પાંચસો રૂપિયાનો દંડ
ફટકારવામાં આવશે. પરવાનગી વિના રસ્તા પર કાટમાળ ફેંકનારાઓ માટે પૅનલ્ટીની રકમ વીસ હજારથી
પચીસ હજાર રૂપિયા કરી દેવાઈ છે. ભીનો અને સૂકો કચરો અલગ-અલગ કરવા વિશે પાલિકા લાંબા
સમયથી જાગરૂકતા ફેલાવી રહી છે, છતાં નાગરિકો આ નિયમને અનુસરતા નથી. હવે નવા બાય લૉઝ
મુજબ આવા લોકો પાસેથી વસૂલાતા દંડની રકમ 100થી સીધી 200 રૂપિયા કરી છે, તો 200 ચોરસ
મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા તેમ જ દરરોજ 100 કિલોથી વધુ ભીનો કચરો જ્યાં સર્જાતો હોય
એવી સોસાયટીઓ, સરકારી કાર્યાલયો અને હોટેલોને આ કચરાનો નિકાલ જાતે કરવાનું ફરજિયાત
કરાયો છે. પાલિકાએ દંડની રકમમાં વધારો કરી વસૂલાતમાં સપાટો બોલાવવા સાથે જાગરૂકતા લાવવાના
તથા કચરાનો નિકાલ યોગ્ય રીતે કરવા બાબતે સમજણ આપવાની દિશામાં પણ કામ કરવું જોઈએ. યાદ
રહે, નવા બાય લૉઝ માટે મુંબઈગરા પાસેથી વાંધા અને સૂચનો મગાવાયા હતા અને નાગરિકોએ તેમાં
ઊલટભેર સહભાગી થઈ રજૂઆત પણ કરી હતી. મુંબઈમાં સ્વચ્છતા અને શિસ્તનું વાતાવરણ સર્જાય
એ નાગરિકો અને પાલિકા બન્નેની જવાબદારી છે.