• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

મણિપુરમાં તકલાદી શાંતિથી અમંગળનાં એંધાણ

મણિપુરમાં માંડ શાંત થયેલી હિંસાની આગ ફરી એક વખત જાગી રહી છે. થોડા સમય માટે ઊભો થયેલો શાંતિનો માહોલ માત્ર આભાસી હોવાના બનાવો બનવા લાગ્યા છે. કાંગપોકપી જિલ્લાના સોંગલુંગ ગામમાં ઉગ્રવાદીઓએ સંખ્યાબંધ મકાનો અને ફાર્મ હાઉસને આગ ચાંપી દીધાના અહેવાલ છે. સદ્ભાગ્યે આ બનાવમાં કોઈનો જીવ ગયો નથી, પણ તેનો મુખ્ય ઇરાદો રાજ્યમાં જાતીય હિંસાની આગને ફરી ભડકાવવાનો હોવાનું સ્પષ્ટ રીતે કળાઈ રહ્યં છે.  

ઉલ્લેખનીય છે કે કાંગપોકપી જિલ્લામાં કુકી બહુમતીની વસ્તી છે અને ઉગ્રવાદીઓ અગાઉ પણ આ વિસ્તારને નિશાન બનાવી ચૂક્યા છે. હવે આ વિસ્તારના એક કુકી સંગઠને ગુનેગારોને ઝડપી લેવા સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. આમ ન થાય તો વળતી કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ હોવાના અહેવાલ છે. આ સંગઠને એમ પણ કહ્યંy છે કે કુકી બહુમતી ધરાવતાં ગામોને જાણી જોઈને નિશાન બનાવાઈ રહ્યાં છે. આવામાં જો સ્થિતિ બગડશે તો તેની જવાબદારી વહીવટી તંત્રની થશે.  

થોડા સમય પહેલાં મણિપુરમાં શાંતિ માટેના પ્રયાસો સફળ થતા જણાયા હતા. આના પગલે કોઈ કાયમી ઉકેલની આશા પણ જાગી હતી. જોકે, આવા કાયમી ઉકેલ માટે નક્કર પ્રયાસ હાથ ધરાયા ન હોવાનું પણ આ તાજા બનાવ પરથી સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે. હવે કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે સમાધાન માટે ઉપયોગી બની શકે એવા મુદ્દાને આયોજનબદ્ધ રીતે નિશાન બનાવાઈ રહ્યા છે. તાજેતરમાં એક કુકી યુવતીની સાથે લગ્ન કરનાર મૈતેઈ યુવકની ઉગ્રવાદીઓએ હત્યા કરી નાખી હતી.  

સામે આવેલા અહેવાલો મુજબ સોંગલુંગ ગામમાં હુમલા કરનાર ઉગ્રવાદી સંગઠને દાવો કર્યો છે કે જે વિસ્તારમાં મકાનો અને ફાર્મ હાઉસને આગચંપી કરાઈ ત્યાં અફીણની ગેરકાયદે ખેતી થતી હતી. જવાબમાં કુકી સંગઠનોનું કહેવું છે કે આ ગામમાં કદી અફીણની ખેતી થઈ જ નથી. આવામાં સવાલ એ છે કે જે કાર્યવાહી વહીવટી તંત્રે કરવાની રહે છે તે ઉગ્રવાદી સંગઠને શા માટે કરી? 

મૈતેઈ સમુદાયને જનજાતિનો દરજ્જે આપવાના સવાલ પર મે 2023માં જાગેલી હિંસા હવે વિવિધ સમુદાયો વચ્ચે સંખ્યાબંધ મુદ્દા પર સીધા સંઘર્ષમાં પરિણમી છે. અત્યાર સુધી 250થી વધુ લોકોનાં મોત આ હિંસામાં થઈ ચૂક્યાં છે. હજારો લોકો બેઘર બન્યા છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સંગઠનો વચ્ચે આમ તો વાટાઘાટોના સંખ્યાબંધ દોર થઈ ચૂક્યા છે, પણ હિંસા અને અરાજકતાનો કોઈ અંત જણાતો નથી. મહત્ત્વની બાબત એ છે કે વહીવટી તંત્રની સાથોસાથ સલામતી તંત્ર પણ હિંસાને નાથવામાં વિફળ રહ્યં છે. હાલ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને નવેસરથી શાંતિ પ્રયાસો આદરવાની જરૂરત જણાઈ રહી છે. કાયમી શાંતિ એ મણિપુરની હવે તાતી જરૂરત બની ગઈ છે.