ભારતીય બજારો છેલ્લા થોડા સમયથી એક યા બીજા કારણસર દબાણ હેઠળ છે અને આગામી સમય અનિશ્ચિતતા અને પડકારભર્યો છે. 2026ના ત્રીજા મહિનાના હજી તો મંડાણ થયા છે ત્યાં સેન્સેક્ષ લગભગ છ ટકા જેટલો નીચે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વભરનાં શૅરબજારો સતત તૂટી રહ્યાં છે અને એમાંય મુખ્ય એશિયન બજારો લાલઘૂમ છે. આ સાથે જ ક્રૂડતેલના ભાવમાં પણ ભડકો થઈ રહ્યો છે, કેમ કે દુનિયાનાં ક્રૂડતેલની કુલ હેરફેરમાંથી પાંચમા ભાગની જ્યાંથી થાય છે એ હોરમુઝ સ્ટ્રેઇટને ઈરાને બંધ કરી દીધી છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ દિવસો નહીં, અઠવાડિયાંઓ સુધી ચાલશે એવી ટિપ્પણી કરવા સાથે હુમલાની તીવ્રતા વધારી છે. જવાબમાં ઈરાને પણ અમેરિકાનાં વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવાનું જારી રાખ્યું છે. નિર્દોષોના જીવ જઈ રહ્યા છે અને વિશ્વ પર કટોકટી-મંદીનાં વાદળ ઘેરાવાં લાગ્યાં છે.
બ્રૅન્ટ ક્રૂડ
અૉઇલના ભાવમાં છ ટકા જેટલો વધારો થયો છે. આની ઝાળ સૌને લાગવાની છે. જોકે, ભારત પાસે
પૂરતો અનામત ક્રૂડ જથ્થો છે, એવી બાંયધરી પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ ખાતાના પ્રધાન
હરદીપાસિંહ પૂરીએ આપી છે. મિડલ-ઈસ્ટનાં ક્રૂડતેલ પરનો ભારતનો મદાર હાલના મહિનાઓમાં
વધ્યો છે, કેમ કે રશિયા પાસેથી ક્રૂડની આયાતમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. મિડલ-ઈસ્ટથી
આવતું ક્રૂડતેલ સ્ટ્રેઇટ અૉફ હોરમુઝથી આવે છે અને અહીંથી થતી હેરફેર પર ઈરાને રોક લગાડી
છે. આવામાં, ભારત ફરી રશિયા પાસેથી ક્રૂડની ખરીદી વધારે તો અમેરિકા અને ટ્રમ્પને વાંકું
પડે અને માંડ થાળે પડેલી ટ્રેડ ડીલ અને નિયંત્રણમાં આવેલા ટેરિફમાં ફરી વધારો ઝિંકાવાની
તલવાર લટકતી રહે છે. આથી, આવનારો સમય કસોટીનો છે. ભારતે ઈરાન પરના હુમલાની ન તો નિંદા
કરી છે અને ન તો તેના શાસક ખોમૈનીના મોત વિશે કોઈ નિવેદન આપ્યું છે. વિરોધ પક્ષ અને
ખાસ તો કૉંગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મૌનને મુદ્દો બનાવી રહ્યા છે. સરકાર માટે
મધ્ય-પૂર્વમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા એ બાબત પ્રાથમિકતા છે. હાલની પરિસ્થિતિ યથાવત્
રહી અને ક્રૂડના ભાવ બૅરલ દીઠ 100 ડૉલરને આંબી ગયા તો પડકાર વધુ મોટો થઈ શકે છે.