ઇઝરાયલ-ઈરાન વચ્ચે શરૂ થયેલા અમેરિકા પ્રાયોજિત યુદ્ધનો ચોથો દિવસ પણ અતિ વિકરાળ રહ્યો છે. આંકડા અત્યંત ચોંકાવનારા છે. ચાર દિવસમાં 800 જેટલા માણસોનાં મૃત્યુ થયાં છે. 153 શહેરો ભીષણ હુમલાનો ભોગ બન્યાં છે. આ ખુવારી તો કેટલી આગળ વધશે? તે કહી શકાય તેમ નથી પરંતુ સૌરાષ્ટ્ર સહિત આખા દેશમાં આ યુદ્ધની વ્યાપક વિપરીત અસર થવાની સંભાવના છે. ઈરાન સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વાત કરશે તેવા અહેવાલો વચ્ચે પણ યુદ્ધ અટકવાની કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. વિદ્યાર્થીઓના પણ અંતિમ સંસ્કાર ઈરાનમાં થઈ રહ્યા છે. બીજી તરફ ઇઝરાયલ હવે લેબેનોન ઉપર પણ ત્રાટક્યું છે. મિડલ ઇસ્ટનું આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું છે. અમેરિકાએ પણ પોતાના સૈનિકો ખોયાની કબૂલાત કરી છે અને કહ્યું છે કે, યુદ્ધની શરૂઆત ભલે અમે કરી ન હોય પરંતુ તે ક્યારે પૂર્ણ થશે તે અમેરિકા જ નક્કી કરશે. ધારણા એવી હતી કે, સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખોમૈનીના મોત પછી ઈરાનનો જુસ્સો ઠંડો પડશે પરંતુ ઈરાન બમણી તાકાતથી પ્રતિકાર કરી રહ્યું છે. આરબ દેશો અને ત્યાં રહેલાં અમેરિકન લશ્કરી થાણા ઈરાનના નિશાન ઉપર છે.
યુદ્ધની આ ભયાનકતા વચ્ચે આર્થિક ક્ષેત્રે
નવો મોરચો ખુલ્યો છે. ક્રૂડ અને કુદરતી ગૅસના ભાવ વધ્યા છે. આરબ દેશો સાથે સીધો વેપાર
અને પ્રવાસન કરાવતા ભારતીયો હવાઈ અને દરિયાઈ માર્ગો બંધ થતાં અટવાયા છે. ભારતની કુલ
નિકાસમાં ગુજરાતનું યોગદાન વધારે છે. 40 ટકા સામગ્રી ગુજરાતનાં બંદરોથી નિકાસ થાય છે.
પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ ગુડ્સ, ટેક્સ્ટાઈલ, સિરામિક, આભૂષણો અને ફાર્મા ક્ષેત્રને
માઠી અસર પડે તેવી ધારણા છે. જોકે, હજી એક અઠવાડિયું આપણા વેપાર ઉદ્યોગો સ્થિતિ ખમી
શકશે પરંતુ પછી સ્થિતિ ગંભીર થશે. ક્રૂડ અૉઈલના વધતા ભાવની અસર સ્વાભાવિક રીતે કેમિકલના
ઉત્પાદન ઉપર થશે. ટેક્સ્ટાઈલમાં પણ મુશ્કેલી સર્જાઈ શકે. ખાડીના દેશોમાં બુરખા, સલવાર,
કમીઝના કાપડ સુરતથી જાય છે જે દુબઈ મારફત 45 દેશમાં પહોંચે છે.