સાક્ષરતામાં અવ્વલ, રાજકીય રીતે સજાગ અને ચૂંટણી સમયની હિંસામાં પશ્ચિમ બંગાળની પંગતમાં બેસતા કેરલમમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે. અહીં સીધી ટક્કર સીપીએમના વડપણ હેઠળના એલડીએફ (લૅફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) અને કૉંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) વચ્ચે છે. આ રાજ્યમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી સત્તાની ધુરા આ બે ગઠબંધનો વચ્ચે હાથ બદલતી રહી છે, પણ છેલ્લાં બે ટર્મથી ડાબેરી પિનારાઈ વિજયન મુખ્ય પ્રધાનપદે છે. જોકે, ત્રિસૂર લોકસભા તથા તિરુવનંતપુરમ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા વિજયે એનડીએના આગમનની છડી પોકારી છે. દર પાંચ વર્ષે બદલાતા શાસકને પગલે કેરલમમાં સર્વોચ્ચ લઘુતમ વેતન, સુદૃઢ વેપારી અને મજૂર સંગઠનો, નક્કર ભૂમિ સુધારા તથા શિક્ષણ ઉપરાંત સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને હાઉસિંગ એમ બધાં જ ક્ષેત્રોમાં વિકાસનાં ફળ લોકોએ ચાખ્યાં છે. આવામાં, ચૂંટણીમાં મુખ્ય મુદ્દો અને વિવિધ પક્ષો-ગઠબંધનોને એકમેકથી અલગ પાડતી બાબત બહુ ઓછી છે. ડાબેરીઓ સામે છેલ્લો ગઢ સાચવવાનો પડકાર, દસ વર્ષની શાસન-વિરોધી લહેર વચ્ચે જીતની હેટ્ટ્રિક સર્જી ઇતિહાસ રચવાની તક છે. કૉંગ્રેસ માટે આંતરિક કલહ અને સંગઠનને લગતા પડકારોનો અંબાર છે. અહીંની વસ્તીમાં લઘુમતી કોમો મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ અનુક્રમે 26 અને 19 ટકા છે અને એલડીએફ અને યુડીએફનો વોટશૅર 2021માં પચીસ-પચીસ ટકા હતો, ભાજપે પણ પોતાની મત ટકાવારી 12થી 15 ટકા સુધી પહોંચાડી છે અને એલડીએફના મતો તોડવા સાથે યુડીએફનો ખેલ બગાડવામાં એનડીએ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
પિનારાઈ
વિજયન કેરલમની ચૂંટણીમાં એલડીએફનો ચહેરો છે અને વિકાસના વચન પર તેઓ પુનરાગમન માટે સજ્જછે. આ વખતે પણ સબરીમાલા મંદિર વિવાદ ફરી મથાળાઓમાં છે, મંદિરમાંથી થયેલી સોનાની ચોરી મુદ્દે યુડીએફએ ડાબેરીઓને ઘેર્યા છે. કેરલમનો છેલ્લા દોઢ દાયકાનો ઇતિહાસ છે કે, પંચાયત અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં સારો દેખાવ કરનાર મોરચાએ વિધાનસભા ચૂંટણીમાં પણ આ પ્રદર્શન જાળવી રાખ્યો છે. કૉંગ્રેસ અને ગઠબંધન આના કારણે ગેલમાં છે. ભાજપને હિન્દુ મતોના ધ્રુવીકરણની આશા છે, તો લઘુમતીઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે મતદાન કરી શકે છે, જેનો લાભ એલડીએફને થવાની શક્યતા છે. બન્ને મોરચાના ચૂંટણી ઢંઢેરામાં કલ્યાણકારી યોજનાઓ (મુખ્યત્વે સ્વાસ્થ્ય સંભાળ), પાકના ટેકાના ભાવમાં સુધારો, પેન્શનની રકમમાં વધારો, માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સ અને મોટી વયનાઓની સાર-સંભાળ જેવા મુદ્દાઓને અગ્રતાક્રમ અપાયો છે. કૉંગ્રેસ ભાજપને ડાબેરીઓની બી-ટીમ ગણાવી રહ્યું છે, તો એલડીએફમાં આંતરિક સંઘર્ષની સમસ્યા છે, એનડીએ મર્યાદિત જનાધાર છતાં વોટશૅરમાં ગાબડું પાડવાની સ્થિતિમાં છે, તો એલડીએફને વિજયનના નામે તરી જવાની આશા છે. આમાં કોણ નિર્ણાયક સાબિત થાય છે, એ ચોથી મેએ આવનારાં પરિણામો સ્પષ્ટ કરશે.