• મંગળવાર, 07 જુલાઈ, 2026

રાહતની અતિવૃષ્ટિ

હજી ગયા મહિના સુધી અનાવૃષ્ટિની તલવાર ઝળૂંબતી હતી અને ચોમાસું નબળું જશે અને પાણીના અભાવે લોકોએ મુંબઈમાંથી ઉચાળા ભરવા પડશે, એવા સંદેશા વૉટ્સઍપ પર ફરતા થયા હતા. જોકે, જુલાઈ મહિનો સારા સમાચાર લાવ્યો અને ત્રણ દિવસ લાગલગાટ શ્રીકાર વર્ષા થઈ અને અતિવૃષ્ટિને કારણે આફત સર્જાઈ પણ સાથે રાહત પણ થઈ છે. વીકઍન્ડથી શરૂ થયેલી ઈનિંગ્સમાં વરસાદે સોમવારે પણ જોરદાર બાટિંગ કરી, શાળા-કૉલેજોને તો તકેદારીના ભાગરૂપે બંધ રખાઈ હતી અને વરસાદનું જોર જોતાં અનેક ખાનગી કાર્યાલયો તથા વિધાનસભા બંધ રહી. રસ્તા જળબંબાકાર થયા, ઍરપોર્ટ પર પાણી ભરાતાં વિમાન સેવા પણ રવિવારે એક કલાક માટે બંધ રાખવામાં આવી અને મેટ્રો તથા બેસ્ટ સેવાએ દગો દીધો, પણ મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનો ખરા અર્થમાં જીવાદોરી સાબિત થઈ અને સોમવારે મધ્ય તથા પશ્ચિમ એમ બન્ને માર્ગ પર ટ્રેનો વિલંબ સાથે દોડતી રહી અને સાથે શહેરનું જીવન પણ ખોડંગાતા દોડતું રહ્યું-પાટા પર રહ્યું

અતિવૃષ્ટિ તથા ચોમાસા પહેલાં સફાઈ-તૈયારીનાં કામની કચાશ ઊડીને આંખે વળગી, કેટલાક અકસ્માતોમાં નાગરિકોના જીવ ગયા અને દર વર્ષની જેમ વરસાદનું પાણી નાળામાં અને સમુદ્રમાં વહી ગયું. છેલ્લાં કેટલાંય વર્ષોથી પાલિકા રેઈનવૉટર હાર્વેસ્ટિંગ પર ભાર આપી રહી છે, પણ દિશામાં નક્કર કશું થતું નથી. શહેરને પાણી પૂરું પાડતાં જળગ્રાહી ક્ષેત્રોમાં પૂરતો વરસાદ પડતો નથી અને શહેરી વિસ્તારમાં વિકાસના નામે આડેધડ થયેલાં કામ, કૉક્રિટીકરણ અને માનવીય ભૂલોને કારણે આકાશમાંથી વરસતી મહેર-કહેર બની જાય છે. વરસાદનાં પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ વાપરી શકાય માટે વ્યવસ્થા હશે, એવા નવા પ્રોજેક્ટને મંજૂરી અપાશે એવી પાલિકાની નીતિ છે, પણ માત્ર કાગળ પૂરતી સીમિત રહી છે. દિશામાં લીધેલું એક પગલું આગામી અનેક વર્ષો સુધી લાભ આપશે, સૌએ સમજવાની જરૂર છે.

સરેરાશ કરતાં ઓછા વરસાદની આગાહી, સમય કરતાં મોડું બેઠેલું ચોમાસું અને અધવચ્ચે મૉન્સૂન વસૂકી જશે એવી ભવિષ્યવાણીઓ ચિંતાનું કારણ હતી, પણ અતિવૃષ્ટિનો લાભ ખેતીને ખરીફ પાકમાં મળશે એવી આશા રાખવી રહી. ચાતક ડોળે મેઘરાજાની રાહ જોનારાઓ પર કુદરતે મહેર કરી છે, એને યોગ્ય રીતે ઝીલવાની જવાબદારી સૌની છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ