આજની પેઢીને કોઈ સમજતું નથી. તેમની વાતને કોઈ સ્વીકારતું નથી તેવા મહેણાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મુંબઈમાં ભાંગી નાખ્યા છે. `જેન-ઝી' તરીકે ઓળખાતા યુવાનો સાથે તેમણે સંવાદ તો કર્યો, સાથે જ આ યુવાનોનાં વખાણ કર્યાં. તેમની સાથે સંવાદ થવો જોઈએ તેવો સજ્જડ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની સાથે ચર્ચા ન થઈ તેથી જ આંદોલન થયું. એક તરફ `જેન-ઝી'ની આકરી ટીકા થઈ રહી છે ત્યારે સંઘના વડાના આ શબ્દો ફક્ત યુવાનો માટે જ નહીં, દેશની સમગ્ર પરિસ્થિતિ માટે, રાજકીય વાતાવરણ માટે ઘણા અગત્યના છે. રાષ્ટ્રવાદની સાથે પરંપરાગત, રૂઢિવાદી વિચારમાં માનતો સંઘ પણ યુવાનોની અવગણના કરતો નથી તેવું આ નિવેદનો ઉપરથી માની શકાય.
દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં
28 દિવસ ચાલેલા અને હજી જેની ચર્ચા તો ચાલે જ છે તેવા `જેન-ઝી' આંદોલનના પ્રત્યાઘાત
દેશમાં ઘણા પડયા. `એનડીએ' સરકારના કોઈ પ્રધાને કોઈ વિરોધને વશ થઈને રાજીનામું આપ્યું
હોય તેવી ઘટના આશ્ચર્યજનક છે, પરંતુ તે ઘટના બની. શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને
પદ ત્યાગવું પડયું. યુવાનોએ આંદોલન કર્યું તેમાંના કેટલાકે વડા પ્રધાન વિશે અભદ્ર શબ્દોનાં
ઉચ્ચારણ પણ કર્યાં. સરકાર કે ભાજપ કોઈ પ્રતિભાવ આપે તે પૂર્વે તો સોશિયલ મીડિયા ઉપર
અનેક લોકોએ આ યુવાન વિદ્યાર્થીઓને ઝાટકી નાખ્યા. `આ આંદોલન વિદ્યાર્થીઓનું હતું જ નહીં,
આ આંદોલન માટે વિદેશથી પૈસા અને પ્રોત્સાહન આવ્યાં' તેવી રજૂઆતો થઈ.
વિવિધ માધ્યમો ઉપર આ
આંદોલનની વિરુદ્ધમાં લેખશ્રેણી થઈ, વીડિયો વાયરલ થયા કે `આવું તે હોય? આ રાષ્ટ્રવિરોધી
યુવાનો છે, દિશાભાન ભૂલ્યા છે' ઈત્યાદિ વાત થઈ. જોકે, યુવાનોના `મનની વાત' સમજી ગયેલા
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વલણ તદ્દન જુદું અપનાવ્યું હતું. તેમણે સતત ત્રણ દિવસ
યુવાનો સાથે સંવાદ કર્યો. તેમના વિશે અયોગ્ય શબ્દો બોલનાર કિશોરીને ક્ષમા કરી. આંદોલન
પૂર્ણ થયા પછી આ બધી ઘટનાની ચર્ચા દેશમાં સતત ચાલી. યુવાનોને સમર્થન આપવા ગયેલા લોકોની
પણ ટીકા થઈ. જોકે, સંઘના વડીલ મોહન ભાગવતે પણ યુવાનો સાથે મુંબઈમાં ગુરુવારે સંવાદ
કર્યો. તેમને જાણ્યા.
આંદોલનમાં હિસ્સો ન લીધો
હોય તેવા યુવાનોને પણ ગમે, જેન-ઝીના આંદોલનની ટીકા કરનારાનાં મોઢે તાળાં લાગી જાય તેવી
વાત તેમણે કરી. મોહનજીએ કહ્યું કે યુવાનો સાથે સંવાદ નથી થતો એટલે જ આવાં આદોલનો થાય
છે. જેન-ઝી રાષ્ટ્રવિરોધી નથી. તે આગલી પેઢી કરતાં વધારે પ્રામાણિક છે. આંદોલન તેનો
અધિકાર છે. મોહન ભાગવતે આ વાત યુવાનોને કરી, પરંતુ આખરે તો તેમણે જવાબ આપ્યો યુવાનોના
પેલા ટીકા કરનારાઓને. અલબત્ત, વાંકદેખાઓ તો તેમના આ નિવેદનમાં પણ સ્ટ્રેટેજી કે સમયસૂચકતા
જોવે છે, પરંતુ બધું જ વક્રદૃષ્ટિએ જોવું યોગ્ય નથી. શક્ય છે કે મોહન ભાગવતના આ નિવેદન
પછી કેટલાક નારાજ યુવાનોનાં મન બદલાય પણ ખરા. આ બધાં કરતાં પણ અગત્યનું એ છે કે તેમણે
જે કહ્યું તેના ઉપર ધ્યાન આપવામાં આવે. ફક્ત આ નીટ પેપર લીક આંદોલન જ નહીં જ્યાં જ્યાં
યુવાનો કોઈ નારાજગી કે વિરોધ વ્યક્ત કરે, યુવાનો જ શું કામ? નાગરિકો નારાજ થાય અને
કંઈ કહે તો કોઈપણ રાજ્યમાં કોઈપણ પક્ષની સરકાર હોય તે નાગરિકની નારાજગી કાને ધરવી જોઈએ.