• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

દ્વિપક્ષી સંબંધોમાં નવું પર્વ

બ્રિક્સ સમિટના ભાગરૂપે નવી દિલ્હી આવી રહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 11મી સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. એમ તો ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનાપિંગ પણ બ્રિક્સ સમિટમાં આવે એવી શક્યતા છે. જોકે, બ્રિક્સમાં તેમની હાજરી કરતાં દ્વિપક્ષીય મુલાકાતો મહત્ત્વની રહેશે. ભારત-રશિયા સંબંધો માત્ર ડિસ્કાઉન્ટેડ ક્રૂડ અૉઈલ પૂરતા નથી. મૉસ્કો દાયકાઓથી નવી દિલ્હીનું મુખ્ય અને વિશ્વાસપાત્ર સંરક્ષણ ભાગીદાર રહ્યું છે. શુક્રવારે બન્ને દેશના નેતાઓની મુલાકાતના એજેન્ડામાં ભારત-રશિયા સંબંધો સાથે બદલાતાં વૈશ્વિક સમીકરણો પણ કેન્દ્રમાં હશે. પુતિન એવા સમયે ભારત આવી રહ્યા છે જ્યારે રશિયા પર પાશ્ચાત્ય દેશોના આર્થિક પ્રતિબંધો છે અને ભારત પર પણ રશિયા સાથેના વેપારના મુદ્દે દબાણ છે. આવામાં, મુલાકાતથી સંદેશ જશે કે બન્ને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હજી પણ અકબંધ છે. હાલમાં શાંઘાઈ કો-અૉપરેશન અૉર્ગેનાઈઝેશનની (એસસીઓ) બિશ્કેકમાં યોજાયેલી બેઠકમાં પણ મોદી-પુતિન-જિનાપિંગ સાથે દેખાયા હતા અને ભારત-રશિયા વચ્ચે સંરક્ષણ, ઊર્જા, વ્યાપાર તથા અન્ય ક્ષેત્રોમાં સહકારની સમીક્ષા કરવામાં આવી હતી. પહેલાં વિદેશપ્રધાન એસ. જયશંકર રશિયા ગયા હતા ત્યારે વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડૉલર સુધી લઈ જવાના લક્ષ્ય પર ચર્ચા થઈ હતી. યુક્રેનમાં શાંતિ માટેની ભારતની હાકલને પુતિનના પ્રવક્તાએ બિરદાવી હતી. ભારતનો અભિગમ શરૂઆતથી બાબતમાં સ્પષ્ટ રહ્યો છે - સંઘર્ષનું સમાધાન વાતચીત અને રાજદ્વારી માર્ગે થઈ શકે છે.

યુક્રેન સાથેનું યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત-રશિયા વચ્ચેના વેપારમાં આશરે ત્રણ ગણો વધારો થયો છે અને દેખીતી રીતે આમાં ક્રૂડતેલનું પ્રમાણ ખાસ્સું મોટું છે. અમેરિકન પ્રતિબંધોને પગલે ગયા વર્ષે આમાં ઘટાડો થયો હતો, પણ ફરી અગાઉના સ્તરે આંકડો પહોંચ્યો છે. આનું એક કારણ કે, બન્ને દેશોએ રૂપિયો-રૂબલ વિનિમય વ્યવસ્થા ગોઠવી લીધી છે અને સધ્ધર પણ કરી છે. અમેરિકાને ભય છે કે, ડૉલરનું વર્ચસ્ ઘટાડવા માટે વિશ્વમાં થઈ રહેલા પ્રયાસોમાંથી એક છે. જોકે, રશિયા અને ભારતે વારંવાર વાત સ્પષ્ટ કરી છે કે, ડૉલરના વર્ચસ્ સાથે બાબતને સંબંધ નથી. મોદી-પુતિન વચ્ચેની બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રનો સહકાર મહત્ત્વનો અને મોટો મુદ્દો હશે. ભારતને રશિયન બનાવટની પાંચમી પેઢીના ફાઈટર પ્લેન એસયુ-57ની ટેક્નૉલૉજી અને સહકાર વિશે ચર્ચા થવાની શક્યતા છે. સંયુક્ત ઉદ્યોગ પ્રોજેક્ટ્સ તથા નવા અણુઊર્જા પ્લાન્ટ બાબતે પણ વાતચીતની સંભાવના છે.     

નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં દક્ષિણ આફ્રિકાના સિરીલ રામાફોસા, ઈજિપ્તના અબ્દેલ ફતાહ અલ-સિસિ, ઈન્ડોનેશિયાના પ્રાબોવો સુબિયાન્તો તથા ઈરાનના મસૂદ પેઝેસ્કિયાન તથા ઈથિયોપિયાના અબિય અહેમદ હાજરી આપવાના છે. વડા પ્રધાને યુપીઆઇ ક્ષેત્રે ભારત અગ્રણી ભૂમિકા ભજવવા સજ્જ છે, એવો ઉલ્લેખ બ્રિક્સના સંદર્ભમાં કશુંક નક્કર થવાનાં એંધાણ સમાન છે. ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા સમિટથી વધુ વ્યાપક બનશે અને એમાં રશિયા-ચીન સાથે દ્વિપક્ષી સંબંધોમાં દૃઢતા આયોજનના મુગટની કલગી સાબિત થશે.