• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

ઉજ્જ્વળ ભાવિનો વાયદો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસની ગુજરાત મુલાકાત વાતનો સ્પષ્ટ સંકેત છે કે, જેન-ઝી આંદોલન, રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષોના આક્રમક અપપ્રચાર છતાં સરકાર પોતાની કાર્યનીતિ અને લાંબા ગાળાના કાર્યક્રમોના નિર્ધારિત અમલની દિશામાં મક્કમતાથી આગળ ધપી રહી છે. મોદીએ વડોદરામાં 35 હજાર કરોડનાં વિકાસકામોનાં ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત કર્યાં. દરમિયાન હજારો યુવાઓને સંબોધીને દેશની નીતિ, કાર્યક્રમો અને જનરેશન નેક્સ્ટના ઉજ્જ્વળ ભાવિ માટેના કાર્યક્રમોથી માહિતગાર કર્યા. ઉપરાંત વિરોધ પક્ષો પર પ્રહાર કર્યા. તેમણે રાહુલ ગાંધીનો નામોલ્લેખ કર્યા વિના `છાત્રો કી ગુંજ' અભિયાન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, ગુજરાત અને દેશનો યુવા `જૂઠ કી ગુંજ'થી ભ્રમિત નહીં થાય, બલકે સત્યના રણટંકાર પર ચાલશે. તેમણે વિરોધ પક્ષની સરખામણી લગ્ન જેવા પ્રસંગોમાં નાની-નાની વાતમાં ખામી ગોતતા વાંકદેખા ફુફાજી સાથે કરીને ચીંટિયો ભર્યો છે.

નવી દિલ્હીના જંતરમંતર પરના જેન-ઝી આંદોલન પછી વડા પ્રધાન યુવા ઉન્મુખ બન્યા છે. વડોદરા કાર્યક્રમ માટે પહેલીવાર ક્યુઆર કોડથી પ્રી-રજિસ્ટ્રેશન સિસ્ટમ રાખવામાં આવી અને હજારો યુવાઓ ઊમટી પડયા. `નમો ફૉર વિકસિત ભારત' કાર્યક્રમનાં કેન્દ્રમાં યુવાનો હતા. તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઇ) ડેટા સેન્ટર, ઇલેક્ટ્રિક ઇકો સિસ્ટમ અને સૌરઊર્જા જેવા આધુનિક વિષયો પર વિસ્તારથી વાત કરી. રેલવે માર્ગ પરિયોજના સહિતનાં કામોનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે, ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોર દેશમાં છેલ્લાં 12 વર્ષમાં બદલાયેલી કાર્યસંસ્કૃતિનું પ્રમાણ છે, તેનાથી દેશના વેપાર-ઉદ્યોગ જગતથી લઈને ખેડૂતોને પણ જબ્બર ફાયદો થશે. ભારત ચિપથી લઈને શિપ (જહાજ) સુધીનાં નિર્માણની ગાથા આલેખી રહ્યું છે, એવા તેમના વિધાનમાં આત્મનિર્ભર ભારતનો રણકો સંભળાય છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીના મેદાનમાં આયોજિત જેન-ઝી સાથેના સંવાદ કાર્યક્રમમાં મોદી વાય અક્ષર જેવા રેમ્પ પર ચાલીને યુવાનો વચ્ચે પહોંચ્યા હતા. સમયે `વી વિલ રોક યુ' અને ધુરંધરનાં ગીત `આરી... આરી' અનોખો માહોલ રચ્યો હતો.

બદલાતી દુનિયાનો હવાલો આપીને મોદીએ યુવા પેઢીને ટેક્નૉલૉજી અને ખાસ તો એઆઇમાં પારંગત બનવાની સલાહ આપી છે. તેમનું કહેવું સાચું છે કે, એઆઇ શીખવવાની જરૂરત ફક્ત આઇટી ક્ષેત્રમાં હોય એવું નથી. ખેતી, આરોગ્ય, મેન્યુફેક્ચરિંગ, એડિટિંગ, લેખન અને બધા માટે ઉપયોગી છે. વડા પ્રધાને ગુજરાત ઉપરાંત મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ખાતે આયોજિત વૈશ્વિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. જાપાનની એક રેટિંગ એજન્સીએ ભારતીય અર્થતંત્રનું સોવરેન રેટિંગ `' કક્ષામાં અપગ્રેડ કર્યું તેના ઉલ્લેખ સાથે વડા પ્રધાને કહ્યું કે, ભારતની પ્રગતિ દુનિયાને નવા વિશ્વાસનું સિંચન કરી રહી છે