કૃત્રિમ બુદ્ધિમતા-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ સભ્યતા સામે ખતરો બની રહ્યાની વ્યાપક ચિંતાએ આઇટી દિગ્ગજોને વિચારતા કરી દીધા છે. એક તરફ એઆઇની ઉપયોગિતા અને ક્ષમતા સંવર્ધનથી દુનિયા અચંબિત છે. વિદેશમાં એઆઇની મદદથી જટિલ શત્રક્રિયા સરળતાથી પાર પડયાની સક્સેસ સ્ટોરી ચર્ચાઈ રહી છે. એઆઇ આશીર્વાદ કે અભિશાપ એનાં મનોમંથન વચ્ચે બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે, એઆઇ ટેક્નિક ખોટા હાથોમાં જઈ પડશે તો કરોડો લોકોનાં મોતનું કારણ બની શકે છે. તેમનું કહેવું છે કે, માનવતાના ઇતિહાસમાં અત્યાર સુધી એઆઇ ટૂલ જેવું ઘાતક હથિયાર હજી બન્યું નથી.
બિલ ગેટ્સનો અંદેશો
સાચો હોય એવી કેટલીક ઘટના તાજેતરમાં બનતી જોવા મળી અને અમેરિકી સૈન્ય ચોંકી ઊઠયું.
સીએનએનના આ હેવાલ મુજબ ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન અમેરિકી સૈન્ય પાસે એવી એક બાતમી
પહોંચી કે ચીની જહાજ અણુ કાર્યક્રમને લગતી સામગ્રી લઈ જઈ રહ્યું છે. ભીતિ એવી હોઈ શકે
કે કદાચ ચીન છાનાંછપનાં ઈરાન કે અખાતી દેશને પરમાણુ કાર્યક્રમમાં મદદ તો નથી પહોંચાડતું
ને... અમેરિકી સેનાએ પરિસ્થિતિ હાથ ધરવા માટે તાબડતોબ કાર્યવાહી શરૂ કરી દીધી. અમેરિકી
વિમાનો આકાશમાં ચકરાવા લેવા લાગ્યાં... ને ખબર પડી કે એ માહિતી એઆઇ દ્વારા તૈયાર થયેલી
જૂઠી ખબર હતી. ચીની જહાજ સામેની કાર્યવાહી રોકી દેવામાં આવી. અમેરિકી સંરક્ષણ વિભાગ
અને સ્પેશિયલ અૉપરેશન્સ કમાન્ડ પેસિફિક તરફથી આ અંગે વિધિવત્ કોઈ ટિપ્પણી નથી થઈ, પરંતુ
જો ચીની જહાજને અમેરિકી વિમાનોએ નિશાન બનાવ્યું હોત તો?
આતંકવાદી ઇરાદા
ધરાવતાં જૂથો માટે એઆઇ હાથવગું બ્રહ્માત્ર બની શકે છે. અત્યારના જમાનામાં ટેક્નૉલૉજી
સૌથી મોટું શત્ર કે પડકાર છે. યમનના હૂતી વિદ્રોહીઓએ બેલેસ્ટિક મિસાઇલ સંચાલન, નિયંત્રણ
અને નેવિગેશન સૉફ્ટવેર બનાવવા માટે ક્લોડ એઆઇનો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. એન્થ્રોપિકે
આ વાતને સમર્થન આપ્યું હતું. બીજી તરફ, એઆઇની અગ્રણી કંપની ઓપન એઆઇએ કહ્યું હતું કે,
તેના કેટલાક એઆઇ મોડેલોએ એવાં પગલાં લીધાં જે કંપનીની મરજી વિરુદ્ધ હતા. ઓપન એઆઇ સહિત
દુનિયાની મોટી એઆઇ કંપનીઓના સંચાલકોને હવે લાગે છે કે, દુનિયાના તમામ દેશોએ મળીને એઆઇ
સામે સુરક્ષાના માપદંડ નિર્ધારિત કરવા જોઈએ. વાત સાચી છે. અનિષ્ટ પરિબળો, વિદ્રોહી
જૂથો જે રીતે એઆઇનો દુરુપયોગ કરતા થયા છે એ જોતાં આ ટેક્નૉલૉજીને નિરંકુશ રીતે કંપનીઓના
હાથમાં જ રાખી શકાય. નિયમન કે નિયંત્રણ તો હોવું જ જોઈએ. વિડંબણા એ છે કે, અમેરિકી
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એઆઇને નિયંત્રિત કરવાના વિરોધી છે અને કહે છે કે, આ ટેક્નૉલૉજીને
વિકસાવા દેવી જોઈએ. ટ્રમ્પને એવી ભીતિ છે કે, ચીન ક્યાંક યુએસથી એઆઇ મામલે આગળ નીકળી
જશે. બિલ ગેટ્સ અને બીજા ટેક દિગ્ગજો જ્યારે એઆઇ માટે ભીતિ દર્શાવતા હોય ત્યારે તેને
ગંભીરતાથી લેવી રહી. એઆઇની નિરંકુશતા કે સ્વચ્છંદી વ્યવહાર ભારત જેવા દેશ માટે ખતરનાક
છે, કેમ કે કરોડો ભારતીયોએ યુપીઆઇ-અૉનલાઇન ચૂકવણા પદ્ધતિ અપનાવી છે. કેટલાક ડિજિટલ
પ્લૅટફૉર્મ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. આમાં એકાદી નાની રમત કે એઆઇની ઉપલબ્ધિથી
મોટું નુકસાન થઈ શકે છે.