જેન-ઝી આંદોલન અને આક્રોશની આડમાં પોતાના રાજકીય રોટલા શેકવા માટેની તક અનેક રાજકીય પક્ષોને દેખાઈ રહી છે, આથી કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં શરૂ થયેલા આંદોલનમાં મહારાષ્ટ્રમાં પોતાની પ્રસ્તુતતા-પ્રાસંગિકતા ગુમાવી બેઠેલા ઠાકરેબંધુઓ (ઉદ્ધવ અને રાજ) તથા આમ ગઠબંધનમાં હોવા છતાં અનેક વખત એકમેકથી વિમુખ થયેલી મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોએ મુંબઈમાં વિરાટ ગર્જના મોરચો રવિવારે યોજ્યો. જમાવબંદી જાહેર કરાઈ હોવા છતાં આઠથી દસ હજાર લોકો આ મોરચામાં ઉમટ્યા. જોકે, આનાથી ઠાકરેબંધુઓને ખરેખર કેટલો લાભ થશે અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોનો રાજ ઠાકરે સામે વિરોધ-વાંધો તથા શિવસેના (ઉબાઠા) અને કૉંગ્રેસ વચ્ચે સહમતી અને સહકારનો વારંવાર અભાવ સામે આવતો રહે છે. રાજકીય લાભ ખાટવાનો આશય રાહુલ ગાંધીનો પણ છે અને પોતાના અસ્તિત્વ માટે લડી રહેલા મહાવિકાસ આઘાડી ગઠબંધનના ઘટક પક્ષો પણ આ કોરસમાં જોડાયા છે. મહારાષ્ટ્રમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)માં બે કરોડ નામ દૂર કરાયાં છે. મોરચાના આયોજકોએ સહભાગી થનારાઓને તિરંગો ઝંડો ફરકાવવાની સૂચના આપી હતી. મોરચો ભલે રાજકીય પક્ષના નેજા હેઠળ યોજાયો ન હોવા છતાં તેનો આશય રાજકીય લાભથી પ્રેરિત હોવાનું સ્પષ્ટ છે. શુક્રવારે કૉકરોચ જનતા પાર્ટી અને રવિવારે ઠાકરે બંધુઓના મોરચા સાથે ફડણવીસ સરકારે જે રીતે કામ લીધું અને પોલીસની હાજરી હોવા છતાં બળપ્રયોગ ન કરાયો એ બાબતનો પણ ઉલ્લેખ થવો ઘટે.
મતદારયાદીઓમાં સુધારા
થવા સમયની માગ છે તથા બે વાર નામ હોવા, મૃત્યુ પામેલી વ્યક્તિઓનાં નામ વગેરે જેવી અનિયમિતતા
દૂર કરવા સાથે એ પ્રક્રિયા અંગે જનતાના મનમાં શંકા નિર્માણ ન થાય એ જોવાનું કામ સરકાર
અને ચૂંટણી પંચનું છે, પણ ચીફ ઈલેક્શન કમિશનરની નિયુક્તિ માટેના કાયદામાં થયેલા ફેરફાર
અને એ પછી એસઆઇઆરને જોડી લઈ વિરોધી પક્ષો સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલા
નીટ પરીક્ષાના પેપર ફૂટવાના મુદ્દે અને હવે એસઆઇઆરને લઈ વડા પ્રધાનને નિશાન બનાવવાનો
કારસો છે. રાજ ઠાકરેએ મોરચામાં એસઆઇઆર રદ કરવાની અને ચૂંટણીઓ બેલેટ પેપર પર યોજવાની
માગ કરી. તો, ઉદ્ધવ ઠાકરેએ આક્રમક ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું કે, આજે પગલું ઉપાડવાની
જરૂર પડી છે, આગળ જતાં હાથ પણ ઉપાડવો પડશે. રાજ ઠાકરેએ તો ત્યાં સુધી કહ્યું કે, એસઆઇઆર
રદ નહીં કરાય તો અમે ચૂંટણીઓનો બહિષ્કાર કરશું. જોકે, તેમની આ વલણથી કૉંગ્રેસના પૃથ્વીરાજ
ચવ્હાણ સહમત નથી. આવી તો અનેક બાબતોમાં આ પક્ષો વચ્ચે એકમત નથી. આંદોલન-મોરચો યોજાઈ
ગયો અને દેશભરમાં એસઆઇઆર બાબતે વિરોધનો સૂર છે ત્યારે આની નોંધ લઈ સરકાર-ચૂંટણી પંચે
મતદારોને સંતોષ થાય એવાં પગલાં લેવાં જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું આનો ઉકેલ
નથી, પણ વિરોધ કરનારાઓ કહીં પે નિગાહેં, કહીં ઔર નિશાના ધરાવે છે. નીટ પેપર લીક વિરોધ
વખતે તો શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું, એવું આ વખતે પણ થશે
એવું માની લેવાનું કોઈ કારણ નથી.