`ચલો દિલ્હી'નો નારો લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપીને સુપ્રીમ કોર્ટના પરિસર સુધી કૂચ લઈ જવાનો કાર્યક્રમ તો આપ્યો, પરંતુ દેશના મુખ્ય ન્યાયાધીશે જે પ્રત્યુત્તર કૂચકર્મી કૉંગ્રેસીઓને આપ્યો તેના ઉપરથી એમ લાગ્યું કે કૉંગ્રેસે આ કાર્યક્રમ જાહેર કરવામાં થોડી ઉતાવળ કરી નાખી. જોકે, કૉંગ્રેસની સોમવારની કૂચનું જે સ્વરૂપ હતું તેવું નજીકના ભૂતકાળમાં કોઈપણ પક્ષના રાજકીય કાર્યક્રમમાં જોવા મળ્યું નથી. ચીફ જસ્ટિસને આવેદનપત્ર આપવાનું ન હોય તે મુદ્દે રાહુલ ગાંધીની ટીકા થઈ રહી છે, પરંતુ કોર્ટને આપવાની અરજી તો કૉંગ્રેસ અને અન્ય પક્ષોએ પહોંચાડી જ દીધી હતી. સર્વોચ્ચ અદાલત સુધી વિશાળ મોરચો લઈને તેઓ ગયા તેની પાછળનો ઉદેશ રાજકીય શક્તિ પ્રદર્શનનો જ હોય શકે.
સોમવારે કોર્ટમાં સીજેઆઇને મળવા ગયેલા કૉંગ્રેસીઓને ચીફ
જસ્ટિસે સમય જ ફાળવ્યો નહીં. અહીં ન્યાયના અધિકારનો ઇનકાર મુખ્ય ન્યાયાધીશે નથી કર્યો, પરંતુ આ પદ્ધતિની યોગ્યતા અંગે પ્રતિભાવ આપ્યો છે. શનિવારે
`જંતર-મંતર' ખાતે વિરાટ પ્રદર્શન થયા બાદ રાહુલ ગાંધી અને અન્ય કૉંગ્રેસી
નેતાઓએ સર્વોચ્ચ અદાલત સુધી કૂચ લઈ જઈને ચીફ જસ્ટિસ સૂર્યકાન્તને મળવાનું આહ્વાન કાર્યકર્તાઓને-લોકોને
આપ્યું હતું. ચીફ જસ્ટિસે તેમને સમય ન ફાળવ્યો તેની પાછળ કોઈ તર્ક નહીં, પરંતુ સ્પષ્ટ કાનૂની કારણ અને જોગવાઈ છે. પ્રથમ તો એ કે
જજ એ ફરિયાદ સાંભળનારી વ્યવસ્થા નથી, થયેલી ફરિયાદો- અરજીઓ કે નોંધાયેલા ગુના સંદર્ભે કાનૂનના
પરિઘમાં રહીને ન્યાય તોળનાર પરંપરા છે. કોર્ટે આવેદનપત્ર સ્વીકારવાની ના પાડી હતી, પરંતુ વિપક્ષી સંગઠને એસઆઇઆર - ચૂંટણી કમિશનર સંદર્ભની
કાનૂની અરજી તો આપી જ દીધી હતી.
ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું `ચૂંટણી કમિશનર અંગે તેમની પાસે અગાઉથી જ અરજીઓ પડી છે
જે વિચારાધીન છે.' કાયદાની પરિભાષામાં તે સબ-જ્યુડિશ મેટર
છે અને તેથી તેના માટેની કોઈ સંગઠન-પક્ષની અરજી તેઓ લઈ શકે નહીં. સામાન્ય સ્તરે પણ
સબ-જ્યુડિશ મેટર હોય તેના માટે ક્યારેય આવેદન ન હોય. વહીવટી તંત્ર સરકારનો વિષય છે, તેની રોજિંદી બાબતોમાં કોર્ટ આવેદનપત્ર સ્વીકારે નહીં.
સરકાર સામે, સરકારની નીતિ સામે, તેના અમલ સામે વાંધો હોય તો નાગરિકથી લઈને નેતા સુધી કોઈપણ
વ્યક્તિ કોઈ અદાલતમાં જઈ શકે. ક્યારેય સર્વોચ્ચ અદાલત કે જિલ્લા ન્યાયાલયમાં રાજકીય
નેતા આવેદનપત્ર આપવા ગયા હોય તેવું ક્યારેય બન્યું છે? આવો સવાલ ઊઠી રહ્યો છે, પરંતુ કૉંગ્રેસની પ્રેસ કૉન્ફરન્સ બાદ એ સ્પષ્ટ થયું હતું
કે, કાનૂની પ્રક્રિયા થઈ ગઈ તે પછી આ કૂચ
થઈ હતી. કૉંગ્રેસની સ્થિતિ દેશમાં નબળી હોવા છતાં રાહુલ ગાંધી - પ્રિયંકા ગાંધી અત્યારે
એસઆઇઆર અને ચૂંટણી કમિશનર મુદ્દે આક્રમક દેખાઈ રહ્યાં છે. જેન-ઝીનો પણ તેમને સાથ છે, તેમણે આ આંદોલનને પરિણામ સુધી લઈ જવા હશે તો કોઈપણ કાર્યક્રમ
આપતાં પહેલાં, કોઈ નિર્ણય લેતાં પહેલાં તેના પ્રતિભાવ-
પ્રત્યાઘાત શું આવી શકે તે વિચારવું પડશે.