• શનિવાર, 27 એપ્રિલ, 2024

દિલ્હી ધડાકાના આરોપીને છોડાવવા કેજરીવાલે મોટો સોદો કર્યો?  

ખાલિસ્તાની પન્નુએ કહ્યું, કેજરીવાલને 134 કરોડ આપ્યા

નવી દિલ્હી, તા. 27 : આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ દાવો કર્યો છે કે, ખાલિસ્તાન સમર્થકોએ 2014માં દિલ્હીના મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલને 134 કરોડ રૂપિયા આપીને આર્થિક મદદ કરી હતી. પન્નુના જણાવ્યા અનુસાર કેજરીવાલે 2014માં ન્યૂયોર્કના ગુરુદ્વારા રિચમંડ હિલ્સમાં તેમની સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં આપ નેતાએ 1993ના દિલ્હી બોમ્બ બ્લાસ્ટના દોષી દેવિન્દર પાલ સિંહ ભુલ્લરને આર્થિક મદદના બદલામાં જેલમાંથી મુક્ત કરવાનું વચન આપ્યું હતું.

પન્નુએ વીડિયો જાહેર કરી કેજરીવાલ પર પોતાના વચન પરથી ફરી જવાનો આરોપ લગાવ્યો. જો કે, આમ આદમી પાર્ટી (આપ) તરફથી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પક્ષના સૂત્રોએ પન્નુના દાવાઓને રદિયો આપ્યો છે અને તેને વાહિયાત ગણાવ્યા છે.

પન્નુએ સોમવારે (25 માર્ચે) વીડિયો જાહેર કર્યો હતો, તેમાં તેણે કેજરીવાલ પર વિશ્વાસ તોડવાનો પણ આરોપ લગાવ્યો હતો, તેમણે એમ પણ કહ્યું કે, આપ સરકારે ઘણા ખાલિસ્તાનીઓને ગેંગસ્ટર કહીને મારી નાખ્યા.પન્નુએ વીડિયોમાં ચેતવણી આપી છે કે, એકવાર કેજરીવાલને જેલમાં મોકલવામાં આવશે, તો જેલમાં ખાલિસ્તાની સમર્થક કેદીઓ તેમની પૂછપરછ કરશે. સિવાય તેણે કેજરીવાલ પર જેલમાં હુમલો કરવાની ધમકી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકી બાદ કેજરીવાલના તિહાર જેલમાં જવા અંગે સુરક્ષા એજન્સીઓ તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે.