• શનિવાર, 27 એપ્રિલ, 2024

રૂા. 135 કરોડ ગયા, હવે 524 કરોડ કેમ ચૂકવાશે?  

આવકવેરા ઉપર કરેલી ભૂલથી કૉંગ્રેસ ફસાઈ

નવી દિલ્હી, તા. 27 : આવકવેરા વિભાગે લોકસભા ચૂંટણીનાં માત્ર ત્રણ અઠવાડિયા પહેલાં કોંગ્રેસ પાર્ટી પાસેથી 523.87 કરોડ રૂપિયાનો ટેક્સ માગી લીધો છે. આવકવેરા વિભાગે 2014થી 2021 વચ્ચે કુલ 523.87 કરોડ રૂપિયાની બિનહિસાબી લેવડદેવડનો આરોપ મૂક્યો છે. જેનાથી પક્ષની મુશ્કેલીમાં વધારો થયો છે. આવકવેરા વિભાગે થોડા સમય પહેલા પક્ષના બેન્ક ખાતામાંથી 135 કરોડ રૂપિયા જમા કરી લીધા હતા. ત્યારબાદ મોટી રકમની માગ કરવામાં આવી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગના દરોડા દરમિયાન કોંગ્રેસના ખાતામાં બિનહિસાબી લેવડદેવડની જાણકારી મળી હતી.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તન્ખાનાં કહેવા પ્રમાણે 523.87 કરોડ રૂપિયાની મોટી રકમથી પક્ષની આર્થિક સ્થિતિ વધારે ખરાબ થશે. તન્ખાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે સામાન્ય ચૂંટણીની જાહેરાતની પૂર્વ સંધ્યાએ 135 કરોડ રૂપિયા જપ્ત કરીને કોંગ્રેસને કમજોર બનાવવાથી સંતોષ મળતા વધુ મોટો ઝટકો દેવાની તૈયારી છે. જેથી પક્ષ વધુ કમજોર બને. જો કે હવે કોંગ્રેસ પાસે બચ્યું શું છે? કોંગ્રેસે 135 કરોડ રૂપિયા જપ્ત થવાથી બચાવવા આઇટીએટી સમક્ષ અપીલ કરી હતી. જો કે ટ્રાઇબ્યુનલે આવકવેરા વિભાગની કાર્યવાહીને યોગ્ય માની હતી અને કોંગ્રેસને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. બાદમાં દિલ્હી હાઇ કોર્ટે પણ 22 માર્ચના આદેશમાં કોંગ્રેસને ઝટકો આપતા આવકવેરા વિભાગના તલાશી અભિયાન સામે દાખલ અરજીને ખારિજ કરી દીધી હતી. 

આવકવેરા વિભાગે 7 એપ્રિલ, 2019ના રોજ 52 સ્થળે દરોડા પાડયા હતા જ્યારે ચૂંટણી પંચે પણ ટેક્સ છેતરપિંડી મામલે સીબીઆઇ તપાસનો નિર્દેશ આપ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટે દરોડા દરમિયાન એકત્રિત કરવામાં આવેલા પુરાવા ઉપર સંજ્ઞાન લીધું હતું.  જેમાં સામે આવ્યું હતું કે એમઇઆઇએલ સમૂહે કોંગ્રેસને દાન આપ્યું હતું.