• શનિવાર, 27 એપ્રિલ, 2024

જેલમાંથી સરકાર ન ચલાવી શકે કેજરીવાલ  

ભાજપ, ઈડી બાદ દિલ્હીના ઉપરાજ્યપાલે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી, તા. 27 : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ઈડીના રિમાન્ડ હેઠળ છે અને જેલમાંથી સરકાર ચલાવી રહયાનો વિવાદ વકર્યો છે. જેલમાંથી તેમણે બે આદેશ જારી કર્યા હતા જેની સામે ભાજપ અને ઈડીએ વાંધો ઉઠાવ્યા બાદ હવે દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સકસેનાએ વાંધો ઉઠાવતાં સ્પષ્ટ કહ્યંy છે કે કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે.

દિલ્હીના કથિત દારૂનીતિ કૌભાંડમાં ધરપકડ બાદ મુખ્ય પ્રધાન કેજરીવાલે રાજીનામું આપવાનો ઈનકાર કરીને એલાન કર્યુ હતુ કે તેઓ જેલમાંથી સરકાર ચલાવશે. એક કાર્યક્રમ દરમિયાન એલજી સકસેનાએ કહ્યું કે હું દિલ્હીના લોકોને ભરોસો આપી શકુ કે જેલમાંથી સરકાર નહીં ચાલે. આમ આદમી પાર્ટીએ ઉપરાજપાલની આવી વાત સામે હજૂ પ્રતિક્રિયા આપી નથી પરંતુ મામલે ફરી એકવાર કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ટકરાવની સ્થિતી સર્જાય તેવી સંભાવના છે. 

ઉલ્લેખનીય છે કે જેલમાંથી સરકાર ચલાવવા માટે ઉપરાજયપાલની મંજૂરી જરૂર હોવાનું જાણકારો માને છે. કારણ કે જેલમાંથી સરકાર ચલાવવામાં વ્યવહારિક મુશ્કેલીઓ છે. ઉપરાંત એલજી ઈચ્છે તો કોઈ ઈમારતને જેલ જાહેર કરવામાં આવી શકે છે અને ત્યાં કેજરીવાલને રાખવામા આવી શકે અને ત્યાંથી કામકાજ સંભાળી શકે પરંતુ ઉપરાજ્યપાલ સકસેનાએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ આવું કરવાના નથી. પહેલા ઈડીએ કહ્યું હતું કે કસ્ટડીમાં કેજરીવાલને કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાની મંજૂરી નથી.