• શનિવાર, 27 એપ્રિલ, 2024

અમેરિકા : પુલ દુર્ઘટનામાં છ વ્યક્તિ મૃત જાહેર  

ભારતીય ક્રૂ મેમ્બર્સ `હીરો': મેરીલૅન્ડના ગવર્નરે કહ્યું, ભારતીય ક્રૂએ સમયસર માહિતી આપી

બાલ્ટીમોર, તા. 27 : અમેરિકાના મેરીલેન્ડમાં જહાજ અથડાયા બાદ બાલ્ટીમોરનો ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ અમેરિકન સમય મુજબ સોમવારે મોડી રાત્રે તૂટી પડયો હતો. કોસ્ટગાર્ડ ઓફિસર એડમિરલ શેનન ગિલરેથે મંગળવારે સાંજે જણાવ્યું હતું કે, એક કલાક સુધી ચાલેલાં સર્ચ ઓપરેશન બાદ ગુમ થયેલા લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. 

એડમિરલે કહ્યું, અમે પટાપ્સકો નદીમાં ઘણા કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું. પાણીના તાપમાન અને અન્ય પરિબળોના આધારે અમે માનીએ છીએ કે, નદીમાં પડી ગયેલા લોકો માટે જીવિત રહેવું અત્યંત મુશ્કેલ છે. આને ધ્યાનમાં રાખીને, અમે સક્રિય સર્ચ ઓપરેશન બંધ કરી રહ્યા છીએ. જો કે, કોસ્ટગાર્ડ અને અન્ય અધિકારીઓ હજુ પણ અહીં હાજર રહેશે. 

ડાલી જહાજ પર હાજર 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા, જે તમામ સુરક્ષિત છે. સીએનએન ન્યૂઝ અનુસાર, મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે કહ્યું કે, જહાજના ક્રૂએ સમયસર ખતરાની જાણ કરી હતી. જેના કારણે બ્રિજ પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો અને અનેક લોકોના જીવ બચી ગયા હતા.  મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે, આઠ નોટ (નવ માઇલ પ્રતિ કલાક)ની ઝડપે આગળ વધી રહેલું જહાજ થોડી ક્ષણો પહેલાં પુલના થાંભલા સાથે અથડાયું હતું. મેડે (ઇમર્જન્સી) કોલ જાહેર કર્યો હતો.  

ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, સિંગાપોરના ધ્વજવાળા ડાલી જહાજ પર વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. પછી તે પુલ સાથે અથડાયું હતું. દરમ્યાન બ્રિજ પર હાજર આઠ બાંધકામ કામદાર પાણીમાં પડી ગયા હતા. તેઓ પુલ પર રિપારિંગ કામ કરી રહ્યા હતા. જેમાંથી બેને બચાવી લેવાયા હતા, જ્યારે લાપતા હતા. 

ગવર્નર મૂરે કહ્યું, પુલ તૂટયો તે પહેલાં સારી સ્થિતિમાં હતો. પુલ તૂટી પડવો મેરીલેન્ડના લોકો માટે આઘાતજનક ઘટના હતી. અહીંના લોકો છેલ્લાં 47 વર્ષથી તેનો ઉપયોગ કરી રહ્યા હતા, જ્યારે પુલ પાણીમાં પડયો ત્યારે તેના પર 5 જેટલાં વાહન પણ હાજર હતાં. આમાંથી એક ટ્રેક્ટર-ટ્રેલર પણ હતું.

સમયસર એલર્ટથી જીવ બચ્યા : બાયડન

અમેરિકાના મૈરીલેન્ડ રાજ્યમાં બાલ્ટીમોર પુલ દુર્ઘટનામાં માલવાહક જહાજના ભારતીય ક્રૂ મેમ્બર હીરો તરીકે ઉભર્યા છે. પ્રમુખ જો બાઇડેને સમયસર દુર્ઘટનાની જાણ કરવા બદલ ભારતીયોને વખાણ્યા અને કહ્યું કે તેથી વધુ જાનહાની રોકવામાં મદદ મળી છે.

બાલ્ટીમોરમાં સોમવારે રાત્રે પાવર ફેલ્યોરથી સંચાલન ગુમાવતાં એક વિશાળ માલવાહક જહાજ પુલ સાથે ટકરાઈ જતાં ઐતિહાસિક પુલ નદીમાં તૂટી પડયો હતો. દુર્ઘટનામાં 6 લોકોનાં મૃત્યુ થયાં છે. જહાજ પર રર ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. જેમની સૂઝબૂઝથી અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા. બાઇડેને વ્હાઇટ હાઉસ ખાતે દુર્ઘટના મામલે કહ્યં કે જહાજ પર સવાર કર્મચારીઓએ પહેલેથી મૈરીલેન્ડ પરિવહન વિભાગને એલર્ટ મોકલી દીધું હતું. જેથી સ્થાનિક તંત્રએ પુલ પર ટ્રાફિક રોકી દીધો હતો. જેથી અનેક લોકોના જીવ બચી ગયા છે.