• મંગળવાર, 06 જૂન, 2023

અૉસ્ટ્રેલિયા `મોદી મોદી' છવાયા  

ભારત વિશ્વના વિકાસનું એન્જિન : વડા પ્રધાન

સિડનીના અૉલિમ્પિક મેદાનમાં ભવ્ય સ્વાગત : આલ્બનીઝ ગદ્ગદ્

સિડની, તા. 23: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં મંગળવારે તેમણે પોતાના સમકક્ષ એન્થની એલ્બનિઝ સાથે સિડનીના ઓલિમ્પિક પાર્ક ખાતે ભારતીય મૂળના 20 હજારની જનમેદનીને સંબોધી બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં `સીડીઈ'નું મહત્ત્વ સમજાવ્યું હતું. દરમિયાન વિશાળ જનમેદનીમાં મોદીનો જાદૂ છવાયો હતો અને નારેબાજી થઈ હતી. વડાપ્રધાન મોદીએ એલાન કર્યું કે ટૂંક સમયમાં બ્રિસબેનમાં ભારતનું એક નવું વાણિજ્યક દૂતાવાસ શરૂ કરવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે ભારત વિશ્વના વિકાસનું એન્જિન છે અને આગામી પચીસ વર્ષમાં વિકસિત દેશ બની જશે.

વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યં કે, સિડનીમાં સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને જોડીને ખૂબ ખુશી થઈ. ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધ પરસ્પર વિશ્વાસ અને સમ્માન પર આધારિત છે. હું જ્યારે 2014માં અહીં આવ્યો હતો ત્યારે તમોને એક વચન આપ્યું હતું કે તમારી ફરી ભારતના કોઈ વડાપ્રધાનની 28 વર્ષ સુધી રાહ જોવી નહીં પડે, આજે સિડનીમાં આ એરીનામાં હું ફરી હાજર છું અને એકલો નથી આવ્યો, મારી સાથે વડાપ્રધાન અલ્બનીઝ પણ સાથે આવ્યા છે.

મોદીએ વધુમાં કહ્યં કે એક સમય હતો જ્યારે કહેવાતું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા સંબંધો 3 સી (કોમનવેલ્થ, ક્રિકેટ, કરી) પર આધારિત છે. ત્યાર બાદ કહેવામાં આવ્યું કે ભારત ઓસ્ટ્રેલિયાના સંબંધ 3 ડી (ડેમોક્રેસી, ડાયસપોરા, દોસ્તી) પર આધારિત છે. કેટલાક લોકોએ એવું પણ કહ્યં કે ભારત ઓસ્ટ્રેલિયા સંબંધ 3 ઈ (એનર્જી, ઇકોનોમી, એજ્યુકેશન) પર આધારિત છે. અલગ અલગ કાળમાં આ વાત સંભવત: સાચી પણ રહી પરંતુ ભારત ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સંબંધોનો વિસ્તાર તેનાથી ઘણો મોટો છે.  આ સંબંધોનો આધાર પરસ્પર વિશ્વાસ અને સમ્માન છે. આપણાં ક્રિકેટના સંબંધોને 75 વર્ષ પૂરાં થયાં છે. ક્રિકેટના મેદાનમાં મુકાબલો જેટલો રોચક રહે છે એટલી જ ગાઢ આપણી ઓફ ધ ફિલ્ડ દોસ્તી છે. 

નરેન્દ્ર મોદી `બૉસ' 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને `બોસ' કહ્યા હતા. ભારતીય સમુદાયની વિશાળ જનમેદનીને સંબોધનમાં તેમણે કહ્યં કે મોદી બોસ છે. તેમનું સ્વાગત કરવું સૌભાગ્યની વાત છે. વડાપ્રધાન તરીકે આ મારું પહેલું વર્ષ છે. હું મારા મિત્ર વડાપ્રધાનને 6 વખત મળી ચૂક્યો છું પરંતુ આ રીતે તેમની સાથે મંચ ઉપર ઉભા રહેવાથી વધુ સારું કંઈ નથી. છેલ્લીવાર મેં અહીં બ્રૂસ સ્પ્રિંગસ્ટિનને જોયા હતા પરંતુ તેમને આવું સ્વાગત મળ્યું ન હતું, જે વડાપ્રધાન મોદીને મળ્યું છે. એલ્બનીઝે પોતાની પૂર્વ ભારત યાત્રા અને ગુજરાતમાં હોળીનો પર્વ મનાવ્યાનો ઉલ્લેખ કર્યો હતો.