• ગુરુવાર, 09 મે, 2024

આવતાં બે-ત્રણ વર્ષમાં અદાણી ગ્રુપનો કાચો નફો રૂા. 90,000 કરોડ થવાની અપેક્ષા

મુંબઈ, તા. 29 : અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ ગ્રુપના `ઐતિહાસિક' નાણાકીય પરિણામોની સરાહના કરતાં જણાવ્યું હતું કે, જેઓ અમારી કંપનીઓમાં મંદી કરવા માગતા હતા તેમને જવાબ મળી ગયો છે. અદાણીએ શનિવારે તેમના જન્મદિવસની પૂર્વસંધ્યાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, નકારાત્મક અહેવાલો છતાં વર્ષ 2023ના ગ્રુપનાં નાણાકીય પરિણામો અત્યાર સુધીનાં શ્રેષ્ઠ છે. રવિવારે તેઓ 61મા વર્ષમાં પ્રવેશ્યા છે. 

જાન્યુઆરીના અંતમાં અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગ રિસર્ચના ગ્રુપ વિશેના અહેવાલને કારણે આ ગ્રુપ કેન્દ્રમાં રહ્યું હતું. અદાણીએ કહ્યું કે, કંપનીની બૅલેન્સશીટ ક્યારેય આનાથી વધુ તંદુરસ્ત રહી નથી, અસ્ક્યામતો ક્યારેય આનાથી વધુ મજબૂત રહી નથી અને રોકડ પ્રવાહ ક્યારેય આનાથી વધુ મજબૂત રહ્યો નથી. અૉસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અન્ય ઘણા દેશોમાં કંપનીની સફળતાએ અમારા આંતરરાષ્ટ્રીય વિસ્તરણને વાજબી ઠરાવ્યું છે. જે ગતિએ કંપનીએ કંપનીઓ ખરીદી અને તેને નફાકારક બનાવી છે તે રાષ્ટ્રીય સ્તરે અજોડ છે. હમણાં જ પૂરા થયેલા નાણાવર્ષ 2023 માટે કંપનીએ આવક, ઈબીટીડા અને રોકડ પ્રવાહના સંદર્ભમાં ઐતિહાસિક વિક્રમ બનાવ્યા છે. આ પરિણામો મંદીવાળાઓ માટે સાચું ખંડન છે.  

તેમણે વધુમાં જણાવ્યું કે, ગયા વર્ષે કૉર્પોરેટ સામાજિક જવાબદારી પ્રવૃત્તિઓ માટે રૂા. 60,000 કરોડનું ભંડોળ સ્થાપનાર ગ્રુપ ટેક્નૉલૉજી આધારિત હેલ્થકૅર માળખું શરૂ કરવા તૈયાર છે. અદાણીએ ઉમેર્યું કે, આ માળખાનો હેતુ તમામ તબીબી પ્રક્રિયાઓમાં અત્યાધુનિક ટેક્નૉલૉજીને આગળ ધપાવવા, આરોગ્યસંભાળ વ્યાવસાયિકોના સંપર્કમાં વધારો કરવા માટે ઊંડાં સંશોધન અને ડેટા-આધારિત ક્ષમતાઓનું નિર્માણ કરવાનો છે. 

કંપની પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ 2-3 વર્ષમાં રૂા. 90 હજાર કરોડના ઈબીટીડા (વ્યાજ, વેરા, ઘસારા અને ઋણમુક્તિ પહેલાંની આવક) સુધી પહોંચવા માટે વેરા પૂર્વેના નફામાં વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે.  

આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના શોર્ટ-સેલરના નિંદાત્મક અહેવાલ પછી રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવાના પ્રયાસમાં એકંદર દેવામાં ઘટાડો કરવા માટે આગોતરી ચુકવણીના કાર્યક્રમને પૂર્ણ કરવા માટે ગ્રુપે 2.65 અબજ ડૉલરની કુલ લોન ચૂકવી હતી.  

પોર્ટ્સથી-ઊર્જા ક્ષેત્રમાં સંકળાયેલ સમૂહ હવે ઍરપોર્ટ, સિમેન્ટ, રિન્યુએબલ, સોલાર પેનલ્સ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ અને પાવર અને ટ્રાન્સમિશન જેવાં ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ તરફ ધ્યાન આપી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ