• ગુરુવાર, 09 મે, 2024

ડૉલર સુધરતાં સોનામાં તેજી અટકી 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 1 : ડોલરના મૂલ્યમાં સુધારો થવાને લીધે સોનાનો ભાવ સ્હેજ ઘટ્યો હતો. અમેરિકામાં અર્થતંત્ર ધીરે ધીરે ઠંડું પડી રહ્યું હોય એવા સંકેતો મળી રહ્યા છે. જોકે વ્યાજદરો વધવાનું ક્યારે અટકશે તે અનિશ્ચિત જણાતા સોનામાં સલામત રોકાણની માગ ફરીથી ઘટી છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 1955 ડોલર અને ચાંદીનો ભાવ 24.44 ડોલર રનીંગ હતો. 

કરન્સી બજારમાં ડોલર ઇન્ડેક્સ ત્રણ સપ્તાહની ઉંચી સપાટીએ હતો. એક્ટિવ ટ્રેડસના વિષ્લેષકે કહ્યું કે, અમેરિકામાં હવે તેજીમાં રહેલું અર્થતંત્ર સોફ્ટ લેન્ડિગ કરે એવી શક્યતા છે. બીજી તરફ ચીન દ્વારા ઉદ્દીપક પેકેજની તૈયારી થઇ રહી હોવાના સંકેત છે. આમ સોનું કઇ દિશામાં જશે તે અનિશ્ચિત થઇ રહ્યું છે. 

સોનાનો ભાવ ચાર્ટ પ્રમાણે 1950 ડોલરની આસપાસ તંગ રેન્જમાં અથડાઇ રહ્યો છે. 1925-1975 મહત્વની સપાટી રહેશે. અમેરિકાની બેંકોએ એવું નોંધ્યું છેકે હવે ક્રેડિટના ધોરણો સખ્ત બનાવાયા છે અને લોનની માગ પણ ઘટી છે. એ કારણે ફુગાવો અને આર્થિક વિકાસ ધીમો પડશે એમ માનવામાં આવે છે. 

ચીનના સ્ટેટ કાઉન્સિલે સોમવારે ઓટોમોબાઇલના વપરાશ, રિયલ એસ્ટેટ અને સેવા ક્ષેત્રના માટે ખાસ પગલાં લીધાં છે. એમ થતા માગમાં સુધારો આવશે અને અર્થતંત્રને ઉદ્દીપક જેવું બળ આપશે એમ માનવામાં આવે છે.  

વિષ્લેષકો કહે છેકે, સોનું જૂલાઇ મહિનામાં ચાર મહિનામાં સૌથી વધારે સુધર્યું છે અને મધ્યસ્થ બેંકો પણ હવે વ્યાજદરોમાં વધારો ટાળવાની તૈયારીમાં છે એટલે સોનાનો ભાવ હાલના મથાળેથી ઘટવો મુશ્કેલ દેખાય છે.  

દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.50ના મામૂલી સુધારામાં રૂ. 60870 અને ચાંદીનો ભાવ રૂ. 800 વધીને રૂ. 73800 હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ