• શનિવાર, 27 એપ્રિલ, 2024

અંકિતા લોખંડે-વિકી જૈનને મ્યુઝિક વીડિયોમાં મળ્યું કામ

ટીવીજગતના વિવાદિત રિયાલિટી શો બિગબૉસની 17મી સિઝનમાં લાઈમલાઈટમાં આવેલી અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન છાશવારે ચર્ચામાં રહેતા હોય છે. ટીવીની દુનિયામાં લોકપ્રિય થયેલી અંકિતાને બિગબૉસ બાદ ઘણા પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે ત્યારે તેના બિઝનેસમૅન પતિને પણ કામ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. કહેવાઈ રહ્યું છે કે ભૂષણ કુમારની ટી-સિરીઝ હેઠળ નિર્માણ થનારા મ્યુઝિક વીડિયોમાં અંકિતા લોખંડે અને વિકી જૈનની પસંદગી કરવામાં આવી છે. 

અંકિતા પહેલી વાર તેના પતિ સાથે ક્રીન શેર કરતી નજરે ચડશે. લા પીલા દે શરાબ મ્યુઝિક વીડિયોમાં ગાયક તરીકે વિશાલ મિશ્રા, કમ્પોઝર તરીકે મનન ભારદ્વાજ અને દિગ્દર્શક તરીકે મિહિર ગુલાટીની પસંદગી કરાઈ છે. વિકી વીડિયો સાથે મનોરંજન જગતમાં પદાર્પણ કરશે. અંકિતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે સ્વાતંત્ર્ય વીર સાવરકર ફિલ્મમાં યમુનાબાઈનું પાત્ર ભજવ્યું હતું.