• મંગળવાર, 06 જૂન, 2023

...તે બે વર્ષ પહેલાં જ આઘાડી સરકાર પડી ભાંગી હોત : અનિલ દેશમુખ  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે ચાર મહિના બાદ ફરીથી ચોંકાવનારો દાવો કર્યો હોવાથી રાજકારણ ગરમાયું છે. 100 કરોડની વસૂલીના વિવાદમાં ફસાયેલા એનસીપી નેતા અનિલ દેશમુખે જણાવ્યું હતું કે, ભાજપે મને એનસીપી છોડીને મહાવિકાસ આઘાડી સરકાર પાડવાની અૉફર આપી હતી. જો હું આ અૉફર સ્વીકારી લેત તો બે વર્ષ પહેલાં જ મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયું હોત. ભાજપની અૉફરનો મેં સ્વીકાર કર્યો ન હોવાથી મને કેન્દ્રીય એજન્સીની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં દેશમુખે રાજ્ય સરકાર પર કેન્દ્રીય એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. શિવસેનાના મુખપત્ર ગણાતા `સામના'ના તંત્રીલેખમાં બુધવારે જયંત પાટીલ વિશે જણાવાયું હતું કે પાટીલે ભાજપની અૉફર સ્વીકાર કરી હોત અને તેઓ એનસીપી છોડવા તૈયાર થઈ જાત તો તેમના વિરુદ્ધની ઈડીની કાર્યવાહીથી બચી ગયા હોત.

શિવસેના (યુટીબી)ના નેતા અને સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, અનિલ દેશમુખ પાસે ભાજપની અૉફરના પુરાવા છે. જોકે, ભાજપ અને સીએમ શિંદેની શિવસેનાએ આ બંને દાવાઓનું ખંડન કર્યું છે. ભાજપ પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે રાઉતના દાવા અંગે આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રોટી કિસી ઔર કી ઔર ચાકરી કિસી ઔર કી આ સંજય રાઉતની ફૉર્મ્યુલા છે. સંજય રાઉતે સામનાને ખોટી ખબર છાપવાની ફૅક્ટરી બનાવી નાખી છે. 

શિંદે જૂથના પ્રવક્તા શંભુરાજ દેસાઈએ પણ રાઉતની ટીકા કરતાં જણાવ્યું હતું કે, તેઓ ઠાકરે જૂથની શિવસેના કરતાં એનસીપી અને અન્ય લોકો વિશે વધુ નિવેદનો આપી રહ્યાં છે. અનિલ દેશમુખને બે વર્ષ પહેલાં અૉફર મળી તો તેમણે ત્યારે જાહેરમાં આ વાત કેમ કરી નહીં? તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે આ ખુલાસો શા માટે નહીં કર્યો? હવે આ બધા દાવાઓનો અર્થ શું છે? આ દાવાઓનો આધાર શું છે?