• શુક્રવાર, 15 મે, 2026

જાગૃતિ જરૂરી પરંતુ અમલ કેટલો શક્ય?

દેશમાં અચાનક ઈંધણ બચાવો ક્રાંતિનો આરંભ થયો છે. રવિવારે વડા પ્રધાને તેલંગણાથી દેશની પ્રજાને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નિયંત્રિત કરવાનો અનુરોધ કર્યો. આવી સકારાત્મક અપીલ છતાં લોકો ચિંતામાં મુકાઈ ગયા. દેશની જનતા એવું સમજી ગઈ છે કે ઈંધણના ભાવ તો વધશે, હવે ક્યારે અને કેટલા તે જ જોવાનું છે. હજી તો આ બધી ચર્ચા થાય, એક વર્ષ સુધી સોનું ખરીદવું નહીં તેવો પણ અનુરોધ ઉચ્ચ સ્તરેથી થાય તેની વચ્ચે વડા પ્રધાને સ્વયં પોતાનો કાફલો ટૂંકાવ્યો. ગુજરાત સહિતનાં રાજ્યોએ તેનો અમલ કર્યો. આપણા દેશમાં જે સૌથી વધારે પ્રતિકૂળ અને પડકારજનક છે તેવી `વર્ક ફ્રોમ હોમ'ની પદ્ધતિનો પણ અમલ શરૂ થયો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ બુધવારે રાજુલાના કાર્યક્રમમાં ફક્ત બે મોટરકાર લઈને પહોંચ્યા હતા. તેમણે પોતાનો કોન્વેયમાં ઘટાડો કર્યો. રાજ્યપાલ દેવવ્રતજીએ પણ મુસાફરી ટ્રેનમાં કરી, કહે છે કે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ વિદેશપ્રવાસ રદ કર્યો છે. ગુજરાત સરકાર કર્મચારીઓ ઘરેથી કામ કરે તેવી વ્યવસ્થા અપનાવવા તરફ જઈ રહી છે. આ બધું અચાનક થઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે જનતાના મનમાં તેનો ઉચાટ હોવાનો. સરકાર સામૂહિક પરિવહન અને ઈલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ વધારવા ઉપર ભાર દઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં પણ સરકારી કાફલો ઘટયો, બેઠકો અૉનલાઈન કરવાનું શરૂ થયું. બિહારમાં પણ વીડિયો કૉન્ફરન્સથી બેઠકો શરૂ થઈ છે. દિલ્હીમાં ઈ-રિક્ષા, મેટ્રો ટ્રેનના ઉપયોગ પર ભાર મુકાયો છે. દેશમાં આવેલી આ જાગૃતિ આવકાર્ય છે. અત્યારે તો વિશ્વ સામે સંકટ છે, કદાચ આવું ન હોય તો પણ ઊર્જા સ્રોતો શક્ય તેટલા બચાવવા જ જોઈએ. સવાલ એ છે કે આ જાગૃતિ કેટલી ટકશે અને વિશેષત: કેટલી હદે તેનું પાલન થઈ શકશે, જે પગલાં સરકાર કે નેતાઓ લઈ રહ્યાં છે તે પગલાં દરેક વ્યક્તિ માટે શક્ય નથી.

સ્થિતિ ગંભીર થાય તો આકરા નિર્ણય લેવા પણ પડે. સરકારનો વિરોધ કે અસંમતિનો પ્રશ્ન નથી પરંતુ જે પગલાં લેવાયાં છે તેનો અમલ કેટલા લોકો કરી શકે? તે પણ જોવું જરૂરી છે. વર્ક ફ્રોમ હોમનો અનુભવ કોરોના વખતે આપણને થઈ ગયો છે. લોકોનું સામાજિક પ્રત્યાયન તદ્દન તળિયે ગયું હતું. બીજી વાત એ છે કે પ્રધાન, નેતા માટે મોટરકારનો વિકલ્પ બાઈક હોઈ શકે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કારને બદલે બાઈક ઉપર ફરતા હોવાનો વીડિયો વાયરલ છે પરંતુ મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ, ડિલિવરી બોય સહિતના લોકો માટે તો બાઈક જ પરિવહનનું સાધન છે. બાઈકનો વિકલ્પ શું? આપણી જીવનપદ્ધતિ જે રીતે ગોઠવાઈ છે તે જોતાં આપણા માટે અઘરું છે પરંતુ જે આજે નહીં ને કાલે કરવાનું જ છે તે ફરજિયાત કરવાને બદલે સ્વેચ્છાએ થઈ જાય તો વધારે સરળ રીતે થઈ શકશે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ