નવ હજાર કરોડથી વધુની એકંદર ખોટ અને દર વર્ષે 2200 કરોડથી વધુના આર્થિક નુકસાન સાથે બેસ્ટ ઉપક્રમની સમસ્યાઓ ઘટવાનું નામ નથી લઈ રહી. એમાંય, બેસ્ટ કર્મચારીઓની હડતાળને કારણે મુંબઈગરાની હાલત કફોડી થઈ રહી છે. વીતેલા અઠવાડિયાના બે દિવસ મુંબઈના માર્ગો પરથી ગાયબ રહેલી બેસ્ટની બસોને કારણે જાણે મુંબઈગરાની નસોમાં લોહી જામી ગયું હોય એવી સ્થિતિ થઈ છે. સરકારે મેસ્મા લાગુ કરી આ હડતાળ ગેરકાયદે હોવાનું જાહેર કર્યું, છતાં કર્મચારીઓ ફરજ પર હાજર ન થયા અને લાખો મુંબઈગરાને મેટ્રો તથા ઍપ આધારિત ટૅક્સી-રિક્ષા સેવા પર મદાર રાખવો પડયો અને હાલાકી તથા દોઢાં-બમણાં ભાડાં ખર્ચવા પડયાં. બેસ્ટ કર્મચારીઓની હડતાળનો નિર્ણય ઓચિંતો નહોતો. છેલ્લાં કેટલાંય વર્ષથી બેસ્ટ વહીવટી ખામીઓ અને આર્થિક નિયોજનમાં ત્રૂટિનો ભોગ છે. એક સાંધો ત્યાં તેર તૂટે એવી બેસ્ટની સ્થિતિમાં કર્મચારીઓના પગાર અને નિવૃત્તિ પછીના લાભોથી વંચિત રહેવું પડે છે. તેમની પણ કેટલીક માગણીઓ છે, જેમાંથી કેટલીક કદાચ અયોગ્ય હશે, પણ મોટા ભાગની સાચી છે.
2011માં બેસ્ટના કાફલામાં 4700 બસો હતી, જે ઘટતાં ઘટતાં 2014માં 4288 અને
2019માં 3200 સુધી પહોંચી અને અત્યારે 2703 પર છે. સંખ્યાની દૃષ્ટિએ છેલ્લાં 14 વર્ષમાં
બેસ્ટના કાફલામાં બે હજાર બસોનો ઘટાડો થયો છે. મોટા શહેરમાં દર પચાસ હજાર લોકોએ એક
બસ હોવી જોઈએ, આ ગણતરી અનુસાર મુંબઈમાં સાત હજાર બસો હોવી જરૂરી છે. દેખીતી રીતે જ
અત્યારનો આંકડો અપૂરતો છે. વળી, અત્યારે બેસ્ટની પોતાની માલિકીની બસો માત્ર 378 છે
અને બાકીની ભાડા પર લેવાયેલી છે. ભાડે લેવાયેલી બસોની જાળવણીમાં કૉન્ટ્રાક્ટરો ધ્યાન
આપતા નથી અને તેના પગલે નજીકના ભૂતકાળમાં અનેક ગંભીર અકસ્માતો પણ થયા છે. એ પહેલાં
ઈલેક્ટ્રિક બસોનો ઉપયોગ શરૂ કરાયો, પણ તેના માટે પૂરતા ચાર્જિંગ સ્ટેશનનો અભાવ છે.
વળી, કૉન્ટ્રાક્ટ કર્મચારીઓની સંખ્યા પર અવલંબન વધારવા સાથે બેસ્ટે દસેક હજાર ખાલી
પદો ભર્યા નથી. બેસ્ટના કર્મચારીઓનાં 12 યુનિયનોની સંસ્થાની માગ છે કે, આ કૉન્ટ્રાક્ટ
વર્ક્સને કાયમી કરવામાં આવે તથા બેસ્ટની માલિકીની બસોની સંખ્યા પણ વધારાવામાં આવે.
બેસ્ટને અલગ એકમ તરીકે નહીં પણ બીએમસીના હિસ્સા તરીકે ચલાવાય. અનેક વર્ષોથી બેસ્ટની
દશા ખરાબ થઈ રહી છે, પણ કોઈએ એ તરફ ધ્યાન આપ્યું નથી. જરૂર છે કાયમી ઉપાયની, થાગડ-થિગડ
પાટાપિંડીથી કામ નહીં ચાલે. લાંબા ગાળાની યોજના અને ઉગારવાનો માર્ગ જ બેસ્ટની સમસ્યા
ઉકેલી શકે એમ છે અને એને અમલમાં મૂકવાનો સમય પાકી ગયો છે.