• સોમવાર, 22 જૂન, 2026

શિવસેનામાં વાક્ યુદ્ધ

શિવસેનાએ તેનો 60મો સ્થાપના દિવસ પક્ષની નીતિ, નિષ્ઠા અને ભવિષ્યના કાર્યક્રમની ચર્ચા કરવાને બદલે સામસામા ટીકાપ્રહાર અને ગર્ભિત ધાકધમકીથી ઊજવ્યો. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા શિંદે શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે બન્નેનાં ભાષણમાં મુખ્ય કેન્દ્રીય મુદ્દો બગાવત - બળવાનો હતો. ઉદ્ધવ ઠાકરેએ મતદારો - અર્થાત્ સમર્થકોની માફી માગી કે શિવસેનાના ઉમેદવારોને તમે વિજયી બનાવ્યા છતાં એમણે પક્ષ ત્યાગ કરીને દગો કર્યો છે. `બાળાસાહેબ તો કહેતા હતા કે આપણને દગો કરનારાઓને જમીનમાં ડાટી દો' - `પણ હું આવો આદેશ આપતો નથી.' ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એમને ખુરશીનો મોહ નથી, પદત્યાગ - અધ્યક્ષપદ છોડવા તૈયાર છું.' અલબત્ત, એમની આવી `અૉફર' સમર્થકો સ્વીકારે નહીં તે સ્વાભાવિક છે.

બગાવતીઓ ઉપરના ટીકાપ્રહાર ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના નિશાના ઉપર - નામ આપ્યા વિના - ભાજપના સર્વોચ્ચ - નેતા હતા. એક રાષ્ટ્ર એક ચૂંટણીની જેમ એક પક્ષ - એકચક્રી શાસન ઉપર પ્રહાર કર્યા છે એમને વિપક્ષ ખપતા નથી - ચૂંટણી જ કરાવવી નથી!

શિવસેના કૉંગ્રેસમાં વિલીન થવાની શક્યતા અને ચર્ચાને એમણે અફવા ગણાવીને રદિયો આપવાનો પ્રયાસ કર્યો છે. `અમે ત્રીસ વર્ષથી ભાજપ સાથે હતા પણ અમે ભાજપમાં ભળ્યા નથી! કૉંગ્રેસે અમને વર્ષો સુધી ત્રાસ આપ્યો છે અને દુશ્મની રાખી છે.' ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસમાં નહીં ભળવાની વાત કરી છે પણ આવી શક્યતાની શરૂઆત રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારનાં સૂચન અથવા અભિપ્રાયથી થઈ છે.

ઉદ્ધવ ઠાકરેની સભામાં એમની સાથે ત્રણ વફાદાર સંસદસભ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા. `બાગી સભ્યોને જનતા પાઠ ભણાવશે એમ કહ્યું! એમના વિશ્વાસુ - સલાહકાર સંજય રાઉતે તો જૂના સાથીદારો - હવે પક્ષ ત્યાગ કરી ગયા પછી - દુશ્મન બન્યા છે તેથી અભદ્રભાષાનો ઉપયોગ અને ધાકધમકી આપી છે! હવે ઉદ્ધવસેના ચૂંટણીની રાહ જોશે? કૉંગ્રેસમાં વિધિસર જોડાય નહીં, પણ જોડાણ - સમજૂતી તો યથાવત્ રહેશે.'

સામા પક્ષે એકનાથ શિંદે કહે છે કે ઉદ્ધવસેનામાંથી અમારા પક્ષમાં જોડાવા માટે વેઇટ લિસ્ટ છે, લાઇન લાગી છે! એમણે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને પરોક્ષરીતે ભાજપ સાથેની સમજૂતીનો બચાવ કર્યો છે. અન્ય પક્ષની જેમ અમે પરિવારવાદમાં માનતા નથી, સ્વીકારતા નથી એમ પણ કહ્યું. સંજય રાઉતનું નામ લીધા વિના જ કહ્યું કે કૂતરા ભસ્યા કરશે - હું તો `વાઘ' છું! ઉદ્ધવસેનાના સભ્યો કૉંગ્રેસ સાથે જોડાવાની ચર્ચાનો ઉલ્લેખ કરતાં શિંદેએ લાલબત્તી બતાવી છે કે કૉંગ્રેસ સાથે ગયેલા તમામ પક્ષો - ડીએમકે, આરજેડી - અને મમતા બેનરજી પણ હાર્યાં છે, પાયમાલ થયાં છે - કારણ કે કૉંગ્રેસ કહે છે - અમે નહીં જીતીએ અને તમે પણ જીતવા નહીં પામો.

શિવસેનાની `યાદવાસ્થળી'માં વાક્ યુદ્ધ શરૂ થયું છે - કે હાલ તુરત યુદ્ધ - વિરામ કરીને બન્ને નેતાઓ પોતાની સેના ઉપર નજર રાખી રહ્યા છે!